23 December, 2023 11:49 AM IST | Mumbai | Karan Negandhi
થેપલા જંકશન
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
થ્રી ઇડિયટ્સમાં કરીના કપૂરનો આ ડાયલોગ “ઢોકલા, ફાફડા, હાંડવા, થેપલા... ઐસે લગતા હૈ જૈસે કોઈ મિસાઇલ હૈ” – કોને યાદ નહીં હોય! બોલિવૂડથી ટેલિવિઝન અને દેશથી પરદેશ સુધી ગુજરાતીઓ જે એક વાનગી માટે જાણીતા છે તે છે ‘થેપલા’ (Sunday Snacks). થેપલા તેની શેલ્ફલાઈફને કારણે તો ફેમસ છે જ, પણ તેની પાછળ બીજું મહત્ત્વનું કારણ એ છે કે દહીં હોય કે છાસ, ચા હોય કે ચટણી થેપલાનો સ્વાદ દરેક વસ્તુ સાથે જુદો અને બમણો થઈ જાય છે. બ્રેકફાસ્ટ, લંચ, બ્રન્ચ કે ડિનર જેવા શબ્દો કે સમયની મર્યાદા થેપલાને નડતી નથી.
સામાન્ય રીતે તો ગુજરાતીઓ થેપલા (Sunday Snacks) ઘરે બનાવીને જ ખાવાનું પસંદ કરતાં હોય છે, કારણ કે બહાર મળતા થેપલામાં એ જ મજા મિસિંગ હોય છે. જોકે, કાંદિવલી (Kandivali)ના હાર્દમાં એ જગ્યા એવી છે, જ્યાં ઘર જેવા જ થેપલા મળે છે અને પાછા ઘણી બધી વેરાયટીમાં મળે છે. અનલિમિટેડ, કૉમ્બો અને થેપલા મીલ પણ મળે છે. આ વાત છે મહાવીર નગર (Mahavir Nagar)માં આવેલા ‘થેપલા જંકશન’ (Thepla Junction)ની, મૂળ તો આ બ્રાન્ડ અમદાવાદની છે, પણ હવે મુંબઈમાં પણ ગુજરાતીઓ માટે ખાસ સ્વાદિષ્ટ થેપલા લઈ આવી છે.
અહીં થેપલાને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું વેજિટેબલ થેપલા જેમાં તમને પાલક, બીટ, કેરેટ, ટોમેટો જેવી વિવિધ વેરાયટી મળશે. બીજું છે હેલ્ધી મિલેટ્સ થેપલા જેમાં જવાર, બાજરી, રાગી જેવા ઑપ્શન્સ તમને મળશે. ત્રીજું છે પ્રીમિયમ થેપલા જેમાં મેક્સિકન, ચીઝ કૉર્ન અને સ્ટફ્ડ થેપલા જેવી વેરાયટી મળે છે. થેપલા સાથે અહીં સૂકી ભાજી, મસાલા મગ, ચા, છાસ કે દહીં મગાવી શકો છો. સાથે મરચાં અને ચટણી તો મળે જ છે.
થેપલા મીલ જેવો કૉન્સેપ્ટ તો મુંબઈમાં ભાગ્યે જ કોઈએ સાંભળ્યો હશે. અહીં થેપલા મીલમાં તમને ચાર વેજિટેબલ થેપલા અથવા બે મિલેટ્સ થેપલા સાથે સૂકી ભાજી અથવા મસાલા મગ અને સાથે ચા/દહીં/ છાસમાંથી કંઈ પણ પસદ કરી શકો છો. અમે તો વેજિટેબલ અને મિલેટ્સ બંને થેપલા ચાખ્યા, મજા પડી ગઈ.
થેપલા તો ખરા જ પણ અહીંની ચા પણ વર્લ્ડ ફેમસ છે. લોકો સ્પેશિયલી અહીં ચા પીવા આવે છે અને સાથેસાથે થેપલા પણ જાપટે છે. અહીં દૂધી અને ગાજરનો હલવો અને ચૂરમાના લાડુ પણ સરસ મળે છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં આ ફ્રેન્ચાઇઝીના માલિક તૃપ્તિ ચાંદીવાલે જણાવ્યું કે, “અમે થેપલા બનાવવા માટે શીંગતેલનો જ ઉપયોગ કરીએ છીએ. જો કોઈ ઘીમાં કે બટરમાં માગે તો ચોખ્ખું ઘી અને અમૂલનું જ બટર વાપરીએ છીએ, જેને કારણે શુદ્ધતા અને સ્વાદ બંને જળવાઈ રહે છે.”
તો હવે આ રવિવારે ચા પીજો અને થેપલા ખાજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.