સાઉથ મુંબઈની સફળતા પછી સુરતી લોચો અને ભાવનગરના ભૂંગળા-બટાટા હવે કાંદિવલીમાં

21 March, 2026 05:27 PM IST  |  Mumbai | Darshini Vashi

ચર્ની રોડમાં સફળતા મળ્યા પછી વિદેસી લોચા નામના આ ફૂડ-આઉટલેટે વેસ્ટર્ન સબર્બ્સના ફૂડ-કૅપિટલમાં એન્ટ્રી કરી છે

સાઉથ મુંબઈની સફળતા પછી સુરતી લોચો અને ભાવનગરના ભૂંગળા-બટાટા હવે કાંદિવલીમાં

લોચાનું નામ પડે અને સુરત યાદ આવે. તેમ જ સાથે એવો વિચાર પણ આવે કે શું સુરતના જેવો લોચો મુંબઈમાં મળતો હશે ખરો? તો એનો જવાબ છે હા. મુંબઈમાં કાંદિવલી વિસ્તારમાં થોડા મહિના પહેલાં શરૂ કરવામાં આવેલા વિદેશી લોચામાં સ્પેશ્યલ સુરતની સામગ્રી મગાવીને લોચો બનાવવામાં આવે છે. એ પણ એક-બે વરાઇટીના નહીં પણ આઠથી દસ વરાઇટીના લોચા અહીં પીરસવામાં આવે છે. એટલું જ નહીં, ગુજરાતના પ્રખ્યાત ભૂંગળા-બટાટા પણ અહીં મળે છે.
કાંદિવલીની શંકર લેનમાં આવેલા વિદેસી લોચાના ઓનર ચેતન ડાભી કહે છે, ‘હું પહેલાં ગ્રાફિક ડિઝાઇનિંગના ક્ષેત્રની સાથે સંકળાયેલો હતો પરંતુ કોરોના દરમિયાન મારું કામ સાવ ઠપ્પ થઈ ગયું હતું. મારે કંઈક નવું કરવું હતું. મારા મામા સુરત રહે છે અને મારે વારંવાર સુરત પણ જવાનું થતું હોય છે એટલે મને ત્યાંનો લોચો ખૂબ પ્રિય તેથી ત્યારે મને વિચાર આવ્યો કે કેમ નહીં સુરતના લોચાને મુંબઈમાં લાવીએ, એ પણ સુરતના ટેસ્ટ અને સામગ્રી સાથે. આમ કરતાં સૌથી પહેલાં મેં ચર્ની રોડ ખાતે વિદેસી લોચાનું પહેલું આઉટલેટ શરૂ કર્યું. એને ખૂબ જ સફળતા મળી એટલે મેં કાંદિવલીમાં ચારેક મહિના પહેલાં જ વિદેસી લોચાનું બીજું આઉટલેટ શરૂ કર્યું. કાંદિવલીના આઉટલેટમાં મેં અનેક વરાઇટીના લોચા રજૂ કર્યા છે. ભૂંગળા-બટાટાની ડિશ પણ લઈ આવ્યો છું. આ સિવાય અહીં અમારા કન્સેપ્ટ્સ છે થોડા દેસી, થોડા વિદેસી. એટલે અમે અમુક વિદેશી ફાસ્ટ ફૂડ પણ પીરસી રહ્યા છીએ જેથી બધા લોકો અહીં લોચા જેવી દેશી આઇટમની સાથે વિદેશી આઇટમ જેમ કે પીત્ઝા, ચાઇનીઝ વગેરેની પણ મજા માણી શકે.’
અહીં પેરી પેરી, બટર, ગાર્લિક ચીઝ વગેરે લોચા મળે છે. લોચા અને ભૂંગળા-બટાટામાં વપરાતી મહત્તમ સામગ્રી અને મસાલાને સુરત અને ભાવનગરથી મગાવવામાં આવે છે જેથી એનો ટેસ્ટ ઑથેન્ટિક બની રહે. આ સિવાય હવે તેઓ ગુજરાતનાં અન્ય શહેરોની ઑથેન્ટિક આઇટમ પણ ટૂંકમાં રજૂ કરવા જઈ રહ્યા છે. અહીં જૈન ઑપ્શન પણ મળે છે.
ક્યાં મળશે? : વિદેસી લોચા : (1) શંકર લેન, શંકરના મંદિરની સામે, કાંદિવલી (વેસ્ટ). (2) તારાબાગ એસ્ટેટ, આર. આર. રૉય માર્ગ, ચર્ની રોડ (વેસ્ટ)

food and drink food news street food Gujarati food mumbai food indian food darshini vashi