ગળ્યા પૂડલા ભાવતા હોય તો આ પૅનકેક પણ ટ્રાય કરી શકાય

14 September, 2021 07:01 PM IST  |  Mumbai | Jigisha Jain

થોડા સમય પહેલાં ધ બેકર્સ ડઝન દ્વારા માર્કેટમાં મુકાયેલું પૅનકેક પ્રીમિકસ કેવું છે એની અમે ટ્રાય કરી. અમારી અપેક્ષાઓ પર તો એ ખરું ઊતર્યું છે. ઇચ્છો તો તમે પણ ટ્રાય કરો આ અમેરિકન નાસ્તો

પૅનકેક

વિશ્વના વિવિધ દેશોમાં પેનકૅક ખવાય છે પણ એના સ્વરૂપોમાં જબરું વૈવિધ્ય છે. સ્વીટ ચિલ્લા એક પ્રકારની ફ્લૅટ કેક છે, પણ જો યોગ્ય ટેક્નિક ન વાપરીએ તો એ સ્પન્જી નથી થતી. થોડા સમય પહેલાં ધ બેકર્સ ડઝન દ્વારા માર્કેટમાં મુકાયેલું પૅનકેક પ્રીમિકસ કેવું છે એની અમે ટ્રાય કરી. અમારી અપેક્ષાઓ પર તો એ ખરું ઊતર્યું છે. ઇચ્છો તો તમે પણ ટ્રાય કરો આ અમેરિકન નાસ્તો

નાસ્તાના નામે ફરજિયાત દેશી નાસ્તો જ કરવો એવી હિમાયતી હોવાને કારણે ઘરમાં ફક્ત થેપલાં, પૌંઆ, ઉપમા, ઢેબરાં જ હોય. જોકે સ્કૂબી-ડૂને મજેથી પૅનકેક આરોગતા જોઈને લલચાઈ ગયેલી મારી દીકરીએ પોતાની નાનીને ફોન કર્યો કે ‘નાની, તમે આ રવિવારે આવવાના છો ત્યારે ઘરે પૅનકેક બનાવજો.’ ગૂગલ પર પૅનકેક વિશે સર્ચ કરી ચૂકેલાં દેશી ગુજરાતી નાની કહે, ‘એમાં વળી શું? પૅનકેક એટલે આપણો ગળ્યો પૂડલો જ થયોને!’ મને મારી માની સૂઝ પર માન થયું. જોકે દીકરીબાઈનો આગ્રહ હતો કે ઓરિજિનલ પૅનકેક જ ખાવી છે, એનું કોઈ ગુજરાતી વર્ઝન નહીં. ત્યારે યાદ આવ્યું ધ બેકર્સ ડઝન દ્વારા થોડા સમય પહેલાં જ લૉન્ચ થયેલું પૅનકેક પ્રીમિક્સ.

રવિવારની સવારમાં પૅનકેક પુરાણ શરૂ થયું. દીકરી અને નાની પોતપોતાના એપ્રનમાં સજ્જ થઈ ગયાં હતાં. પૅકેટ પરના સ્લોગનને જોરથી વાંચ્યું - ધ ફ્લફીએસ્ટ પૅનકેક યુ વિલ એવર ઈટ. એ વાંચીને બન્નેનો આત્મવિશ્વાસ જાણે કે વધી ગયો. રીત એકદમ સરળ હતી. પૅકેટમાં રહેલા લોટની અંદર નાનીએ બે પાવરા ભરીને ઑલિવ ઑઇલ (૪૦ મિલી.) અને લગભગ દોઢ કપ જેવું (૪૦૦ મિલી.) પાણી નાખ્યું. એને વિસ્ક કરવાનું કામ બન્નેને એ ભેગા મળીને કર્યું જેમાં ઘણા ગેલ પણ કર્યા. નાનીએ આ બેટર આંગળીમાં લઈને જરા ચાખ્યું ત્યારે તેમને એ આત્મવિશ્વાસ આવી ગયો હતો કે સ્વાદ તો સારો જ છે.

