વેજ સુશી પણ મળે હોં!

21 August, 2019 03:02 PM IST  |  મુંબઈ | ટેસ્ટ મેં બેસ્ટ - સેજલ પટેલ

વેજ સુશી પણ મળે હોં!

વેજ સુશી

એક સમય હતો જ્યારે માત્ર ફાઇવસ્ટાર રેસ્ટોરાંમાં આ જૅપનીઝ ડિશ મળતી હતી, પણ હવે એશિયન રેસ્ટોરાંના વધતાજતા પ્રમાણને કારણે ઇન્ડિયન્સમાં સુશીપ્રેમ વધવા લાગ્યો છે અને એનું વેજિટેરિયન વર્ઝન પણ ઘણે ઠેકાણે મળે છે. આજે જોઈએ સુશીની થોડી અલકમલકની વાતો અને ગુજરાતી ફૂડી પન્ટર્સ નિકિતા ગોગરી અને કમલ સાવલા પાસેથી ટિપ્સ મેળવીએ કે મુંબઈમાં ક્યાં જઈને આ વાનગી ટ્રાય કરી શકાય.

થોડા સમય પહેલાં કૅટરિના કૈફે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે તેને સુશી એટલી ભાવે છે કે વીકના સાતેય દિવસ તે ખાઈ શકે. રણબીર કપૂરનું કહેવું છે કે મૂડ ગમે એટલો ખરાબ હોય, પણ જો ખાવામાં સુશી મળી જાય તો દિવસ સુધરી જાય. એવું તો શું છે આ સુશીમાં? શું આ જૅપનીઝ વાનગી એટલી સ્વાદિષ્ટ છે? સુશીનું નામ સાંભળીને વેજિટેરિયન્સનાં તો ભવાં ઊંચાં ચડી જાય, કેમ કે આપણે માનીએ છીએ કે એ તો ફિશની નૉન-વેજિટેરિયન આઇટમ જ છે.

હા, સુશી એ મૂળ ફિશ અને રાઇસ સાથે બનતી વાનગી છે, પણ હવે એનું વેજિટેરિયન વર્ઝન પણ મળવા લાગ્યું છે. આ વેજ સુશીમાં શું હોય એની વાત કરતાં પહેલાં જરા સુશીની ઓરિજિનલિટીમાં ઊંડા ઊતરીએ. સુશી શબ્દને હવે ફિશનો પર્યાય માની લેવામાં આવ્યો છે, પણ જૅપનીઝ ભાષામાં એનો ડિક્શનરી-મીનિંગ કાઢીએ તો અર્થ થાય ખાટું. વળી સુશીનો ઇતિહાસ જપાન સાથે નહીં, પ્રાચીન કાળના સાઉથઈસ્ટ એશિયા સાથે સંકળાયેલો છે. ચીન અને અન્ય એશિયાઈ દેશોમાંથી પસાર થતી મેકૉન્ગ નદીના કિનારાના પ્રદેશોમાં ફિશને પ્રિઝર્વ કરી રાખવાની પદ્ધતિમાંથી સુશીનો જન્મ થયો છે. ફિશ ફ્રેશ રહે એ માટે ફર્મેન્ટ કરેલા રાઇસની વચ્ચે ઢબૂરીને રાખી મૂકવામાં આવતી. એ પછી જ્યારે ખાવા બેસે ત્યારે માત્ર ફિશ ખાઈ લે અને રાઇસ ફેંકી દે. આ જ પદ્ધતિ જપાનમાં પણ ફેમસ થઈ. જોકે અહીં લોકો ફિશ સાથે ફર્મેન્ટેડ રાઇસ પણ ખાવા લાગ્યા. સ્વાદમાં પ્રયોગ થતા એમાંથી સુશીનો જન્મ થયો. ઇન્સ્ટન્ટ સુશી બનાવવા માટે રાઇસમાં વિનેગરનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો અને એને ફાસ્ટ ફૂડની જેમ વાપરી શકાય એ માટે એને સીવીડ એટલે કે ખાસ પ્રકારે સૂકવેલી દરિયાઈ વનસ્પતિમાં રેપ કરીને પીરસાવા લાગી. જૅપનીઝ સુશીના રોલમાં ભાત પર જે કાળી પરત ચડાવેલી હોય છે એ નોરી તરીકે ઓળખાતા સીવીડની છે. એક સમય હતો કે આ સીવીડ દરિયાઈ બોટના તળિયે ચીપકેલી વનસ્પતિમાંથી મેળવવામાં આવતી હતી. એને બહાર લાવીને પ્રેસ કરીને પાતળું પેપર જેવું બનાવવામાં આવે અને તાપમાં તડકે સૂકવી દો એટલે નોરી તૈયાર. જોકે હવે નોરી ઉગાડવા માટે હાઇજીનિક ફાર્મ પેદા થઈ ગયા છે. ફૂડ સેફ્ટી મેઝર્સને પહોંચી વળવા માટે આ નોરીની શીટ્સને ટોસ્ટ કરી દેવામાં આવે છે જેથી એમાં ધારો કે કોઈ જીવાણુ રહી ગયા હોય તો એ નીકળી જાય. કેટલાક ઇતિહાસકારોના કહેવા મુજબ લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાંથી ટોક્યોની ત્સુકીજી ફિશ માર્કેટ પાસે કોઈ અજાણ્યા શેફે માછલી અને ભાતની આ વાનગીની ઇજાદ કરી હતી. આજે આપણે ત્યાં સુશી એ અમીરજાદાઓને જ પરવડે છે, પણ હકીકતમાં એ જપાનમાં અત્યંત ગરીબ પ્રજા માટેનું સસ્તું ફાસ્ટ ફૂડ હતું.

