આ રેસ્ટોરન્ટની થીમમાં એવેન્જર્સના કૅરૅક્ટર્સ જોવા મળશે

31 December, 2019 03:58 PM IST  |  Mumbai | Ruchita Shah

આ રેસ્ટોરન્ટની થીમમાં એવેન્જર્સના કૅરૅક્ટર્સ જોવા મળશે

થીમ કૅફે

બોરીવલીમાં આવેલી આ કૅફે ટાઇપ થીમ રેસ્ટોરાંમાં તમને ઇન્ટીરિયર્સથી લઈને મેનુમાં સ્પાઇડરમૅન, હલ્ક, થૉર, ઍન્ટમૅન જેવાં કૅરૅક્ટરનાં દર્શન થશે. દરેક એજ ગ્રુપને આકર્ષિત કરે એવા કૉમ્બોનો સ્વાદ અને એની પ્રાઇસ પૉકેટ-ફ્રેન્ડ્લી છે. નવા વર્ષની શરૂઆત સાથે કેટલીક ફ્યુઝન વરાઇટી પણ અહીં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. મિડ-ડેએ જ્યારે આ રેસ્ટોરાંની મુલાકાત લીધી ત્યારે શું જોયું, શું જાણ્યું, શું ચાખ્યું અને શું અનુભવ્યું એ વાંચો આગળ.

બોરીવલી (ઈસ્ટ)માં કાર્ટર રોડ-નંબર ત્રણ પર જે વિસ્તારમાં આ રેસ્ટોરાં છે એ વિસ્તારમાં આ પ્રકારની રેસ્ટોરાં હોઈ શકે એ જ સહેજ નવાઈ પમાડે જેવી બાબત છે. ‘બિકૉઝ ફૂડ લવ ઇઝ અ ટ્રૂ લવ’ એ વાત મિ. ફૂડીના હોર્ડિંગ પર રેસ્ટોરાંના નામ નીચે તમને વાંચવા મળશે. રેસ્ટોરાંના માલિક અને એના ફુલટાઇમ કર્તાહર્તા ઐયર રાધાક્રિષ્નન કહે છે, ‘બાકી બધા પ્રત્યેનો પ્રેમ સમય સાથે બદલાય પણ ખાવા પ્રત્યેનો પ્રેમ હંમેશાં અકબંધ રહે છે. તમે જ કહો, ફૂડ વગર જીવી શકાય ખરું?’

ઐસે કૈસે?

રાધાક્રિષ્નન મૂળતઃ ઇન્ટીરિયર ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીના માણસ. એક કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટની પોઝિશન પડતી મૂકીને તેમણે પૅશનને ફૉલો કરવાનું નક્કી કર્યું અને બે વર્ષ પહેલાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડ્યાં અને શરૂ કરી મિ. ફૂડી. ફૂડના પૅશનમાં પણ જોકે ઇન્ટીરિયરનો અનુભવ કામ આવ્યો જે તમને રેસ્ટોરાંના ઍમ્બિયન્સમાં દેખાશે. દરેક એજ ગ્રુપના ફેવરિટ એવા અવેન્જર્સના કૅરૅક્ટરનો જાણે આ રેસ્ટોરાંમાં મેળો ભરાયો હોય એવું લાગશે. આયર્નમૅન, સ્પાઇડરમૅન, હલ્ક, થૉર, થાનોસ, બ્લૅક વિડો જેવાં નવ કૅરૅક્ટર્સને નવ ટેબલ સમર્પિત કરાયા છે. રેસ્ટોરાંનું નામ હોય, ટેબલ હોય કે લાઇટની જગ્યાએ ટાંગવામાં આવેલા બલ્બ હોય- બધામાં જ અવેન્જર્સની ઝાંકી થયા વિના નહીં રહે. અરે, લુક છોડો ફૂડનું મેનુ પણ તેમણે અવેન્જર્સના કૅરૅક્ટરની ખૂબીઓ સાથે જોડીને તૈયાર કર્યું છે. રાધાક્રિષ્નનજી કહે છે, ‘મારા પાર્ટનરનો દીકરો અવેન્જર્સનો જબરો દીવાનો ફૅન. એન્ડ ગેમ આવ્યું ત્યારે તેનું અવેન્જર્સ માટેનું આકર્ષણ જોઈને હું ડઘાઈ ગયો હતો. પછી ખબર પડી કે આવા તો ઘણા યંગસ્ટર્સ છે. સાચું કહું તો એ પહેલાં સુધી મેં અવેન્જર્સ વિશે આટલું ઊંડાણમાં જાણવાની ક્યારેય કોશિશ નહોતી કરી. એકાદી ફિલ્મ જોઈ હશે અને આછકલા કૅરૅક્ટર્સને ઓળખતો હતો. મને આમ પણ ખાવાનો, ખાવાનું બનાવવાનો અને ખવડાવવાનો જ શોખ. જોકે યંગસ્ટર્સ પાસેથી અવેન્જર્સની ખૂબી-ખાસિયતો જાણ્યા પછી નક્કી કર્યું કે મારું ડ્રીમ અને બાળકોનું ડ્રીમ એકસાથે પૂરું કરીશ. રેસ્ટોરાં શરૂ કરવાનું મારું ડ્રીમ અને અવેન્જર્સને એન્જૉય કરવાનું બાળકોનું ડ્રીમ.’