ખીરું જેવું તવા પર નાખ્યું કે છમ અવાજ સાથે એ ફેલાઈ ગયું. ત્યાં તરત દીકરીબાઈ પૅકેટ પરની ઇન્સ્ટ્રક્શન વાંચીને બોલ્યાં, ‘નાની, સાત-આઠ બબલ આવે પછી જ પલટજો.’ નાની હસ્યાં અને તેને જ બબલ ગણવા કહ્યું. બબલ ગણીને જ્યારે પૅનકેક પલટી તો સરસ ગુલાબી ભાત આવી ગઈ હતી એટલે કે એક સાઇડથી એ સરસ પાકી ગઈ હતી. ફૂલી પણ સરસ રીતે. બીજી પૅનકેક તવામાં નાખતી વખતે નાનીએ શેફની સ્ટાઇલમાં ચમચા વગર પૅનકેક હવામાં ઉછાળીને ફ્લીપ કર્યું ત્યારે તો અમે જોતા જ રહી ગયા. નાનીને આવું ક્યાંથી આવડ્યું એવો સવાલ અમારી આંખમાં વાંચીને નાની કહે, ‘પૅનકેક પહેલી વાર બનાવું છું, રસોઈ નહીં.’

પછી તો દરેક પૅનકેક હવામાં

ઊછળતી અને આખું ઘર એનો આનંદ માણતું. એના કેટલાય વિડિયો અને ઇન્સ્ટા-રીલ પણ અમે બનાવી લીધાં. છેલ્લી પૅનકેક હતી ત્યારે ટેબલ પર મિક્સ ફ્રૂટ જૅમ, બટર અને મેપલ સિરપ ગોઠવાઈ ગયાં હતાં. પૅકેટની સાથે આવેલી સ્ટેન્સિલથી કોકો પાઉડર વાપરીને સ્માઇલી બનાવવાની અઢળક મજા પડી. પૅનકેક પરની ડિટ્ટો સ્માઇલ દીકરીના મોઢા પર જોઈને નાનીની આંખોમાં પણ ચમક આવી ગઈ હતી. તૈયાર થયેલી લગભગ ૧૨ જેટલી મિડિયમ સાઇઝની પૅનકેક્સ અમે ચટ કરી ગયા અને બીજા કોઈ નાસ્તાની સાથે જરૂર પણ પડી નહીં. જોકે રાત્રે ડિનરમાં કોઈ કહે તો અમે આ પૅનકેક ખાવાનું પસંદ ન કરીએ. નાસ્તામાં જ એની મજા વધુ છે.

શું ખાસિયત છે આ પ્રીમિક્સની?

પૅનકેક વર્ષોથી અમેરિકાનો બ્રેકફાસ્ટ રહ્યો છે અને છતાં એ ફક્ત અમેરિકા સુધી સીમિત ન રહીને દુનિયાભરમાં બ્રેકફાસ્ટરૂપે ખ્યાતિ પામ્યો છે. પૅનકેકના ફ્લેપજૅક, ગ્રીડલ જૅક, હૉટકેક, સ્લેપ જૅક જેવાં ઘણાં જુદાં-જુદાં નામ રહ્યાં છે. ધ બેકર્સ ડઝનના કો-ફાઉન્ડર અને હેડ બેકર અદિતિ હાંડા કહે છે, ‘મોટા ભાગે ઘરે પૅનકેક બનાવવામાં એના બેટરમાં ગાંઠા પડી જવાની શક્યતા ઘણી વધુ રહે છે. વળી એ લાઇટ અને એરી પણ સરળતાથી બનતી નથી. વળી એની રેસિપી ઇન્ટરનેટ પર શોધવા જઈએ તો એગલેસ રેસિપી મળવી મુશ્કેલ છે. આ બધી તકલીફોને ધ્યાનમાં રાખીને અમે આ મિક્સ બનાવ્યું છે જે પ્રિઝર્વેટિવ્સ વગરનું અને સંપૂર્ણ રીતે એગલેસ છે જેથી વેજિટેરિયન્સ પણ પૅનકેકનો સંપૂર્ણ આનંદ માણી શકે.’

columnists Jigisha Jain