આ સ્ટૉલનો દાવો છે કે તમારા બાયોડેટા કરતા વધુ વરાઇટીનાં વડાપાઉ અહીં મળશે

13 March, 2020 02:16 PM IST  |  Mumbai | Sejal Patel

આ સ્ટૉલનો દાવો છે કે તમારા બાયોડેટા કરતા વધુ વરાઇટીનાં વડાપાઉ અહીં મળશે

મુંબઈ અને મહારાષ્ટ્રની શાન ગણાતી કોઈ વાનગી હોય તો એ છે વડાપાંઉ. ટિપિકલ મહારાષ્ટ્રિયન સ્ટાઇલનાં વડાપાંઉ તો મુંબઈના દરેક વિસ્તારમાં મળી જશે, પરંતુ આજે આપણે જેની વાત કરવાના છીએ ત્યાં વડાપાંઉને સાવ નવા જ ફ્યુઝન અવતારમાં પીરસવામાં આવે છે. ફ્યુઝનની વાત આવે ત્યારે આપણે ગ્રિલ્ડ વડાપાંઉ, જમ્બો વડાપાંઉ, ચીઝ વડાપાંઉ, મેયોનીઝ વડાપાંઉ, તંદૂરી જેવા બે-પાંચ ઑપ્શન્સ પર જ અટકી જઈએ. જોકે અક્ષય રાણે નામના યુવાને ખોલેલા સ્ટૉલ પર ૧૮ જાતનાં વડાપાંઉ મળે છે. જમ્બો, ચીઝ અને મેયો જેવા રેગ્યુલર વડાપાંઉ સાથે અહીં સેઝવાન, પેરી પેરી, બાર્બેક્યુ, તંદૂરી ઇન્ડિ-ઇટાલિયા વડાપાંઉ જેવી ફ્લેવરનાં વડાપાંઉ પણ મળે છે.

પુણેમાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરતા અક્ષય રાણેએ સવા વર્ષ પહેલાં નોકરી છોડીને સંપૂર્ણપણે વડાપાંઉ વેચવાનું શરૂ કરી દીધું છે. દોઢ વર્ષ પહેલાં વરલીમાં પહેલી બ્રાન્ચ શરૂ કરેલી અને એ વખતે તો ટિપિકલ મહારાષ્ટ્રિયન વડાપાંઉ જ વેચવામાં આવતાં હતાં, પરંતુ થોડા દિવસમાં રૂટીન મેન્યૂથી કંટાળીને તેણે વડાપાંઉના સ્વાદ-સોડમ પર પ્રયોગ આદર્યા અને એમાંથી જાતજાતનાં અને ભાતભાતનાં વડાપાંઉનો જન્મ થયો. તેનો ઉત્સાહ અને ક્રીએટિવિટી વડાપાંઉના નામકરણમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. સ્ટૉલનું નામ છે ‘જુગાડી અડ્ડા’ અને એમાં મળતાં વડાપાંઉમાં વીઆઇપી, જંતરમંતર, ગૉડફાધર, જંગલી, મચાયેંગે, પોલો ફોર્ઝો જેવા નામના નમૂના છે. તેની એક વરાઇટીનું નામ તો હતું ટૅન્ગી સની લીઓની વડા પાંઉ! અક્ષય કહે છે, ‘યંગસ્ટર્સમાં તો એ વડાપાંઉ ધૂમ વેચાતાં પણ હતાં, પરંતુ એને કારણે કેટલાક વડીલોને થોડું અડવું લાગતું હતું. એને કારણે મેં નામમાંથી લીઓની કાઢીને માત્ર ટૅન્ગી સની કરી નાખ્યું છે.

નવાઈની વાત એ છે કે એક વર્ષના ગાળામાં તો જુગાડી અડ્ડાની ચાર બ્રાન્ચ થઈ ગઈ. વરલીની મૂળ જગ્યા રિનોવેશનમાં છે અને માર્ચના અંત સુધીમાં એ પણ ફરીથી ચાલુ થઈ જશે. એ ઉપરાંત એલ્ફિન્સ્ટન રોડ, માટુંગા, ચર્ચગેટ પર એની ફ્રૅન્ચાઇઝી છે. અમદાવાદ, પુણે અને બૅન્ગલોરમાં પણ એની બ્રાન્ચ ચાલે છે. આ બધું જાણીને વિચાર તો આવે જને કે એવાં તે કેવાં મોતી મૂકેલાં છે આ વડાપાંઉમાં? અમે ઊપડ્યા જાતે એ ટ્રાય કરવા સેનાપતિ બાપટ માર્ગ પર આવેલા અડ્ડા પર. ઇન્ડિયાબુલ્સ ફાઇનૅન્સ સેન્ટરના ટાવરની એકદમ સામે જ નાનકડો ગાળો છે. ત્યાં પહોંચ્યા પછી લાગ્યું કે અહીં માત્ર આ સ્ટૉલ જ નહીં, બીજી પણ ઘણી વરાઇટી છે ટ્રાય કરવા જેવી. કૉર્પોરેટ ઑફિસની વચાળે આ સ્ટૉલ હોવાથી અહીં આખો દિવસ સારીએવી ભીડ રહે છે. સાંજે પાંચ-છ વાગ્યાનો સમય હતો એટલે સૂટ અને ટાઇ પહેરેલા ઑફિસરો પણ ગાડી ઊભી રખાવી, એક-બે વડાપાંઉ પૅક કરાવીને ઑન-ધ ગો ખાવા માટે લઈ જતા દેખાયા. જબરદસ્ત ભીડ વચ્ચે અમને ઑર્ડર આપવામાં બહુ વાર લાગી. નાનકડા ગાળામાં પાછળ એક માણસ બે ચૂલા પર સતત વડાપાંઉ અને સમોસાં તળ્યા કરતો હતો અને આગળ પાંચ જણ લોકોના ઑર્ડર સર્વ કરવામાં વ્યસ્ત હતા. છમાંથી કોઈને સામે જોવાનીયે ફુરસદ નહોતી તો વાત ક્યાંથી થાય?

