આ પાંચ સૉસ તમારી ડિશનો સ્વાદ બદલી નાખશે, ટ્રાય કરો

20 March, 2020 04:58 PM IST  |  Mumbai | Sejal Patel

આ પાંચ સૉસ તમારી ડિશનો સ્વાદ બદલી નાખશે, ટ્રાય કરો

સૉસ

આખો પરિવાર આખો દિવસ ઘરમાં જ રહે એવું ભાગ્યે જ બનતું હોય છે, પરંતુ થૅન્ક્સ ટુ કોરોનાવાઇરસ હાલમાં પરિવારોને ‘ફૅમિલી-ટાઇમ’ એન્જૉય કરવા મળી રહ્યો છે. આખો દિવસ ઘરમાં જ રહેવાનું થાય ત્યારે કંઈકને કંઈક નવું ખાવાની ઇચ્છા થયા કરે એ સ્વાભાવિક છે. લિમિટેડ અને રેગ્યુલર ચીજોનો જ ઉપયોગ કરીને કઈ રીતે દરેક ડિશને હટ કે બનાવી શકાય એ જોઈએ

સામાન્ય રીતે બાળકો સ્કૂલે જતાં રહે અને પતિદેવો ઑફિસે. એને કારણે સવારે લંચ-બૉક્સ બનાવીને ગૃહિણીઓને નવરાશ મળી જાય. જોકે હવે જ્યારે આખું ઘર ભરેલું હોય ત્યારે દિવસમાં ત્રણથી ચાર વાર કંઈકને કંઈક ખાવાનું બનાવવાનું થાય. સવારે આખો પરિવાર ભેગો છે તો કંઈક નવું અને બધાની પસંદનું બનાવવાનું આવે. જોકે હાલમાં બને ત્યાં સુધી બહાર પણ નીકળવાનું ન હોવાથી એક જ વારમાં હોલસેલમાં જે પણ ઘરમાં ભરી લીધું એમાંથી જ મિક્સ ઍન્ડ મૅચ કરીને ભોજન બનાવવાનું રહે. એવા સમયે તમે જે કોઈ પણ રુટિન ડિશ બનાવો છો એને નવા સ્વાદ અને ફ્લેવરની બનાવવાનું કામ થોડુંક વિચારીને કરવું પડે.

સૉસીઝ અને ચટણીઓ

બે-ત્રણ જાતની ચટણીઓ કે સૉસીઝ લાવીને રાખ્યા હોય તો તમે ડિશને નવતર બનાવી શકો. મોટા ભાગે સૉસ ફ્લેવરિંગનું કામ કરે છે અને ફ્લેવર બદલાઈ જાય તો એ જ રુટિન ડિશ એકદમ સ્વાદિષ્ટ લાગવા લાગે. અલબત્ત, મિક્સ ઍન્ડ મૅચ પણ એક કળા છે એમ જણાવતાં કુકિંગ-એક્સપર્ટ મીતા ભરવાડા કહે છે, ‘કોઈ પણ વાનગીમાં કોઈ પણ ફ્લેવર નાખી દેવાથી એ સ્વાદિષ્ટ જ બને એ જરૂરી નથી. તમે જે ચીજ બનાવો છો એનો મૂળ સ્વાદ કેવો છે અને એને બૅલેન્સ કરવા માટે કેવી ફ્લેવર વપરાશે એની સમજણ જરૂરી છે. ઑલરેડી કોઈ ડિશમાં તીખાશ વધુ હોય ત્યારે એમાં બીજો તીખો સૉસ ઉમેરો તો એ મજા નહીં આવે. બ્લૅન્ડ સ્વાદ ધરાવતી ચીજમાં જો તમે બ્લૅન્ડ સૉસ ઉમેરો તો એ પણ ઠીક નહીં રહે.’

ફૅમિલીનો ટેસ્ટ

ફ્યુઝન કરવું હોય ત્યારે પરિવારજનોનો ટેસ્ટ શું છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે સિનેમન ફ્લેવર બહુ યુનિક છે. સિનેમન ફલેવરની કૉફી બહુ જ સારી લાગે, પણ જો કોઈકને તજ ભાવતાં જ ન હોય તો ભલેને સિનેમન કૉફી વર્લ્ડની બેસ્ટ આઇટમ ગણાતી હોય, એ તમારા પરિવાર માટે નથી. પરિવારના ટેસ્ટ પ્રેફરન્સને સમજવા માટે મીતા ભરવાડા કહે છે, ‘બાળકો, યંગસ્ટર્સ, મિડલ-એજ અને વડીલો એમ દરેક વયના લોકોની ટેસ્ટ-બડ્સ જુદી ફ્લેવર પસંદ કરતી હોય છે. અલબત્ત, પહેલેથી જ ઘરમાં હેલ્ધી ચીજો ટેસ્ટી રીતે ખવડાવવાની આદત રાખી હોય તો બહુ વાંધો નથી આવતો.’

