Sunday Snacks: યે છોલે કુલચે દિલ્હી સે કમ નહીં

04 March, 2023 11:29 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો કાંદિવલીના સ્પેશિયલ છોલે કુલચે

શ્રીમાધવ છોલે કુલચા સેન્ટર

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

લોકોને છોલે ભટુરે (Chole Bhature) જેટલા ગમે છે, એટલા જ તેમના દિલની નજીક છે છોલે કુલચે (Chole Kulche). અમૃતસર જાણીતું છે તેના સૉફ્ટ કુલચા માટે તો ખાણી-પીણીના મામલે દિલ્હીની આન, બાન અને શાન છે છોલે. પણ શું તમે જાણો છો કે છોલે અને કુલચાનું કૉમ્બિનેશન કઈ રીતે શરૂ થયું? તો આવો જાણીએ તેનો થોડો ઇતિહાસ અને મકાબોમાં આ આઈટમ ક્યાં બેસ્ટ મળે છે.

એવું કહેવાય છે કે કુલચા મુઘલ સમયની વાનગી છે. ઈન્ટરનેટ પર કેટલાક અહેવાલો સૂચવે છે કે શાહજહાંને તેના શાહી ખાનસામા દ્વારા એક વખત કુલચા પીરસાવમાં આવ્યા હતા. રાજાને આ વાનગી એટલી પસંદ આવી કે કુલચા તે સમયની પ્રખ્યાત વાનગીઓમાંની એક બની ગઈ. આ વાનગી હજુ પણ ભારતીયો અને પ્રથમ વખત ભારતની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં લોકપ્રિય છે.

હવે વાત કરીએ આ સૉફ્ટ કુલચા સાથે પીરસતા છોલે વિશે. ખરેખર છોલે બે રીતે બને છે. પહેલી ડુંગળી, લસણ આદુ અને ટામેટાંને પીસીને ગ્રેવી બનાવી. તેમાં કાબુલી ચણા નાખી અને બીજી મસાલાના મિશ્રણ સાથે પિસ્યા વગર થીક ગ્રેવી બનાવી તેમાં બાફેલા કાબુલી ચણા નાખવામાં આવે છે. આ બીજી રીત અમૃતસરની છે અને અમૃતસરી છોલે અથવા પીંડી છોલે તરીકે પણ જાણીતી છે. કુલચા સાથે આ બીજી રીત પ્રમાણે બનાવેલા છોલે સર્વ થાય છે, જ્યારે ભટુરે સાથે પીરસવા માટે છોલે પહેલી રીત મુજબ એટલે કે ડુંગળી, લસણ આદુ અને ટામેટાંની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે.

આટલું વાંચ્યા પછી જો તમારું મન પણ અમૃતસરી છોલે કુલચે ખાવા માટે લલચાઈ ગયું છે. તો ચાલો તમને લઈ જઈએ આ મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી ઝાપટવા. કાંદિવલી (Kandivli)માં મહાવીરનગર (Mahavir Nagar) ફૂડ માટે જાણીતું છે. આપણું આજનું ડેસ્ટિનેશન પણ આ જ છે. મહાવીર નગરમાં ડિમાર્ટથી આગળ લિન્ક રોડ તરફ જશો તો બરાબર બીજા ચાર રસ્તા પાસે તમને આ છોલે કુલચેની રેકડી મળશે. નામ છે શ્રીમાધવ છોલે કુલચા સેન્ટર (Shrimadhav Chole Kulcha Center).

અહીં ગરમા-ગરમ છોલે બનતા જ રહે છે અને બને એટલે તરત તપેલું ખાલી પણ થઈ જાય. એક પ્લેટમાં છોલે સાથે બે કુલચા, કાંદા-ટામેટાં અને ગાજર-મરચાનું અથાણું પીરસાય છે. છોલે કુલચે સાથે અહીંનું અથાણું બહુ જ ટેસ્ટી અને ફેમસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે લોકો અહીંથી છોલે કુલચે સાથે અથાણું પણ ખરીદે છે. રેટકાર્ડ પર છોલે કુલચે સાથે અથાણાંનો પણ ભાવ લખેલો છે. આવું ભાગ્યે જ જોવા મળે છે.

વાત છોલેની કરીએ તો તેનો સ્વાદ પણ અફલાતૂન છે. મહાવીર નગરમાં ઊભા-ઊભા તમારી જીભ માનો દિલ્હી ભ્રમણ કરી લેશે. છોલે મસાલેદાર હોય તો જ મજા આવે, અહીં છોલે મસાલેદાર અને તીખા તો છે જ પણ જરાક પાણી પીશો કે મરચાંની તીખાસ જીભ પર લાગશે નહીં. આ જ તેના મસાલાની ખાસિયત છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સ્ટૉલના માલિક લવ ઠાકુરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. સ્ટૉલ પર હાજર અભિષેક મિશ્રાએ જણાવ્યું કે “મહાવીરનગરમાં અમે સાત મહિના પહેલાં જ આ સ્ટૉલ શરૂ કર્યો છે. અમારા કુલ ચાર સ્ટૉલ છે. એક મહાવીર નગરમાં અને બીજા ત્રણ વિરાર, મીરા રોડ અને અંધેરીમાં.”

આ પણ વાંચો: Sunday Snacks: આ છે મુંબઈની ‘ધ મોસ્ટ યુનિક’ ચીઝી ભેળ

રોજ સવારે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી અહીં છોલે કુલચે મળે છે. તો હવે તમારી જીભને દિલ્હીની સફર પર લઈ જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style Gujarati food mumbai food indian food sunday snacks karan negandhi