૧૯મી સદી પછીથી સુશીમાં બહુ ઝડપથી બદલાવ થવા લાગ્યા અને જેમ જપાનમાંથી બહાર પણ એનો ફેલાવો થવા લાગ્યો એમ દરેક જગ્યાએ એમાં સ્થાનિક ટેસ્ટ મુજબના બદલાવ થતા રહ્યા. અલબત્ત, કાચી ફિશ વપરાતી હોવાથી બહુ ઓછા ભારતીયોને એ ભાવે છે. આ વાનગી એવી છે કે ભાવી જાય તો જન્નત લાગે અને ન ભાવે તો જહન્નૂમ લાગે. બારેમાસ ફિશ અને ભાત ખાવા માટે ટેવાયેલા બંગાળીઓને પણ એનો ઑથેન્ટિક ટેસ્ટ બહુ ભાવ્યો નથી, પરંતુ એને કારણે ભારતીય શેફ્સ દ્વારા સુશીમાં એવાં-એવાં પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે જે આપણી જીભને ભાવે. એનું વેજિટેરિયન વર્ઝન તો ભારતમાં આવ્યા પછી જ ફેમસ થયું છે. વેજ સુશીમાં ફિશને બદલે રંગબેરંગી અને સ્વીટ ફ્લેવર્સનાં શાક ભરવામાં આવે છે અને હવે તો મુંબઈમાં પણ અગણિત વરાઇટી પીરસતી સુશીની રેસ્ટોરાં ખૂલી ગઈ છે. સવાલ એ છે કે મુંબઈમાં સારી સુશી ક્યાં મળશે? આ એવી વાનગી જરાય નથી કે તમે જસ્ટ એમ જ કોઈ પણ જગ્યાએ જઈને ટ્રાય કરી લો. એ માટે અમે ફૂડી-પન્ટર્સ નામે ફૂડ, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ બ્લૉગ ચલાવતી ગુજરાતી જોડી નિકિતા ગોગરી અને કમલ સાવલાને પકડ્યાં. આ એવું કપલ છે જે મુંબઈની ગલીએગલીમાં ક્યાં કઈ ચીજ બેસ્ટ મળે છે એના પર ચાંપતી નજર રાખે છે અને પોતાના બ્લૉગ્સ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક-પેજ પર એની વાતો શૅર કરતા રહે છે. ફૂડ માટે જબરદસ્ત પૅશન ધરાવતી નિકિતા કહે છે, ‘આપણે ત્યાં હવે વેજિટેરિયન સુશી બહુ ફેમસ થઈ રહી છે. વિનેગર ભેળવેલા રાઇસની અંદર વિવિધ વેજિટેબલ્સ સીવીડમાં રેપ કરેલાં હોય છે. સામાન્ય રીતે આથેલાં આદું, વસાબી અને સોયા સૉસ સાથે એ પીરસાય છે, પણ ભારતીયોની જીભને ગમે એ માટે એમાં જાતજાતની વરાઇટીઝ પણ ઉમેરવામાં આવી છે જેમ કે ક્રીમ ચીઝ અને ટેમ્પુરા તરીકે ઓળખાતાં ભજિયાં. હું તો કહીશ કે હવે મુંબઈમાં મળતી સુશીમાં એવી ઘણી વરાઇટીઝ છે જે આપણને જરૂર ભાવે એવી છે.’

