ફાકડા મારી શકાય એવી આ વાનગીઓ ભૂલવા જેવી નથી

18 November, 2019 04:01 PM IST  |  Mumbai | Pooja Sangani

ફાકડા મારી શકાય એવી આ વાનગીઓ ભૂલવા જેવી નથી

ટેસ્ટી વાનગીઓ

શિંગ, મમરી અને પાપડની સાથે ઝીણા સમારવામાં આવતાં વેજિટેબલ્સ અને મસાલાઓનો સંગમ થાય તો અદ્ભુત વાનગીઓ બને છે. પીનટ ચાટનો એક બોલ ખાઈને અમીનો ઓડકાર આવી જાય. શિંગ સ્લાઇસ અને કર્ણાટકના KBC વચ્ચે શું ફરક? શિંગ સોડા પીવાની પણ એક આવડત જોઈએ નહીં તો રમૂજી દૃશ્યો સર્જાય. મસાલા બુંદી એક વાર ઘરે બનાવી જુઓ, પછી મહેમાનો વારંવાર માકેમ છો મિત્રો? સૌ મજામાં જ હશો. આજે આપણે એવી વાનગીઓની વાત કરવી છે કે જે નાની-નાની સામગ્રીથી બને છે પણ ખૂબ ટેસ્ટી હોય છે. તમે ક્યારેય શિંગ સ્લાઇસ વિશે જાણ્યું છે? કૉલેજિયન એટલે શું એ ખબર છે? પીનટ ચાટ ક્યારેય ખાધી છે? પાપડ ચૂરી તો બસ એક પછી એક પ્લેટ ખાધા જ કરીએ એવું થાય... પાંઉ અને બનમાંથી કલ્પનામાં ન આવે એટલીબધી વાનગીઓ મળે છે અને એટલી ટેસ્ટી હોય છે કે બસ ખાતા જ રહીએ ખાતા જ રહીએ... તેમ જ મોજ કરતા જ રહીએ. બસ, તો મિત્રો આજકાલ લોકોને હવે પીત્ઝા, સૅન્ડવિચ, ફાફડા, ભજિયાં, મૅગી, પાસ્તા, ફ્રૅન્કી જેવા નાસ્તા તો ભાવે જ છે પરંતુ હવે ‘દિલ માંગે મોર’ની ઉક્તિ મુજબ કંઈક અવનવું ખાવા જોઈએ. અને એ એવી વાનગીઓ છે કે તમે ઘરે પણ બનાવી શકો. સાવ ઈઝી છે. તો ચાલો આજે એની વાતો કરીએ.

આજકાલ ગુજરાતમાં પૌંઆવાળાઓએ ધૂમ મચાવી છે. પરંતુ પૌંઆ સાદા ખાય એ ગુજરાતી ન કહેવાય. એની સાથે કંઈક ને કંઈક તો જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓછામાં ઓછા અગિયાર ટેસ્ટના પૌંઆ મળે છે. સાદા પૌંઆ, મસાલા પૌંઆ, ચીઝ પૌંઆ, દહીં પૌંઆ, પૌંઆ વિથ પીનટ,  પૌંઆ વિથ રગડો, પૌંઆ વિથ અન્યન-કૅબેજ સૅલડ, પૌંઆ વિથ ચણાની તરી વગેરે-વગેરે. પૌંઆના ટેસ્ટની વ્યાખ્યા જ બદલાઈ  ગઈ છે, પરંતુ હવે તૌ પૌંઆની દુકાને મળતી બે આઇટમોએ ખૂબ ધૂમ મચાવી છે.

એ પૈકી એક વાનગી ‘પીનટ ચાટ’ એટલે કે તળેલી મસાલા શિંગની અંદર જાત-જાતના મસાલા અને સૅલડ નાખીને તૈયાર કરવામાં આવતો બોલ. હા, સાવ સહેલી રીત છે પીનટ ચાટની. તળેલી શિંગ તો બહાર તૈયાર જ આવે છે. અથવા તો તમે ઘરે પણ બનાવી શકો છો. મુખ્યત્વે એમાં કટકા શિંગ અથવા તો અધકચરી દળેલી શિંગનો ઉપયોગ થાય છે. એની અંદર નાના બટાટા, બીટ, કાકડી, લીંબુ, કાંદા, મરચાં, ચાટ મસાલો અને ‍એને સહેજ ભીની રાખવા માટે શિંગતેલ નાખવામાં આવે છે. એક મોટા વાસણમાં બધું ભેગું કરીને ભેળની જેમ બરાબર હલાવીને એક ઊંડા બોલમાં પીરસવામાં આવે છે અને સામે લેવાય છે પચાસ રૂપિયા પૂરા. લોકોને જે ખાવાની મોજ પડે છે! અમદાવાદમાં પરિમલ ગાર્ડન, યુનિવર્સિટી, સી. જી. રોડ, આશ્રમ રોડ, એસ. જી. હાઇવે પર યુથ આ ફૂડ ખૂબ ખાય છે.