પાંચ બેસિક સૉસ

ડિશને ડેલિશ્યસ બનાવવી હોય અને ઘરમાં બહુ ઝાઝાં ઇન્ગ્રિડિયન્ટ્સ હાજર ન હોય તો ફ્રીજમાં ભરી રાખેલાં સૉસીઝ કામ આવી શકે. મોટા ભાગે આ સૉસ અમુક જ ચીજો માટે હોય છે, પરંતુ એને તમે ફ્યુઝન તરીકે વાપરી શકો છો એમ જણાવતાં મીતા ભરવાડા કહે છે, ‘હું પર્સનલી રેડીમેડ સૉસ વાપરવાની હિમાયતી નથી, પરંતુ સમયના અભાવે અને બનાવવાની સરળતા માટે રેડીમેડ સૉસ લાવવામાં કંઈ ખોટું પણ નથી. પણ હા, એક વાર સૉસની બાટલી ખોલી નાખો એ પછી ક્યાંય સુધી એ એમ જ પડી રહે એવું ન થવું જોઈએ. આવાં સૉસ એકવાર બાટલી ખોલી નાખ્યા પછી લાંબુ ટકતાં પણ નથી. ધારો કે તમે પીત્ઝા સૉસ લાવ્યા. એક વાર પીત્ઝા બનાવ્યા પછી સૉસ વધવાનો જ. એ પછી કંઈ તરત બીજા જ અઠવાડિયે તમે સૉસ પૂરો કરવા માટે પીત્ઝા બનાવવાના નથી. એવા સમયે એનો બીજી વાનગીમાં ઉપયોગ કરી લેવો જોઈએ.’

કોઈ પણ ઘરમાં જ્યાં બાળકો અને યંગસ્ટર્સ હોય ત્યાં ચાર પ્રકારનાં સૉસ લગભગ હોય જ. એ છે સેઝવાન સૉસ, બેસિલ પેસ્તો, પીત્ઝા-પાસ્તા સૉસ, મેયનીઝ અને પેરી પેરી સૉસ. કેવી-કેવી વાનગીઓમાં આ સૉસથી ફ્લેવરિંગ થઈ શકે એ મીતા ભરવાડા પાસેથી જાણીએ.

બ્રેડ-પકોડામાં સેઝવાન સૉસ

ગુજરાતીઓને તીખું અને ચટપટું બહુ ભાવતું હોય છે એટલે સેઝવાન સૉસની તીખાશ જો યોગ્ય રીતે વાપરી હોય તો સરસ લાગે. એક ચમચી સેઝવાન સૉસ તમે ચના ચાટ બનાવો ત્યારે ઉમેરી દો તો એ ડિશની આખી ફ્લેવર જ બદલાઈ જશે. ઢોસામાં પણ સેઝવાન સૉસની ફ્લેવર પાથરી શકાય અને વઘારેલી ઇડલી તૈયાર કરો ત્યારે પણ સેઝવાન ફ્લેવર માટે આ સૉસ વાપરી શકાય.

અત્યારે ઘેરબેઠાં બપોરે કંઈક ચટપટું ખાવું હોય તો સેઝવાન બ્રેડ પકોડા પણ સારાં લાગે. બ્રેડની અંદર પૂરણ ભરીને અથવા તો સેઝવાન સૉસ લગાવીને એને ચણાના લોટના ખીરામાં બોળીને તળી લો. એના ટ્રાયેન્ગલ્સ કાપીને કોથમીરની ચટણી સાથે લો. જેમને પણ ચાઇનીઝ ફ્લેવર ભાવતી હોય તેઓ સેઝવાન સૉસનો ઉપયોગ છૂટથી કરી શકે છે.

