29 July, 2026 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુરતી ઘારી
સામગ્રી : બહારના પડ માટે : મેંદો ૧૫૦ ગ્રામ, ઘી બે ટેબલસ્પૂન (મોણ માટે), જરૂર મુજબ પાણી, તળવા માટે ઘી અથવા તેલ
સ્ટફિંગ માટે : માવો ૨૦૦ ગ્રામ, દળેલી ખાંડ ૧૦૦ ગ્રામ, બદામ (કાપેલી) ૨૦ ગ્રામ, પિસ્તા (કાપેલા) ૧૫ ગ્રામ, ચારોલી ૧૦ ગ્રામ, એલચી પાઉડર ૧/૨ ટીસ્પૂન, જાયફળ પાઉડર ૧/૪ ટીસ્પૂન, કેસર થોડું (એક ટેબલસ્પૂન ગરમ દૂધમાં પલાળેલું)
કોટિંગ માટે : ઘી ૧૦૦ ગ્રામ (ઓગાળેલું), પીસેલી ખાંડ ૫૦ ગ્રામ, કેસર થોડી, પિસ્તા અને બદામની કતરણ સજાવવા માટે
બનાવવાની રીત : લોટ તૈયાર કરો : મેંદામાં ઘીનું મોણ નાખીને સારી રીતે મિક્સ કરો. થોડું-થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. ભીના કપડાથી ઢાંકીને વીસથી ૩૦ મિનિટ રહેવા દો.
સ્ટફિંગ બનાવો : માવાને ધીમા તાપે ચાર-પાંચ મિનિટ હલાવતા શેકો. ઠંડું થાય પછી એમાં પીસેલી ખાંડ, એલચી, જાયફળ, કેસરનું દૂધ, બદામ, પિસ્તા અને ચારોલી ઉમેરીને મિક્સ કરો. નાના ગોળા બનાવી રાખો.
ઘારી તૈયાર કરો : લોટના નાના લૂઆ બનાવીને પૂરી જેવી વણો. વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકીને ચારેય બાજુથી બંધ કરો. હળવા હાથે દબાવીને ઘારીનો આકાર આપો.
તળો : મધ્યમ તાપે ઘી અથવા તેલ ગરમ કરો. ઘારીને ધીમા-મધ્યમ તાપે આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી તળો. બહાર કાઢીને ઠંડી થવા દો.
ઘી કોટિંગ : ઓગાળેલા ઘીમાં કેસર મિક્સ કરો. તળેલી ઘારીને ઘીમાં ડુબાડીને બહાર કાઢો. ઉપર પીસેલી ખાંડ ભભરાવો. બદામ અને પિસ્તાની કતરણથી સજાવો. સર્વિંગ-પ્લેટમાં ઘારી ગોઠવો. ઉપર બદામ, પિસ્તા, ચારોસી અને ગુલાબની પાંખડીઓથી સજાવો. ઘારીને પીરસતાં પહેલાં એક-બે કલાક સેટ થવા દો જેથી એનો સ્વાદ વધુ સરસ લાગે.