Sunday Snacks: ઉત્તર ભારતની સ્વાદિષ્ટ ચાટ મુંબઈના હાર્દમાં લઈ આવ્યું છે આ સાહસ

09 December, 2023 12:37 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ઉત્તર ભારતની ઑથેન્ટિક ચાટ

ઓય ચટોરે

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

ઉત્તર પ્રદેશ, ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય, તેની ધરોહર અને સંસ્કૃતિ માટે જાણીતું છે. આ પ્રદેશમાં સમોસાં, ચાટ અને કચોરી જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો ખજાનો છે. મુંબઈની જેમ જ આ ઉત્તર ભારતનો આ પટ્ટો એવો છે, જ્યાં સ્ટ્રીટફૂડ અને ખાનપાનની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશના ખાનપાનમાં ઘણી બધી કેટલીક સમાનતાઓ પણ છે. દા.ત. મુંબઈમાં મળતી રગડા પેટીસ, અહીં આલુ ટિક્કી ચાટ તરીકે વેચાય છે - મુંબઈની પાણીપુરી અહીં પકોડી બની જાય છે, આ પકોડી લોકો ચાઉંથી ખાય છે – ડુ યૂ ગેટ ધ પૉઇન્ટ?

હા! એમાં કોઈ બે મત નથી, જેમ બાર ગાંવે બોલી બદલે એમ મસાલા અને બનાવવાની રીત પણ બદલાય. આ જ વાતની સાબિતી આપવા અને ઉત્તર ભારતના સ્વાદિષ્ટ વ્યંજનો સ્વાદ મુંબઈગરાંને ચખાડવા ત્રણ મિત્રોએ સાથે આવી એક સ્વાદિષ્ટ સાહસ શરૂ કર્યું છે, જેનું નામ છે ‘ઓય ચટોરે’ (Oye Chatore). ચારકોપ સેક્ટર-૧ (Charkop Sector-1)માં નોબલ મેડિકલની બરાબર સામે તેમનું સેટઅપ છે. અહીં તમને આલુ ટિક્કી ચાટ, પાલક પત્તા ચાટ, સમોસાં ચાટ, મંગોડી, ગુલાબ જાંબુ, ગુજિયા અને દેશી ઘીમાં બનાવેલી જલેબી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ ઑથેન્ટિક સ્ટાઇલમાં મળશે.

નાની જગ્યામાં પણ તેમણે ખૂબ જ સુંદર રીતે સ્ટૉલ્સ સેટઅપ કર્યા છે. આલુ ટિક્કી ચાટ માટે તો દુકાનની અંદર ખાસ એક રેકડી મૂકવામાં આવી છે. બીજી તરફ એક પાણીપૂરીનો સ્ટૉલ છે, તો અન્ય બાજુ શુદ્ધ દેશી ઘીમાં ગુલાબ જાંબુ અને જલેબી બને છે. અંદર આવતા દેશી ઘીમાં બનતા વ્યંજનોની સુગંધ તમારું સ્વાગત કરશે. મેન્યૂ જોઈને શું મગાવવું એની ગડમથલ જરૂર થઈ પણ આખરે આંખો સ્થિર થઈ આલુ ટિક્કી ચાટ પર અને મનમાં વિચાર પણ આવ્યો કે રગડા પેટીસ અને આલુ ટિક્કી ચાટમાં કેટલો ફરક છે જોઈએ.

આલુ ટિક્કીની પ્લેટ બનાવવાની શરૂઆત થઈ. તાજા ટામેટાં સમરવાની સાથે - લોઢી પર દેશી ઘી મૂકી તૈયાર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન આલુ ટિક્કીને શેકી તેમાં ટામેટાં ઉમેરી, રગડો બીજા મસાલા અને ચટણીઓ (ઉત્તર ભારતમાં ચાટમાં ત્રણ ચટણીઓ નાખવામાં આવે છે તીખી-મીઠી-ખાટ્ટી. લીલી કોથમીર મરચાંની ચટણીનો ઉપયોગ આમાં થતો નથી) નાખી લોઢી પર જ બધુ મિક્સ કરવામાં આવે – છેલ્લે પાણીપુરીનું પાણી ઉમેરી સહેજ ઘટ થાય ત્યાં સુધી લોઢી પર જ ઉકાળવામાં આવે – આખરે આ ચાટ તૈયાર બાઉલમાં ઉપર કાંદા ચટણીઓ અને સેવ નાખીને ગાર્નિશ કરવામાં આવે છે.

આ એક પ્લેટ એટલી મોટી હોય છે કે એક વ્યક્તિ ધરાય જાય. શરૂઆતમાં તો ફૂંક મારીને જ તમારે ચમચી મોઢામાં મૂકવી પડે એટલી ગરમ આ ચાટ હોય છે. પહેલું બાઇટ લેતા જ તમને સમજાય જશે કે આમાં ફ્લેવર્સ ખૂબ જ જુદી છે. ઘીમાં શેકાયેલા ટામેટાંની ફ્લેવર સહેજ આગળ પડતી છે, પણ ખાતા ન ધારાઓ એવો અદ્ભુત અને ચટપટો સ્વાદ હોય છે. મુંબઈમાં મળતી ચાટ સાથે તેની સરખામણી તો અન્યાય થશે, પણ હા એટલું ખરું જ કે આવી ફ્લેવરફૂલ ચાટ ભાગ્યે જ તમને મુંબઈમાં મળશે. ચાખવા મળશે.

અમે અહીં ગુલાબ જાંબુ પણ ચાખ્યા. એકદમ સોફ્ટ અને મીઠાશ પણ પ્રમાણસર સાથે અંદર ડ્રાયફ્રુટનું સ્ટફિંગ. ચટપટી ચાટ પછી આ ‘ચેરી ઑન ધ કેક’ સમાન કોમ્બો છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ઓય ચટોરેના પાર્ટનર પ્રતીક સોનીએ જણાવ્યું કે, “ઓય ચટોરે શરૂ કરવા માટે અમે ૪૦૦૦ કિલો મીટર ફર્યા. ચિત્રકૂટ, બનારસ અને ઇન્દોરમાં અમે ખૂબ ફર્યા ત્યાંની વાનગીઓ અને ચાટ ટેસ્ટ કર્યા અને ત્યાંથી જ લોકો પણ હાયર કર્યા. અલ્લાહબાદથી નિયમિત મસલા મગાવવા માટેની ગોઠવણ પણ કરી. આ બધુ જ અમે એક મહિનાની અંદર તૈયાર કર્યું છે.”

તો હવે આ રવિવારે ઉત્તર ભારતનો સ્વાદ માણવા જરૂર જજો. બાકી રગડા પેટીસ અને આલુ ટિક્કી ચાટ વચ્ચે શું ફરક એ તો સ્વાદ ચાખશો એટલે સમજી જશો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food Gujarati food indian food life and style kandivli karan negandhi