અમે પાંચેક પ્રકારનાં વડાપાંઉનો ઑર્ડર આપ્યો હતો. સૌથી પહેલાં આવ્યાં જંગલી વડાપાંઉ. ફુદીનાની ચટણી અને ગ્રીન ચટણીથી ભરપૂર આ વડાપાંઉમાં મિન્ટની ફ્લેવર ખૂબ ડોમિનન્ટ હતી અને સાથે થોડું સૅલડ પણ અંદર નાખેલું. અહીંના મચાયેંગે વડાપાંઉ પણ ધૂમ મચાવે છે. અક્ષયનો દાવો છે કે જે તીખું નથી ખાતા તેમને પણ તીખું ખાતા કરી દે એવી આ વરાઇટી છે. અમે ટ્રાય કરી તો સાચે જ ટૅન્ગી અને સ્પાઇસીનેસનું મસ્ત કૉમ્બિનેશન એમાં હતું. જેમને ખાટો સૉસ વધુ ભાવતો હોય તેમને માટે જ ટૅન્ગી સની વડાપાંઉ છે. પેરી પેરીમાં સૉસ તો તીખો છે જ પણ સાથે તીખો પેરી પેરી પાઉડર છાંટેલો હોય એવું લાગ્યું જે બર્ગર જેવી ફીલ આપતું હતું. અહીં હૅરિસા સૉસવાળાં વડાપાંઉ પણ મળે છે. જો ન ખબર હોય તો કહી દઉં કે હૅરિસા એ નૉથ આફ્રિકન ચિલીનો તીખોતમતમતો સૉસ હોય છે. એ ફ્લેવરના વડાપાંઉમાં મિક્સ્ડ હર્બ્સની સાથે લિક્વિડ ચીઝ અને રેડ પેપરનું મિક્સ હતું. બાર્બેક્યુ ફ્લેવરમાં જે સ્પાઇસી સૉસ હતો એ પનીરના શાકની ગ્રેવી જેવો સ્વાદ ધરાવતું હતું. એ ઉપરાંત ખાટામીઠા અથાણા જેવા ટેસ્ટવાળું અચારી મૅન્ગો વડાપાંઉ પણ મજાનું છે. જંતરમંતર વડાપાંઉમાં આઇસબર્ગ, ટમેટાં, કૅપ્સિકમ, અન્યન અને ત્રણ સીક્રેટ સૉસ નાખેલા હોય છે. બહુ પૂછવા છતાં આ સીક્રેટ સૉસ શું છે એ જાણવા નથી મળતું.

આ જે પણ વરાઇટી છે એ વડાં ઉપરાંત સમોસાં અથવા ભાજી સાથે ખાવાં હોય તો એ પણ સંભવ છે. અહીં જેટલી પણ ૧૮ વરાઇટીની વાત કરી એ તમામ ચીજો જૈન વર્ઝનમાં પણ મળે છે. અહીંનાં જૈન વડાં કાચા કેળામાંથી અને અલગ તેલમાં તળાયેલાં હોય છે.

બહુ તીખું, ખાટું અને અચારી ખાધા પછી આ જ સ્ટૉલ પર ડિઝર્ટની વ્યવસ્થા પણ છે. એ વાનગી છે ચૉકલેટ સમોસાં. નટેલાના પૂરણથી ભરેલાં સમોસાંને ખૂબબધાં ચૉકલેટ અને ચીઝ સૉસથી સજાવેલા પાંઉની વચ્ચે દબાવીને સર્વ કરવામાં આવે છે. પાંઉની સાથે ચૉકલેટનું કૉમ્બિનેશન કંઈ બહુ ઠીક ન લાગ્યું, પણ નટેલાવાળાં ગરમાગરમ સમોસાં મિસ કરવા જેવાં નથી.

આસપાસમાં શું ઑપ્શન છે?

જુગાડી અડ્ડાની આસપાસ બીજી પણ ઘણી સૅન્ડવિચ, પીત્ઝાની અને ચાટની શૉપ્સ છે. જોકે અમને તો એમાંથી સાવ નાના ઠેલા પર મળતી ડિશ માટે ભીડ વધુ જોવા મળી. અહીં એક કૉર્નવાળો બેસે છે જેની પાસેથી મૅગી મસાલા કૉર્ન અચૂક ટ્રાય કરવા જેવું છે. બટર, ચાટ મસાલો, મરચું, મૅગી મસાલામાં રગદોળાયેલા મકાઈના બાફેલા દાણા ખાવાની મજા પડી.

એ ઉપરાંત અહીં મસાલા ખીચિયાપાપડવાળો પણ બહુ વ્યસ્ત જોવા મળ્યો. ખીચિયા પર ભરપૂર બટર ચોપડીને એના પર ફુદીનાની લીલી ચટણી અને લસણની લાલ ચટણી સાથે સેવ-બુંદીનું ફરસાણ પાથરેલો પાપડ સ્વાદિષ્ટ હતો.

ખાવા-પીવાની સાથે અહીં ચાનો સ્ટૉલ પણ ફેમસ છે, પ્રેમાચા ચહા. સપ્રમાણ ખાંડ અને મસાલાથી ભરપૂર ચાનો એક કપ ૧૦ રૂપિયામાં હતો.

indian food mumbai food sejal patel