શિંગની જ વાત નીકળી છે તો કહી દઉં કે ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકો એના દીવાના હોય છે અને આ દીવાનગી અમદાવાદ અને ગુજરાતનાં બીજાં શહેરોમાં પ્રસરી ગઈ છે. સૅન્ડવિચમાં તો તમે ૧૦૦ જાતની સૅન્ડવિચના ટેસ્ટની વાતો સાંભળી હશે, પરંતુ હવે તો અડધી સૅન્ડવિચ મળે છે. હા ભાઈ અડધી સૅન્ડવિચ, જેને સાદી ભાષામાં સ્લાઇસ કહેવાય છે. એક સૅન્ડવિચ ખાધા પછી પણ ભૂખ હોય અથવા તો આખી સૅન્ડવિચ ખાઈ શકાય એવું ન હોય ત્યારે એક બ્રેડની વચ્ચે ચટણી, બટર, જૅમ અને ચીઝ નાખીને સ્લાઇસ ખાવામાં આવે છે. પરંતુ હા, શિંગનું ઘેલું એવું લાગેલું છે કે સૅન્ડવિચ પરિવારમાં શિંગ સ્લાઇસનો ભારે દબદબો છે. હા, એક મોટી બ્રેડની ઉપર માખણનો લચકો મારીને ઉપર તીખી તમતી શિંગ અને સેવનો ભૂકો નાખીને વાળી લે છે. હાથમાં લઈને ચાલતી પકડો. લાવો વીસ રૂપિયા.

શિંગ સ્લાઇસની જ વાત કરું તો Congress Kadlekai Bun (KBC) એટલે કે કૉન્ગ્રેસ કડલેકાઈ બન વિશે ઉલ્લેખ કરવો જરૂરી બને છે. ગુજરાતના દરેક શહેરની જેમ કર્ણાટકના બૅન્ગલોરમાં વી.વી.પુરમ નામની રાત્રિ ખાણી-પીણી બજાર છે અને ત્યાં ૬૫ વર્ષ જૂની પ્રખ્યાત વી. બી. બેકરી આવેલી છે. દેશ આઝાદ થયો એ પહેલાંથી અહીં કેબીસી વેચાય છે. કેબીસીનું નામ આઝાદી પહેલાંના કૉન્ગ્રેસ પક્ષ સાથે જોડાયેલી કોઈક લોકવાયકા પરથી પડ્યું છે. કેબીસી એટલે કે ખારા બનની અંદર લીમડો અને મરીના ભૂકાવાળી તળેલી શિંગ હોય છે. કાંદા, મરચાં અને સૂકા ફુદીનાનો ભૂકો અને મીઠું નાખેલું બન હોય છે, જેને ખારા બન પણ કહેવાય છે અને એને વચ્ચેથી કાપીને પીળા માખણનો લચકો અને તીખી શિંગ નાખીને ખાવાની ખૂબ મોજ પડે છે. બૅન્ગલોરમાં ઘણા ગુજરાતીઓ રહે છે. જઈ આવજો કોક દિવસ. આવું બન જવલ્લે જ જોયું હશે.

હદ તો ત્યારે થાય છે કે હવે શિંગ સોડાનો લોકોને ભારે અભરખો છે. સાદી સોડા, મસાલા સોડા કે જીરા સોડામાં મુઠ્ઠો ભરીને ફોતરાં કાઢેલી મોળી શિંગ નાખી દઈને ઉપર સોડા નાખીને ફીણ જમાવવામાં આવે છે. સોડા પીવા ગયા છો કે શિંગ ખાવા એ ખબર જ ન પડે. એ શિંગ સોડા ખાવા જવું કે પીવા જવું? શું કહેવાતું હશે? તમે જ નક્કી કરો. એ સોડા પીતા જોવાની મજા આવે. એક બાજું શિંગનો જથ્થો ઉપર આવી ગયો હોય, બીજી બાજુ ગ્લાસની ટોચે ફીણ એટલાબધા ચડ્યા હોય કે શિંગ ખાઈ ન શકો. ફીણની વચ્ચે શિંગ ખાવાનો પ્રયત્ન કરતા સોડાના શોખીનોને જોવાનાં ભારે રમૂજી દૃશ્યો થાય છે. ઘણા યુવાનો ફીણની સાથે ઉધરસ ખાધા વગર શિંગ ખાવાની શરતો લગાડે.

