10 January, 2026 08:55 PM IST | Mumbai | Darshini Vashi
ગુજરાતી મોમોલવર ગર્લે મોમોઝનું આઉટલેટ જ શરૂ કરી દીધું
મોમો આજે ટ્રેન્ડિંગ ફૂડ બની ગયા છે. એમાં વળી હવે વેજની અંદર પણ અસંખ્ય વરાઇટી મળતાં વધુ લોકો મોમોઝ ખાતા થયા છે. મોમો આમ તો સૌથી વધારે સ્ટ્રીટ પર જ વેચાતા જોવા મળે છે પરંતુ દરેક સ્ટ્રીટ પર મળતા મોમોઝ હાઇજીનિક અને ટેસ્ટી હોતા નથી એટલે મોમોલવર્સને એનો આસ્વાદ માણવા પોતાના એરિયાની બહાર જવું પડે છે. બસ, આ જ વિચારથી કરી રોડ નજીક રહેતી એક ગુજરાતી યુવતીએ પોતાનું ‘ધ મોમો થિયરી’ નામનું મોમોઝનું આઉટલેટ જ શરૂ કરી દીધું છે.
મોમોના સ્ટૉલ સાથે મોટા ભાગે બિનગુજરાતી લોકો જ જોડાયેલા હોય છે તેમ જ અન્ય કોઈ ફૂડ-આઇટમનું નહીં ને માત્ર મોમોઝનું ફૂડ-આઉટલેટ શરૂ કરવા પાછળનું કારણ જણાવતાં ધ મોમો થિયરીનાં ઓનર ઉર્વશી વાઘેલા કહે છે, ‘હું મોમોલવર છું પરંતુ હું જ્યાં રહું છું ત્યાં પ્રૉપર મોમોઝ મળતા નથી. જ્યાં ટેસ્ટી મોમોઝ મળે છે ત્યાં ચોખ્ખાઈ નથી. એટલે મેં જ મોમોઝનું આઉટલેટ શરૂ કરવાનું નક્કી કર્યું. મેં મારી બધી બચત લગાવીને એક નાનકડી જગ્યા લીધી. આ જગ્યાને કલર કરવાથી લઈને ઇન્ટીરિયર વગેરે બધું મેં મારા હાથે જ કર્યું છે. મોમોઝની વાત કરું તો સ્ટીમ્ડ અને ફ્રાઇડ એમ બન્ને મોમોઝ અહીં મળી જશે. એમાં ચીઝ, કૉર્ન, પનીર જેવા વિકલ્પ પણ મેં આપ્યા છે. તેમ જ હું મારા મોમોઝમાં કોઈ પણ પ્રકારનું મેયોનીઝ વાપરતી નથી. હજી મને એક મહિનો જ થયો છે ધ મોમો થિયરી શરૂ કર્યાને. આગામી દિવસોમાં હું મારા મેનુમાં વિસ્તરણ કરવાનું પણ વિચારી રહી છું.’
ક્યાં મળશે? : ધ મોમો થિયરી, રામાશ્રય હોટેલની સામે, મહાદેવ પાલવ માર્ગ, કરી રોડ.
સમય : મંગળવારથી રવિવાર બપોરે ૩થી રાત્રે ૧૧ વાગ્યા સુધી (સોમવારે બંધ)