Sunday Snacks: આ સાઉથ ઇન્ડિયન હૉટેલનું મિસળ ખાવા લાગે છે લોકોની લાંબી લાઈનો

21 January, 2023 10:00 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો મીરા રોડનું સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન હૉટેલનું મિસળ

ઉડુપી ઢોસા કૉર્નર

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

દાયકાઓ અગાઉ જ્યારે આંતરરાષ્ટ્રીય પાકકળા ભારતમાં પ્રચલિત ન હતી, ત્યારે મદ્રાસમાં સાઉથ ઇન્ડિયન હૉટલોનું ઘર હતું કર્ણાટકનો ઉડુપી પ્રદેશ. શુદ્ધ શાકાહારી ભાણું પીરસતી આ હૉટેલો વિવિધ નામો હેઠળ ચાલતી હતી, પરંતું ભાણું તૈયાર કરનારા રસોઈયા તો આ જ પ્રદેશના હતા. તે સમયથી જ `ઉડુપી હૉટેલ` સાઉથ ઇન્ડિયન હૉટેલની ગુણવત્તા માટેનો બેન્ચમાર્ક બની ગયો હતો. આ હૉટલોની વિશેષતા એ હતી કે તેમાં લગભગ તમામ ઉડુપીના વતનીઓને જ મુખ્ય રસોઈયા તરીકે નોકરીએ મળતી હતી અને તેમનું કિચન સંભાળવા અંગે ખૂબ જ કડક શાસન હતું.

મેંગલુરુમાં ઉડુપી એક નાનું સ્થળ છે અને અહીંથી જ મસાલા ઢોસાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. ઉડુપીની આ પાકકળા શેટ્ટી અને નાયક સમુદાયએ વ્યાવસાયિક અગમચેતી વાપરીને લોકો સુધી પહોંચાડી છે. તેમણે જ ઈડલી, ઢોસા અને સાંભારને સમગ્ર ભારતમાં ભોજનનો અભિન્ન ભાગ બનાવ્યો. પણ શું તમે જાણો છો કે મુંબઈને પહેલી ઉડુપી હૉટેલ ક્યારે મળી?

તેની વાર્તા શરૂ થાય છે વર્ષ 1920માં, આજથી બરાબર 103ને વર્ષ પહેલાં રામા નાયક નામનો 11 વર્ષનો છોકરો કર્ણાટકમાં તેના ગામથી મુંબઈ આવ્યો. 10 વર્ષ રેસ્ટોરાંના પાછળના રૂમમાં કામ કર્યા પછી, તેણે માટુંગામાં પોતાનો સ્ટોલ શરૂ કર્યો. સ્થાનિક તમિલિયન અને કન્નડ વસ્તી માટે તે જાણે દરરોજ ભોજન પીરસવા લાગ્યા. વર્ષ 1942માં, તેમણે ઉડુપી શ્રી કૃષ્ણ હૉટેલ શરૂ કરી, જે શહેરની પ્રથમ ઉડુપી રેસ્ટોરન્ટ હોવાનું કહેવાય છે.

સમયની સાથે આ હૉટેલોના સ્વાદ, સ્વરૂપ અને મેન્યૂમાં તો ઘણા બદલાવ આવ્યા પણ ગુણવત્તા અકબંધ રહી. સાઉથ ઇન્ડિયન ફૂડ માટે વખાણતી આ હૉટેલોમાં મીરા રોડ (Mira Road)ની એક હૉટેલ એવી પણ છે, જે સાઉથ ઇન્ડિયન ફૂડ માટે તો જાણીતી છે જ પણ સાથે ત્યાંનું મિસળ પણ ખૂબ વખણાય છે.

મીરા રોડ સ્ટેશનની બહાર નીકળતા જ શાંતિ શોપિંગ સેન્ટરમાં આવેલી છે ‘ઉડુપી ઢોસા કૉર્નર’ (Udupi Dosa Corner). હૉટેલમાં એન્ટર થશો એટલે સાઉથ ઇન્ડિયન હૉટેલની વાઇબ્સ ફિલ ચોક્કસ થશે. સ્વાદિષ્ટ સંભારની સુગંધ લેતા એકવાર મેન્યૂ ફેરવી જોવું હોય તો તમારા પર પણ અહીં એક મિસળનો ઑર્ડર તો પહેલા આપી જ દેજો. મિસળમાં અહીં એકડમ હળવા શેકેલા પાઉં મળે છે. સામાન્ય કરતાં જુદું અહીં જે મિસળ મળે છે તેની કાન્સિસ્ટન્સી પ્રમાણમાં ઘટ્ટ છે. ગરમ મસાલાનો ટેસ્ટ આગળ પડતો જરૂર છે, પણ થોડો લીંબુનો રસ ઉમેરશો તો પાઉં સાથે એકદમ બેલેન્સ્ડ લાગશે.

સાઉથ ઇન્ડિયન હૉટેલમાં જાઓ અને કંઈ સાઉથ ઇન્ડિયન ન ખાઓ તો તમારી અંદર રહેલા દેવ કોપાયમાન થાય એટલે અમે ઇડલી પણ ટ્રાય કરી. પરંપરાગત રીતે કેળના પાન પર જ બધી સાઉથ ઇન્ડિયન આઇટમ સર્વ થાય છે. ઉડુપી છે એટલે સંભાર ચટણીનો ટેસ્ટ તો મસ્ત જ હોવાનો, ઇડલી પણ એકદમ સોફ્ટ. મોઢામાં મૂકો કે તરત ગળે ઊતરી જાય. પણ બેસ્ટ પાર્ટ છે તેની લાલ ટામેટાંની ચટણી, જે બીજે આટલી સ્વાદિષ્ટ ક્યાંય ખાવા અમને તો નથી મળી.

હૉટેલના ઑનર સુદીપ શેટ્ટી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં કહે છે કે “વર્ષોથી અમે ફૂડ બિઝનેસમાં જ છીએ. અમારા કસ્ટમરને શું જોઈએ છે તેને અમે કેન્દ્રમાં રાખીને મેન્યૂમાંબદલાવ કરતાં હોઈએ છીએ.”

અહીં વારંવારમાં જતાં રોહિતભાઈ કહે છે કે “હું કામથી ઘણીવાર મીરા રોડ જતો હોઉં છું એટલે નાસ્તો-લંચ કે બ્રન્ચ બધુ લગભગ ઉડુપીમાં જ કરવાનું નક્કી છે. અહીંનું ફૂડ તો સ્વાદિષ્ટ છે જ પણ સાથે સ્વચ્છતાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તે વાત મને ખૂબ ગમે છે.”

આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈમાં તો ભૂંગળા-બટેટા ક્યાં મળે જ છે? આવું હવે નહીં કહેવું પડે

તો હવે આ રવિવારે મિસળ ખાવા માટે મીરા રોડ જવાનું નહીં ચૂકતા. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style Gujarati food mumbai food indian food sunday snacks karan negandhi