નિકિતા અને કમલે મુંબઈમાં ડઝનબંધ જગ્યાઓએ આ ડિશ ટ્રાય કરી છે એમાંથી તેમની પસંદની સુશીઝનો આ સાથે રસસ્વાદ માણો.

પા પા યા, કોલાબા, લોઅર પરેલ, બીકેસી

ઝોરાવર કાલરાની પા પા યા રેસ્ટોરાં પણ સુશી માટે બહુ ફેમસ છે. એમાં પણ તેમણે ભારતીયોના સ્વાદને ધ્યાનમાં રાખીને પીત્ઝા સુશી, બર્ગર સુશી પણ તૈયાર કરી છે. નિગાકી સુશી પણ અહીં છે જે ઓપન સુશી હોય છે અને જેમાં સીવીડ નોરી પર સ્ટિકી રાઇસ, ફીલિંગ્સ અને ટૉપિંગ સજાવવામાં આવે છે. આ બધું એક જ બાઇટમાં ખાઈ શકાય એવા પીસમાં સર્વ કરેલું હોય છે. બર્ગર અને પીત્ઝા સુશીમાં સ્વાદમાં બહુ ફરક નથી, પરંતુ એનું પ્રેઝન્ટેશન મનને લુભાવે એવું છે. અહીં પણ તમને ચારેક પ્રકારની વેજ સુશી મળશે.

પ્રાઇસ : ૩૦૦થી ૮૦૦ રૂપિયા પ્લસ ટૅક્સ

ફો, હાઈ સ્ટ્રીટ ફિનિક્સ

સામાન્ય રીતે સુશી તમને બ્લૅક ઍન્ડ વાઇટના કૉમ્બિનેશનમાં જ જોવા મળે, પણ અહીં થામ બ્રધર્સના હાઈ સ્ટ્રીસ ફિનિક્સમાં આવેલી ફો રેસ્ટોરાંમાં ખાસ બટરફ્રાય પી ફ્લાવર સાથે બ્લુ રંગની સુશી ટ્રાય કરવા જેવી છે. ફો યેમ બીન યુરામાકી એનું નામ છે. એમાં ટેમ્પુરા યમ બીન્સ, અવાકાડો અને સ્પાઇસી ક્રિસ્પ્સ ઉમેરેલાં છે. વેજિટેરિયન્સ માટે અહીં પાંચેક ઑપ્શન્સ છે અને યસ, જૈન મેન્યૂ પણ અહીં છે.

પ્રાઇસ : ૪૩૦થી ૪૫૦ રૂપિયા પ્લસ ટૅક્સ

ચિન ચિન ચુ, જુહુ

સામાન્ય રીતે સુશી ટેસ્ટમાં થોડી સ્વીટ અને સૉર જ હોય, પરંતુ જુહુમાં આવેલી એ એશિયન રેસ્ટોરાં ચિન ચિન ચુમાં ખાસ ઇન્ડિયન સ્ટાઇલની સુશી મળશે. અહીં ઍલપિનો ચિલી સાથેની ક્લાસિક ફિલાડે‌લ્ફિયા ચીઝ રોલ અચૂક ટ્રાય કરવા જેવી. ચિલીની તીખાશને કારણે મસ્ત ઝણઝણાટી બોલી જાય એવી ડિશ છે.

પ્રાઇસ : ૩૫૦થી ૫૦૦ રૂપિયા પ્લસ ટૅક્સ

આ પણ વાંચો : આવી રીતે બનાવો ઠંડાઈ પાઉડર

ઈસ્ટ એશિયા - ધ એશિયન ફનફૅર, બોરીવલી

એશિયન ફૂડ ટ્રાય કરવું હોય અને જો તમને બીજા ટેબલ પર પણ નૉન-વેજ પીરસાય એનાથીયે તકલીફ થતી હોય તો ઈસ્ટ એશિયા વેજિટેરિયન્સ માટેનું હેવન છે. આ પ્યૉર વેજ રેસ્ટોરાં છે અને અન્ય ફાઇન-ડાઇન રેસ્ટોરાંની સરખામણીમાં થોડી પૉકેટ-ફ્રેન્ડ્લી પણ. લગભગ આઠેક પ્રકારની સુશી અહીં મળે છે, પણ તમે ક્લાસિક ટેમ્પુરા ઍસ્પરગસ સુશી ટ્રાય કરશો તો પર્ફેક્ટ ફ્લેવર અને ક્રન્ચનું કૉમ્બિનેશન મળશે.

પ્રાઇસ : ૨૫૫થી ૪૫૫ રૂપિયા પ્લસ ટૅક્સ

indian food