આજની રેસિપી: ફ્રૅન્કી ફિંગર

24 March, 2026 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો ફ્રૅન્કી ફિંગર

ફ્રૅન્કી ફિંગર

સામગ્રી : ૨૫૦ ગ્રામ મેંદો, ૧ ચમચી બેકિંગ પાઉડર, ૧ ચમચી સાકર, સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ, જરૂર મુજબ ગરમ પાણી. સોસ માટે : ૨ ચમચી ગ્રીન ચિલી સૉસ, ૨ ચમચી રેડ ચિલી સૉસ, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ટેબલસ્પૂન સોય સૉસ, સ્વાદ અનુસાર મીઠું. ટૉપિંગ માટે : પ્રોસેસ્ડ ચીઝ, ચીઝ સ્લાઇસ, ખમણેલી કૅબેજ, ખમણેલા કાંદા, ઝીણા ચૉપ કરેલા, કૅપ્સિકમ / બેલ પેપર અને પસંદગી મુજબ અન્ય શાકભાજી.

રીત : લોટ તૈયાર કરવાની રીત : એક બાઉલમાં મેંદો લો. એમાં બેકિંગ પાઉડર, મીઠું અને સાકર ઉમેરો. ચમચી તેલ મોણ તરીકે નાખો. હવે જરૂર મુજબ ગરમ પાણી ઉમેરીને મીડિયમ કડક લોટ બાંધી લો. લોટને ઢાંકી ૧ કલાક માટે રેસ્ટ આપો. પછી થોડું તેલ લગાવીને ફરીથી કૂણવીને એકદમ સૉફ્ટ લોટ બનાવો. લોટમાંથી રોટલી વણી લો. તવા પર કાચી-પાકી શેકી લો. આવી રીતે બધી રોટલીઓ બનાવી સાઇડમાં રાખો.

ફિલિંગ બનાવવાની રીત : એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. એમાં કાંદા, કૅપ્સિકમ, કૅબેજ અને બાફેલું બટેટું ઉમેરો. ફાસ્ટ ગૅસ પર એને સૉતે કરો. પછી એમાં આદું-મરચાંની પેસ્ટ, ગ્રીન ચિલી સૉસ, રેડ ચિલી સૉસ, સોય સૉસ અને ટમૅટો કેચપ ઉમેરો. સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ અને ઑરેગાનો ઉમેરો. થોડું કાચું-પાકું થાય ત્યાં સુધી સૉતે કરો અને ગૅસ બંધ કરી દો.

ફ્રૅન્કી ફિંગર બનાવવાની રીત : તૈયાર રોટલીને તવા પર બટર લગાવીને હળવી શેકી લો. એના પર ગ્રીન ચટણી અથવા સેઝવાન સૉસ લગાવો. પછી ચીઝ સ્લાઇસ પાથરો. ઉપર ઑરેગાનો અને મસાલો ભભરાવો. હવે તૈયાર કરેલું ફિલિંગ મૂકો. એના પર પ્રોસેસ્ડ ચીઝ ખમણી નાખો. તવા પર ઢાંકણ મૂકી બે મિનિટ સુધી રાખો જેથી બધું સરસ રીતે મેલ્ટ થઈ જાય. બે મિનિટ પછી ઢાંકણ કાઢી લઈ એને સ્ટ્રિપ્સની જેમ ઊભી-ઊભી પીઝાકટરથી કટ કરી ગરમાગરમ સર્વ કરવું.

food news street food mumbai food indian food life and style lifestyle news