વળી પાછી શિંગની આડવાત કરી દઉં કે સૌરાષ્ટ્રનાં શહેરોમાં પાનના ગલ્લાઓ ઉપર શિંગનાં નાનાં પડીકાં મળે. કહેવાય છે કે લોકો પાન-મસાલો ખાવા આવે ત્યારે રાહ જોતાં-જોતાં શિંગનાં આવાં નાનાં પડીકાંના ફાકડા ભરી જાય. કેટલાક એવું માને કે શિંગથી પાચન સારું થાય. હશે ભાઈ, લોકોને શિંગ ભાવે બહુ. સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે મજબૂત કનેક્શન છે. સુરતમાં તો નેક્સ્ટ લેવલના નાસ્તા મળતા હોય છે. મુંબઈ પછી જો નાસ્તામાં જો સૌથી વધુ વરાઇટી મળતી હોય તો સુરતનું નામ અપાય. વળી ત્યાં ‘કૉલેજિયન’ તરીકે ઓળખાતું શિંગનું સૅલડ બહુ પ્રખ્યાત છે. બાફેલી, સાદી કે તળેલી શિંગમાં ભેળમાં નાખવામાં આવતી ચટણીઓ સહિતની તમામ સામગ્રી નાખીને તૈયાર કરવામાં આવે. પીનટ ચાટવાળાઓએ કદાચ આની પાસેથી જ તાલીમ દીધી હશે. પીનટ ચાટમાં ચટણીઓ હોતી નથી. શિંગની વાત નીકળી તો શિંગ ભજિયાંનું શાક પણ બને છે. હેં? હા ભાઈ. કાંદા, ટમેટાં અને મરચાંની ગ્રેવી બનાવીને એની અંદર શિંગ ભજિયાનું પડીકું નાખી દેવાય છે. પછી સાદા ભાત કે રોટલી સાથે ઝાપટવામાં આવે છે. એવી જ રીતે ચવાણાનું શાક બને છે.

હજી પૌંઆવાળાઓની વાત ખૂટી નથી. ત્યાં મળતી બીજી વાનગી એટલે કે મસાલા બુંદી. આજકાલ તીખી બુંદી કે મમરીનો પણ દબદબો છે. હા, મમરી ચાટ તો એટલીબધી લોકપ્રિય થઈ છે કે ન પૂછો વાત. રેસ્ટોરન્ટમાં સો રૂપિયાથી ઉપરના ભાવે મળતી બુંદી ચાટ અને ઘરે બનતી દહીં મમરી હવે ખૂમચાઓની લોકપ્રિય વાનગી બની ગઈ છે. જો થોડીઘણી ભૂખ લાગી હોય તો આ ખાવાની બહુ મજા આવે. બે કલાક પછી પાછી ભૂખ લાગે.

પછી વાત આવે છે પાપડ ચૂરીની. મુંબઈના ઝવેરી બજારના ડાઇનિંગ હૉલવાળાઓએ અમદાવાદમાં બે શાખાઓ ખોલી છે ત્યાં લોકો જમવા કરતાં પાપડ ચૂરી ખાવા જાય છે. એની લોકપ્રિયતા જોઈને શહેરના બીજા રેસ્ટોરાંવાળાઓએ પણ પાપડ ચૂરી શરૂ કરી છે. એની અંદર મસાલા પાપડની જેમ ભીના મસાલા કે શાકભાજી નથી હોતાં. જાડા પાપડને તળીને એનો ભૂકો કરીને અંદર તળેલા કાંદાનો ભૂકો, ચાટ મસાલો અને સર્વ કરતી વખતે ઉપર લીંબુ નાખીને આપવામાં આવે છે. ખૂબ મોજ જ મોજ. બહાર ૯૦ રૂપિયાથી શરૂ થતી વાનગી ઘરે સહેલાઈથી બનાવી શકો અને ખૂબ મોજ પડે. ઝવેરી બજારના ખીચિયા પાપડનો ટ્રેન્ડ હજી રાજસ્થાની વતનીઓનાં લગ્ન સુધી જ ગુજરાતમાં સીમિત છે.

તો મિત્રો, આ તો થઈ નાની-નાની સામગ્રીથી બનતી ટેસ્ટી વાનગીઓની કે જે બહાર સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે, પરંતુ તમે ઘરે બનાવી શકો છો. થોડી વારમાં જ તૈયાર થઈ જાય છે. આવતા અંકમાં આપણે વાત કરીશું ગુજરાતમાં મળતા વિવિધ પ્રકારના બનની વાતો. આવજો. તમારા પ્રતિભાવ જરૂર ઈ-મેઇલ કરજો.

Gujarati food mumbai food indian food