સૅન્ડવિચ અને રૅપ્સમાં બેસિલ પેસ્તો

આ ફ્લેવર ગ્રીન વેજિટેબલ્સ ભરપૂર નાખેલા હોય એવી ચીજો સાથે વધુ સારી લાગે છે એટલે જ સૅન્ડવિચ, સૅલડ અને રૅપ્સમાં એ વાપરી શકાય. બેલ પેપર, બ્રોકલી, ઝુકિની, મશરૂમ્સ જેવાં વેજિટેબલ્સ અને તોફુ કે પનીર સાથે બેસિલ પેસ્તો સૉસ બહુ જ સરસ લાગશે. ટિપિકલ ગાજર, વટાણા અને બાફેલા બટાટાનું સ્ટફ ભરેલી ચીજો સાથે એ એટલું સારું નહીં લાગે, પરંતુ અવાકાડોવાળું સૅલડ હોય તો એમાં બેસિલ પેસ્તો સૉસ સરસ લાગે. પનીર ટિકામાં પણ ફ્લેવરિંગ માટે આ સૉસ વાપરી શકાય. એનાથી સાવ જ સ્વાદ અને સોડમ બદલાઈ જશે.

સેવપૂરીમાં પીત્ઝા સૉસ

આ એવો સૉસ છે જે ચટપટું ખાવાના શોખીનો માટે જન્નત સમાન છે. પીત્ઝા ઉપરાંત આ સૉસને ડિપ અથવા તો સાઇડર તરીકે પણ વાપરી શકાય છે. મોમોઝની સાથે એ ચટણીની ગરજ સારે છે. મોમોઝની અંદરનું શાકભાજી અથવા તો પનીરનું પૂરણ બહુ જ બ્લૅન્ડ હોય છે એટલે એની સાથેનું ડિપ થોડુંક ખાટુંમીઠું હોય તો સરસ સંતુલન થાય. મરચાંની તીખી ચટણીને બદલે મોમોઝની સાથે પીત્ઝા સૉસ વાપરી શકાય.

દેશી વાનગીને ઇટાલિયન ટ્વિસ્ટ આપવો હોય તો એની સેવપૂરી પણ બને. જો ઘરમાં ખજૂર-આમલીની ચટણી કે કોથમીર-ફુદીનાની ચટણી ન હોય તો પણ તમે આ પીત્ઝાપૂરી બનાવી શકો. પૂરી પર સૉસની સાથે બાકીની તમામ ચીજો રુટિન સેવપૂરી જેવી જ લેવાની. એ ઉપરાંત બ્રેડ ફિન્ગર્સ અથવા તો ફણગાવેલા મગનું સ્ટર-ફ્રાય સૅલડ જેવું બનાવ્યું હોય એમાં પણ આ સૉસનું ટૉપિંગ કરી શકાય. સાથે કાકડી-ટમેટાં, કાંદાનું સૅલડ પણ ઉમેરવું.

પટેટો વેજીસ સાથે મેયોનીઝ

બાળકો અને યંગસ્ટર્સને તો આજકાલ મેયોનીઝ મળી એટલે જાણે ભગવાન મળ્યા. અલબત્ત, આ બહુ હેલ્ધી આઇટમ નથી એટલે એનો વપરાશ કન્ટ્રોલ સાથે કરવો જરૂરી છે. સૅલડ, સૅન્ડવિચ, ફિંગરચિપ્સ, પટેટો વેજીસ, પટેટો સ્માઇલીઝ એમ દરેક ચીજ સાથે મેયોનીઝ વાપરી શકાય.

પટેટો સાથે પેરી પેરી સૉસ

ખૂબ ઓછા સમયમાં બહુ ફેમસ થઈ ગઈ હોય એવી ફ્લેવર યાદ કરવાની હોય તો એ છે પેરી પેરી. જીભ પર તીખાશનો ફુવારો છૂટતો હોય એવું ખાવાના શોખીનો માટે આ સૉસ બેસ્ટ છે. સ્ટર-ફ્રાય પટેટો બનાવો ત્યારે સહેજ પેરી પેરી છાંટી દો તો સાદા બટાટા બહેતરીન સ્વાદનાં બની જશે. પાપડ કે ખીચાપાપડને મસાલેદાર બનાવવા હોય ત્યારે એની પર શાકભાજીના ટૉપિંગની સાથે પેરી-પેરી સૉસ છાંટી શકાય. હેલ્ધી ખાવું હોય તો મગની દાળના ચિલ્લા બનાવો એમાં પણ આ સૉસ વાપરી શકાય.

indian food mumbai food sejal patel