Sunday Snacks: આ છે મુંબઈની ‘ધ મોસ્ટ યુનિક’ ચીઝી ભેળ 

25 February, 2023 11:45 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો કાંદિવલીની સ્પેશિયલ ચીઝલિંગ્સ ભેળ

ધ મુંબઈ મેઝ મિક્સ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

મુંબઈની બીજી ઓળખ તેને મળેલો વિસ્તૃત દરિયા કિનારો છે. જુહુ ચોપાટી હોય કે ગિરગાંવ ચોપાટી, આ જગ્યાઓ જેટલી ફેમસ છે એટલી જ ફેમસ છે અહીંની ચોપાટી ભેળ. સાવ સાદી મમરાની ભેળથી લઈને કુરકુરે અને કૉર્ન ભેળ સુધી હવે શહેરમાં ભેળની પણ ઘણીબધી વેરાયટી મળે છે. આજે આપણે વાત કરવાની છે એક એવી યુનિક ભેળ વિશે, જે ભાગ્યે જ તમે બીજે ક્યાંય જોઈ કે સાંભળી હશે. આ ભેળમાં મમરા નહીં, પણ ચીઝલિંગ્સ હોય છે. તમને પણ જો જાણીને નવાઈ લાગી હોય તો ચાલો આજે તમને ચીઝલિંગ્સ ભેળનો ચટાકો કરાવીએ.

કાંદિવલી વેસ્ટ (Kandivali West)માં જો એસ. વી. રોડથી એમ. જી. રોડ પર વળી જશો તો પહેલા સિગ્નલથી જરાક પહેલા તમને SVC બેન્કનું મોટું બોર્ડ દેખાશે. અહીં ઘણા બધા સ્ટૉલ્સ છે. આપણે જવાનું છે ‘ધ મુંબઈ મેઝ મિક્સ’ (The Mumbai Maize Mix) પર – ત્યાં એક જ સ્ટૉલ એવો છે, જ્યાં તમને બ્રોકોલી અને બેબી કૉર્ન જોવા મળશે એટલે તમારે નામ વાંચવાની મહેનત પણ કરવાની જરૂર નથી. આ સ્ટૉલ એમ તો તેના રૅપ્સ અને સ્મૉક તંદૂર સલાડ માટે જાણીતો છે, પરંતુ અહિયાં ચીઝલિંગ્સ ભેળ મળે છે જે ખૂબ જ યુનિક છે.

ચીઝલિંગ્સ ભેળમાં પણ પિત્ઝા પાસ્તા ચીઝલિંગ્સ, પિત્ઝા ટૉપિંગ્સ ચીઝલિંગ્સ, જેલેપીનો ચીઝલિંગ્સ ચિપોટલે ચીઝલિંગ્સ જેવા ઘણા બધા ઑપ્શન છે. અમે ટ્રાય કરી ચિપોટલે ચીઝલિંગ્સ ભેળ - થોડું સરળ રીતે કહીએ તો આ મેક્સિકન ચીઝલિંગ્સ ભેળ છે. પહેલાં લીલા, લાલ અને પીળા કેપ્સિકમ, ગ્રીન અને રેડ કૅબેજ સુધારી તેમાં ચીઝલિંગ્સ નાખી પછી ચિપોટલે એટલે કે મેક્સિકન સૉસ અને ચીઝ સૉસ ઉમેરાય. ટેસ્ટ માટે મીઠું, મરચું અને બીજી મસાલો નાખી કરી તેને મિક્સ કરી – સર્વ કરતી વખતે ઉપર ચીઝ ખમણી અને છેલ્લે ગાર્નિશ કરવા માટે કોથમીર સાથે તંદૂર સૉસ એડ થાય.

સામાન્ય ભેળ કરતાં સાવ જુદી એવી આ ભેળ એકદમ ક્રીમી છે. પહેલા બાઇટથી જ તમને ચિપોટલે સૉસનો આગળ પડતો ટેસ્ટ તરત ખબર પડી જશે, પ્લસ ચીઝ સૉસને તેણે ક્રીમી ટેક્સચર મળે છે. આ કોમ્બિનેશન જેટલું યુનિક છે એટલું જ ટેસ્ટી પણ છે. એટલે અકવાર ટેસ્ટ કરવા તમારે જાતે અહીં જવું જોઈએ.

સ્ટૉલની ખાસિયત તેનું ફૂડ તો છે જ પણ સાથે બીજી ખાસિયત એ છે કે તેને એક મોટી ઉંમરનું મરાઠી કપલ ચલાવે છે. છેલ્લાં આઠ વર્ષથી ચંદ્રકાંત ગાવડે અને તેમના જીવન સાથી સુનિતા ગાવડે આ સ્ટૉલ ચલાવે છે અને પોતાના બેસ્ટ ટેસ્ટને કારણે તેમણે ઘણી નામના મેળવી છે. કોઈપણ ગ્રાહક આવે તો ચંદ્રકાંતભાઈ તેની સાથે તેની જ ભાષામાં વાત કરે અને બેસ્ટ ઑપ્શન પણ આપે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ચંદ્રકાંત ગાવડે કહે છે કે “મેં ગોવા અને કચ્છ સહિત દેશના ઘણા મહાનગરોમાં જુદું-જુદું કામ કર્યું છે એટલે ભાષા પર સારી પકડ છે. હૉટલમાં પણ કામ કર્યું છે. વર્ષોથી સખત પ્રેશરમાં કૉર્પોરેટમાં કામ કર્યું છે, પણ એક દિવસ અચાનક તબિયત બગડી એટલે હૉસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ખબર પડી કે મને હાઈ શુગર છે . બસ ત્યારથી નોકરી છોડી દીધી અને પોતાનું કંઈક કરવાનો વિચાર આવ્યો એટલે હિંમત ભેગી કરીને રસ્તા પર આ સ્ટૉલ શરૂ કર્યો અને આજે તમારી સામે છું.”

અહીં અવારનવાર પેટપૂજા કરવા આવતા ભૂમિ ચૌહાણ કહે છે કે “મને અહીંની બે વસ્તુ ખૂબ ભાવે છે એક મેક્સિકન રાઈસ અને બીજું સ્મૉક તંદૂર સલાડ. હું ઘણા સમયથી અહિયાં આ બે આઈટમ માટે ખાસ આવવાનું પસંદ કરું છું.”

આ પણ વાંચો: Sunday Snacks: બોરીવલીમાં મળે છે ઘર જેવા જ ગરમા-ગરમ સ્વાદિષ્ટ પુડલા

રોજ સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી અહીં પેટપૂજાની સામગ્રી મળે છે. તો હવે એકવાર ભેળ ખાવા જરૂર જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style mumbai food Gujarati food indian food sunday snacks karan negandhi