Sunday Snacks: હવે મરીન ડ્રાઇવ જાઓ તો આ સેન્ડવીચ ખાવાનું નહીં ભૂલતા

11 March, 2023 09:57 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો ચર્ચગેટની સ્પેશિયલ સેન્ડવીચ

મોહિત જાદવ સેન્ડવીચ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

આપણું મુંબઈ (Mumbai) બે વસ્તુ માટે જાણીતું છે એક તો અહીંના વડાપાઉં અને બીજું તેને મળેલો વિશાળ દરિયા કિનારો. શહેરમાં જોવા અને ફરવાલાયક ઘણી જગ્યાઓ છે, છતાં વિદેશી પર્યટકો હોય કે પ્રેમી પંખીડાં એક જગ્યાએ જવાનું પસંદ કરે છે. મોજ કરવી હોય કે સતત દોડતી-ભાગતી જિંદગીમાં નાનો બ્રેક લઈ આથમતા સૂર્યને નિહાળવો હોય બધા માટે પરફેક્ટ પ્લેસ છે મુંબઈની નેકલેસ પ્લેસ મરીન ડ્રાઇવ.

મુંબઈની આ એવી જગ્યા છે જ્યાં ભાગ્યે જ કોઈને જવાનો કંટાળો આવે. દરરોજ આ જગ્યા વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓના કદમોથી ધમધમે છે, પણ યસ અહીં આસપાસ ખાવા પીવા માટે ઑપ્શન ઓછા છે. તો ચાલો જઈએ દરિયો જોવા અને ટેસ્ટ કરીએ ત્યાંનું સ્ટ્રીટ ફૂડ.

મરીન ડ્રાઇવ (Marine Drive)થી ચર્ચગેટ સ્ટેશન (Churchgate) તમે વી.એન. રોડ પરથી જશો તો સ્ટેશનના રાઇટ ટર્ન પહેલાં જ રેશમ ભવનની બરાબર સામે તમને દેખાશે મોહિત જાદવ સેન્ડવીચ સ્ટૉલ. દેખાવમાં તો આ જગ્યા ખૂબ જ સામાન્ય છે. કોઈ તામ-જામ, ઝાકઝમાળ નથી, માત્ર ફૂટપાથ પરનો એક બાકળો જ છે. પણ... તેની સેન્ડવીચનો ટેસ્ટ ખરેખર અદ્ભુત છે અને જાદુ તેની ચટણીમાં છે. સેન્ડવીચ સાથે અહીં દાબેલી અને પિત્ઝા પણ મળે છે.

અમે ટ્રાય કરી અહીં વેજ ચીઝ ટોસ્ટ અને વેજ મસાલા ચીઝ ટોસ્ટ. પહેલા જ બાઇટથી બહુ તીખી નહીં, પણ ચટાકેદાર ચટણીનો આગળ પડતો સ્વાદ ખબર પડી આવે. એક અહીં તમે ચીઝવાળી કોઈપણ આઈટમ મગાવશો તો ચીઝમાં કોઈ કંજુસાઈ નહીં થાય, દિલથી ચીઝનો વરસાદ તમારી સેન્ડવીચ પર વરસશે. ખાસ વાત એ છે કે અહીં ગેસ પર કે ગ્રીલરમાં નહીં, પણ કોલસાની સગડી પર સેન્ડવીચ ટોસ્ટ થાય છે, એટલે તેનાથી પણ સ્વાદમાં ફરક પડે છે અને અંદર મેલ્ટ થયેલું ચીઝ સેન્ડવીચના સ્વાદમાં ઉમેરો કરે છે.

મસાલાનો ટેસ્ટ પણ વખાણવા લાયક છે. આ મસાલો થોડો તીખો છે એટલે જો તમને તીખું ભાવતું હોય તો જ મસાલા ચીઝ ટોસ્ટ ટ્રાય કરજો. જો તમને રોડ સાઈડ પૅન પિત્ઝા ભાવતા હોય તો એ પણ ટ્રાય કરી શકો છો. બધા ભાવ પણ એકદમ યોગ્ય છે. અને હા જો તમે હેલ્થ કૉન્શિયસ હૉ તો તમારા માટે બ્રાઉન બ્રેડ સેન્ડવીચ પણ ઉપલબ્ધ છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સ્ટૉલના ઑનર મોહિત જાદવ જણાવે છે કે “હું સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી અહીં ધંધો કરું છું અને ટેસ્ટને કારણે લોકો અવારનવાર અહીં આવે છે.”

અહીં વારંવાર ખાવા જતાં વેદિકા દુબે કહે છે કે “મારી કૉલેજ ચર્ચગેટમાં છે એટલે અમે ઘણીવાર કૉલેજ પછી મરીન ડ્રાઇવ જઈએ છીએ. જ્યારે પણ હું મરીન ડ્રાઇવ જાઉં ત્યારે અંકલની સેન્ડવીચ ખાવા આવું જ છું.”

આ પણ વાંચો: Sunday Snacks: યે છોલે કુલચે દિલ્હી સે કમ નહીં

તો હવે મરીન ડ્રાઇવ જાઓ તો આ સેન્ડવીચ ખાવાનું ચૂકતા નહીં. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style Gujarati food mumbai food indian food sunday snacks karan negandhi