Sunday Snacks: 18 વર્ષના છોકરાએ ગુજરાતી વિસ્તારમાં ફેમસ કર્યા ટટ્ટે ઇડલી મેદુવડા

27 August, 2022 10:55 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો કાંદિવલીના ફેમસ મેદુવડા

સાઉથ ટિફિન હાઉસ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

સન્ડે સ્નૅક્સમાં આજે વાત કરીએ એક એવા સાઉથ ઇન્ડિયન ફૂડ (South Tiffin House) જોઇન્ટની જે શરૂ તો લગભગ 3.૫ વર્ષ પહેલાં જ થયો છે, પરંતુ કોરોનાના રોગચાળા છતાં તેના બીજા ૪ આઉટલેટ્સ શરૂ થયા છે. કાંદિવલીના ઇન્ડસ્ટ્રિયલ એરિયા એટલે કે હિન્દુસ્તાન નાકાથી શરૂ થયેલા આ રેસ્ટોરન્ટનું નામ છે ‘સાઉથ ટિફિન હાઉસ’.

મૂળ કર્ણાટકના મોહિત ગોવડાએ માત્ર ૧૮ વર્ષની ઉંમરે પિતાની મદદથી આ રેસ્ટોરન્ટ ચેઇનની શરૂઆત કરી. લૉકડાઉનમાં નિયમોનું પાલન કરી માત્ર હોમ ડિલિવરીના વિકલ્પ સાથે ખૂબ જ નામના મેળવી અને જોત-જોતામાં જ તેના કાંદિવલી સહિત બોરીવલી, મલાડ અને મીરા રોડમાં પણ આઉટલેટ શરૂ થયા અને નવું એક આઉટલેટ કાંદિવલીના માણેક ચોક સમા મહાવીરનગરમાં ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

અહિંયા મળતી ટટ્ટે ઇડલી અને મેદુવડા ખૂબ જ ફેમસ છે. અમે પણ પહેલાં આ જ ઓર્ડર પ્લેસ કર્યો. તમે ઑર્ડર આપો એટલે ગરમા-ગરમ મેદુવડા બને અને પછી પીરસાય, તૈયાર રાખવાની સિસ્ટમ નથી. તેમ છતાં સર્વિસ એકદમ ફાસ્ટ છે. જેમ ઘણાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં કેળના પાનનો ઉપયોગ ક્યુઝિનની ઑથેન્ટિસિટી માટે કરાય છે એમ અહીં પણ પહેલાં પ્લેટમાં કેળનું પાન મુકાય અને પછી ઇડલી અને વડા પીરસાય. નાળીયેર અને લસણની લાલ ચટણી સાથે ગળચટ્ટો નહીં એવો સાંભાર – ફળફળતા સાંભારની સુગંધ તમારી તાલાવેલી વધારી દેશે એ ચોક્કસ.

અહીંના વડા રોડ સાઇડ મળતા મેદુવડાની જેમ ફિકા નથી. તેના ખીરામાં પહેલાં પડે છે થોડા તલ, જીરું, એકદમ ઝીણાં સમારેલા મરચાં, એનું પ્રમાણ પણ સરખું એટલે તીખું તો ન લાગે. વડાનું ટેક્સચર પણ સપ્રમાણ એટલે કરકરા ખરાં પણ ગળામાં વાગે નહીં એવા. ઉપરાંત ઉત્તપમ પણ સરસ મળે છે. ગુજરાતી વિસ્તારમાં શરૂ થયેલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય એટલે એક વસ્તુ નક્કી છે કે ચીઝ અને બટરથી લથબથ ઢોસા અને ઉત્તપાની વેરાયટીઝ તો હોય જ.  મકાબોના રહેવાસીઓએ અહીંનું ફૂડ ચોક્કસ ટ્રાય કરવું જોઇએ. જો રવિવારના દિવસે તમે આરામના મૂડમાં હો અને ઘરની બહાર જવાની ઈચ્છા ન હોય તો નજીકના આઉટલેટ પરથી ઑનલાઈન પણ ઑર્ડર કરી શકો છો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈમાં મિસળનું બીજું નામ છે મામલેદાર મિસળ

life and style Gujarati food mumbai food indian food sunday snacks karan negandhi