Sunday Snacks: આ છે મહારાષ્ટ્રની કચોરી, પહોંચવાનો પિનકોડ – મહા ૨૦૩

15 April, 2023 12:48 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો કાંદિવલીની સ્પેશિયલ શેગાંવ કચોરી

મહા ૨૦૩

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

મહારાષ્ટ્ર અને ગુજરાત બંને પાડોશી રાજ્યના સંબંધો ખૂબ જ ખાસ છે. ઐતિહાસિક હોય કે ભૌગોલિક બંને રાજ્યની જુદી-જુદી વિશેષતાઓ છે. જોકે, બંને રાજ્યોની ખાણીપીણીની સંસ્કૃતિ સામાન્ય તફાવત સાથે ક્યાંક એક બીજાને મળતી આવે છે. બંને રાજ્યમાં લોકોને ઉસળ પ્રિય છે, તફાવત એટલો જ છે કે મહારાષ્ટ્રમાં એ મિસળ અને ગુજરાતમાં સેવ ઉસળ. આવી જ વધુ એક વાનગી છે જે કૉમન છે, કઈ જરા ગૅસ કરો…

જવાબ છે કચોરી! ગુજરાતમાં લીલવા કચોરી પ્રખ્યાત છે તો મહારાષ્ટ્રમાં શેગાંવ કચોરી (Shegaon Kachori). શેગાંવ કચોરી વિશે એક રસપ્રદ વાત એ છે કે તે પહેલાં મહારાષ્ટ્રમાં આવેલા શેગાંવ રેલવે સ્ટેશનની બહાર મળતી હતી અને હવે આખા મહારાષ્ટ્રમાં મળે છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કેટલાક અહેવાલ સૂચવે છે કે શેગાંવમાં આ કચોરી વર્ષ ૧૯૫૧થી મળે છે. હવે જો તમે વિચારો છો કે મુંબઈમાં આ કચોરી ક્યાં મળે છે? તો નોંધી લો સરનામું.

કાંદિવલી વેસ્ટ (Kandivli West)માં ચારકોપ સેક્ટર નંબર ૩માં આવેલું ‘મહા ૨૦૩’ (Maha 203) છે આજનું આપણું સ્વાદસભર ડેસ્ટિનેશન. હવે તમને થશે કે આ તો કેવું નામ? પણ નામનો ભેદ જાણશો તો અહીં જવાની ઈચ્છા વધુ તીવ્ર બની જશે. ખરેખર મહારાષ્ટ્રમાં આવેલા શેગાંવનો પિનકોડ છે – ૪૪૪૨૦૩ અને તેના પરથી જ આ નામ રાખવામાં આવ્યું છે ‘મહા ૨૦૩’. અહીં તમને મળશે ગરમા-ગરમ અને એકદમ ટેસ્ટી શેગાંવ કચોરી, બોલે તો એકદમ ઑથેન્ટિક.

હવે તમે બસમાં જાઓ, રિક્ષામાં જાઓ, મિત્રો સાથે બાઇક પર જાઓ કે ઘરે સ્વીગી-ઝૉમેટોથી ઑર્ડર કરો એ તમારી ઈચ્છા. અહીં આવીને ખાશો તો વધારે મજા આવશે, કારણ કે નામ જેટલું રસપ્રદ છે એટલું જ રસપ્રદ ઇન્ટિરિયર પણ છે. એક બાજુ મહારાષ્ટ્રનો નકશો છે તો બીજી તરફ ‘મહા ૨૦૩’નો ઇન્ટરેસ્ટિંગ લોગો. સ્નેપ પર સ્ટ્રીક મોકલવા માટે બંને પરફેક્ટ છે.

આ જગ્યાની ખાસ વાત એ છે કે અહીં ૨-૪ કચોરીથી વધારે રેડી મળતી નથી, ઑર્ડર આપો પછી જ તળાય અને ગરમા-ગરમ પિરસાય. શેગાંવ કચોરીની બેસ્ટ વાત એ છે કે તેનો મૂળ સ્વાદ તેના મસાલામાં જ છે. તેની સાથે કોઈપણ ચટણી પીરસાતી નથી. આ કચોરી માત્ર તળેલાં મરચાં સાથે જ પીરસાય છે. ચણાના લોટમાં મગની દાળ અને અન્ય ચઢિયાતા ખડા મસાલા સાથે તેનું પૂરણ બને છે. ટેસ્ટ ખરેખર અદ્વિતીય છે. ક્રિસ્પીનેસ પણ એકદમ પરફેક્ટ છે. આ કચોરી એક વાર ખાશો તો ફાફડા-જલેબીની જેમ વારંવાર માગશો.

શનિ-રવિમાં અહીં ભીડ હોય છે એટલે તમારે થોડી રાહ તો જોવી પડશે. પણ ચિંતા ન કરો અહીં ઠંડા-ઠંડા શરબત પણ મળે છે. જો અહીં જાઓ છો તો તેમનું કોકમ શરબત અને આમપન્ના પણ જરૂર ટ્રાય કરજો. બધી જ વસ્તુના રેટ ખૂબ જ સામાન્ય છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાનમાં કામ કરનાર મુકેશ ગુપ્તા કહે છે કે, “આ દુકાનને હજી એક વર્ષ થયું છે, છતાં લોકોની જીભે શેગાંવ કચોરીનો સ્વાદ ચડી ગયો છે. સવારે આઠ વાગ્યાથી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી અમારી દુકાન ખુલ્લી હોય છે.”

અહીંની કચોરીના વખાણ કરતાં બોરીવલીમાં રહેતાં મનીષા ગાંધી કહે છે કે, “શેગાંવ કચોરી ટ્રાય કર્યા બાદ મને બીજી કચોરી ફીકી લાગે છે. આ કચોરીમાં મસાલાનો જે ટેસ્ટ છે, તે ખરેખર અદ્ભુત છે.”

આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈનાં બેસ્ટ વડાપાઉંમાંનાં એક છે બોરીવલીનાં આ વડાપાઉં

તેમનું હજી એક આઉટલેટ મલાડમાં જનકલ્યાણ પોલીસ ચોકી પાસે પણ છે, તો જે નજીક પડે ત્યાં રવિવારે પહોંચી જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style Gujarati food mumbai food indian food sunday snacks kandivli karan negandhi