મેનુની ખાસિયત

અવેન્જર્સનાં દર્શન કરતાં-કરતાં રેસ્ટોરાંમાં એન્ટર થાઓ એટલે ડીમ લાઇટનો પ્રકાશ અને બૅકગ્રાઉન્ડમાં ચાલતું ડીજે-રૉક મ્યુઝિક જાણે કોઈ હાઇફાઇ કૅફેની મુલાકાતે આવ્યા હો એવો અનુભવ કરાવશે. જોકે ડરવાની જરૂર નથી. લુકમાં હાઇફાઇ કૅફે જેવી દેખાતી આ રેસ્ટોરાં ખિસ્સાને પરવડે એવી છે. ટેબલ પર ગોઠવાયેલું મેનુ કાર્ડ જુઓ તો એમાં સૌથી પહેલું ધ્યાન ડિફરન્ટ કૉમ્બો પર જાય. થૉર કૉમ્બો, થાનોસ કૉમ્બો, ઍન્ટમૅન કૉમ્બો. આ શું? રાધાક્રિષ્નન કહે છે, ‘ના, માત્ર આપવા ખાતર આ નામો અમે નથી આપી દીધાં. દરેક કૉમ્બોમાં જે-તે કૅરૅક્ટરનું કંઈક મળવું જોઈએ. જેમ કે ઍન્ટમૅન કૉમ્બોમાં અમે રેડ હૉટ પાસ્તા અને ચિલી-ગ્વાવા મોઇતો આપીએ છીએ, કારણ કે ઍન્ટમૅનનું રેડ કનેક્શન સૌથી વધુ સ્ટ્રૉન્ગ છે. એવી જ રીતે આયર્નમૅન, તેની ખૂબી કે તે પૉપ્યુલર પ્રોડક્ટ જ વાપરે એટલે એ મેનુમાં અમે પાંઉભાજી, પુલાવ, ગુલાબજાંબુ રાખ્યા. હકીકતમાં અમારી રેસ્ટોરાંમાં સૌથી વધુ ડિમાન્ડ પાંઉભાજીની છે. (અહીં ૧૫૦ રૂપિયામાં અનલિમિટેડ પાંઉભાજી આજે પણ સર્વ થાય છે.) એવી રીતે હલ્કના કૉમ્બોમાં ગ્રીન આઇટમો રાખી છે, કારણ કે એનો રંગ ગ્રીન છે.’

ફૂડની ખાસિયત

મિ. ફૂડીમાં ચાઇનીઝ, ઇટાલિયન, પંજાબી એમ ત્રણ મુખ્ય પ્રકારમાં કૉમ્બો ડિવાઇડ થયેલા છે જેની કિંમત ઓછામાં ઓછી ૧૯૯ અને વધુમાં વધુ ૨૪૯ રૂપિયા છે અને સારીએવી ક્વોન્ટિટી કૉમ્બોમાં સર્વ થાય છે. કૉમ્બો શું કામ એનું કારણ આપતા રાધાક્રિષ્નન કહે છે, ‘આ રેસ્ટોરાં શરૂ કરી એ પહેલાં લગભગ અઠવાડિયાના પાંચ દિવસ હું પોતે હોટેલમાં જમતો. ત્યાં મેં જોયું છે કે મોટા ભાગે બાળકોને કૉન્ટિનેન્ટલ સ્વાદના પીત્ઝા-પાસ્તા ખાવા હોય તો મમ્મી-પપ્પાને પાંઉભાજી કે પંજાબી ખાવું હોય. જોકે ફૂડની ક્વૉન્ટિટીને કારણે બેમાંથી એક જ મંગાવવું પૉસિબલ હોય. એનો રસ્તો અમે કૉમ્બોમાં શોધ્યો. સામાન્ય રીતે તમે એક પંજાબી સબ્ઝી, બટર રોટી, દાલ, રાઇસ અને સ્ટાર્ટર મંગાવો એટલે જે બિલ બને એમાં અમારે ત્યાંના ત્રણ અલગ-અલગ કૉમ્બો આવી જાય. એમાં પેરન્ટ્સ પણ ખુશ, બાળકો પણ ખુશ. કોઈએ કૉમ્પ્રોમાઇઝ ન કરવું પડે.’

