19 December, 2025 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખાવસ્વે
સામગ્રી : નારિયેળનું દૂધ (માર્કેટમાં રેડી મળે છે અથવા નારિયેળના ટુકડા કરીને એમાં ૧ ગ્લાસ પાણી ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી ગાળી લો), ૧ કપ મકાઈ ના દાણા, વટાણા અને ગાજર, ૧ ચમચી લસણ અને આદું-મરચાંની પેસ્ટ, ૨ નંગ લાલ સૂકાં મરચાં, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી સોય સૉસ, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી તેલ.
સર્વ કરવા તળેલું લસણ, કાંદો, નૂડલ્સ, લીંબુ અને કોથમીર.
રીત : પહેલાં એક કડાઈમાં તેલ ગરમ કરવું. એમાં લસણ-આદું-મરચાંની પેસ્ટ અને સૂકાં લાલ મરચાં રંગ ન બદલાય એમ ૩૦ સેકન્ડ માટે સાંતળી લેવાં. પછી એમાં મકાઈ, વટાણા અને ગાજર ઉમેરીને એને બે મિનિટ સુધી સાંતળવાં. વેજિટેબલ સંતળાઈ જાય એટલે એમાં મીઠું, હળદર, ધાણાજીરું અને સોય સૉસ મેળવી લો. બધું મિક્સ થઈ જાય એટલે એમાં નારિયેળનું દૂધ ઉમેરીને એક ઊભરો આવે ત્યારે ગૅસ બંધ કરી દો, નહીં તો નારિયેળનું દૂધ ફાટી જશે. (નોંધ - નારિયેળનું દૂધ ફાટી જવાનો ડર હોય તો નારિયેળના દૂધમાં એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને નારિયેળનું દૂધ ઉમેરવું).
આપણું ખાવસ્વે તૈયાર છે. એને એક બાઉલમાં કાઢી તળેલા કાંદા, લસણ અને નૂડલ્સ અને લીંબુ, કોથમીર સાથે સર્વ કરો. આ ખાવસ્વે બાફેલા નૂડલ્સ સાથે પણ ખાઈ શકાય છે.
- કાજલ ડોડિયા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)