હવે સ્વાદ પર આવીએ. અમે અહીં ટ્રાય કર્યો થૉર કૉમ્બો (મિક્સ વેજિટેબલ સબ્ઝી, ત્રણ લચ્છા પરાંઠાં, દાલ તડકા, રાઇસ અને છાશ), પાંઉભાજી, ચાઇનીઝ પીત્ઝા, અધર વે રાઉન્ડ બર્ગર અને બ્લુ ઓશન મોઇતો. થૉર કૉમ્બોની મિક્સ વેજિટેબલ સબ્ઝી અદ્દલ ઢાબા સ્ટાઇલની હતી. અહીંની બેસ્ટ સેલર પ્રોડક્ટ પાંઉભાજીનો સ્વાદ ખરેખર ઘરની ભાજી જેવો હતો. ચાઇનીઝ પીત્ઝા તેમણે જ ટ્રાય કરવા જેમને ચાઇનીઝ પસંદ હોય. બ્રેડ લવર્સ હોય અને ચાઇનીઝનો ચસકો ન હોય તેમને પૈસા પડી ગયા જેવી ફીલ આવશે. અધર વે રાઉન્ડ બર્ગર અહીંની યુનિક આઇટમ કહી શકો. બટાટા અને કાચા કેળાને પાંઉ જેવો શેપ આપ્યો છે અને અંદર ત્રણ રંગના કૅપ્સિકમનું સ્ટફિંગ છે. આ વરાઇટી ટ્રાય કરવા જેવી છે. બ્લુ ઓશન મોઇતોમાં પણ લગભગ નવથી દસ આઇટમ ઍડ કરવામાં આવી હતી. લગભગ ૯૦ ટકા વાનગીઓના જૈન ઑપ્શન ઉપલબ્ધ છે. બને ત્યાં સુધી અહીં આલા કાર્ટ ઑર્ડર કરવાને બદલે કૉમ્બો ઑર્ડર કરશો તો ફાયદામાં રહેશો. રાધાક્રિષ્નનજી કહે છે, ‘અહીં પીરસવામાં આવતી પ્રત્યેક વાનગીની અઢળક ટ્રાયલ પહેલાં મેં ઘરે કરી છે. જેમ કે ચાઇનીઝ પીત્ઝા ફાઇનલી રેસ્ટોરાંમાં લાવતી વખતે ચાલીસ વાર મેં ઘરે બનાવ્યા હતા અને જુદા-જુદા લોકોને ચખાડ્યા હતા. બીજું, પાંઉભાજી હોય કે બીજી કોઈ પણ આઇટમ, અમે એમાં આર્ટિફિશ્યલ કલર્સ કે રેડીમેડ મસાલા નથી વાપરતા.’

ખાવા માટેનું તેમનું પૅશન જ છે કે જેને કારણે રાધાક્રિષ્નનજી પોતે અને તેમની પત્ની અન્ય સ્ટાફ હોવા છતા રોજ આઠથી દસ કલાક મિ. ફૂડીમાં હાજર હોય છે. ફૂડ, સ્વાદ, ગુણવત્તા અને ઍમ્બિયન્સ એ બધામાં પાસ થયા પછી પણ એક બાબત છે જ્યાં તેમણે વિચારવાની જરૂર છે અને એ છે પાણી. તેમના કહેવા પ્રમાણે જે સોસાયટીમાં તેમની રેસ્ટોરાં છે ત્યાં આવતું બીએમસીનું પાણી શુદ્ધ નથી અને તેઓ કસ્ટમરની હેલ્થને નુકસાન થાય એમ નથી ઇચ્છતા અને એટલે જ અહીં ભોજન માટે આવનારાઓએ જો પાણી પીવું હોય તો કાં તો પોતાનું પાણી સાથે લઈ આવવાનું અથવા તો તેમણે માર્કેટ રેટ પર મળતી મિનરલ બૉટલ ખરીદવાની.

જય દવે અને હર્ષ શાહને શું ભાવ્યું અહીં?

બહાર ક્યાંય પણ પાંઉભાજી ખાઓ એના કરતાં અહીંની પાંઉભાજી તમને ઘરની હેલ્ધી પાંઉભાજી જેવી લાગશે. અહીં પહેલાં સર્વિસને લઈને થોડા પ્રશ્નો થયા હતા જે ઓનરે સૉલ્વ કરી નાખ્યા છે. અહીં પરાંઠાંની બધી જ વરાઇટી બેસ્ટ છે જે ટ્રાય કરવા જેવી છે.

હેમેન્દ્ર અને મેઘા વોરાને શું ભાવ્યું અહીં?

અમારી પહેલી મુલાકાત હતી આ રેસ્ટોરાંની. સ્પાઇડરમૅન કૉમ્બો ઑર્ડર કર્યું હતું. ખાવાનું સારું છે. જોકે ભોજન સાથે કમ સે કમ એક ગ્લાસ પાણી કૉમ્પ્લિમેન્ટરી આપી શકાય એ વિશે રેસ્ટોરાંના માલિકોએ વિચારવું જોઈએ.

indian food Gujarati food mumbai food