Sunday Snacks: ઇન્ટરનેટ પર છવાયેલા આ ઇડલી સ્ટૉલની શું છે ખાસિયત? જાણો અહીં

22 October, 2022 01:59 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો બાબુ ઇડલી વાલાની ખાસ વાટી ઇડલી

બાબુ ઇડલી સ્ટૉલ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

આજના ઇન્ટરનેટના સમયમાં તમે કોઈ ફૂડસ્ટૉલ શરૂ કરો અને સારી ક્વોલિટી સાથે સારો ટેસ્ટ આપો એટલે ઇન્ટરનેટ દેવનો કોઈને કોઈ દૂત તમારી પાસે પહોંચી જ જશે. બસ પછી શું જોત-જોતામાં તમારા સ્ટૉલ પર લાઈનો લાગવાની શરૂઆત થઈ જાય. મુંબઈમાં પણ એવા ઘણા ફૂડસ્ટૉલ્સ છે જે તેના સ્વાદ અને ખાસિયતને કારણે ઇન્ટરનેટ પર છવાયેલા છે. તો આવો આજે આવા જ એક સ્ટૉલની વાત કરીએ.

ચર્નીરોડ (Charni Road) સ્ટેશનથી ઇસ્ટમાં બહાર આવી ગ્રાન્ટ રોડ તરફ લગભગ અડધો કિલોમીટર ચાલશો, તો ઓપેરા હાઉસની બરાબર સામે તમને એક ઝાડ નીચે નાનકડો બાકડો દેખાશે. સ્ટૉલનું નામ ‘બાબુ ઇડલી વાલા’ (Babu Idli Wala) પણ ક્યાંય તમને આ નામનું બોર્ડ જોવા નહીં મળે. દેખાશે તો બસ લોકોથી ઘેરાયેલો આ સ્ટૉલ. નામ પરથી તો તમે જાણી જ ગયા છો કે અહીં ઇડલી મળે છે, હવે એની વિશેષતા પણ જાણી લો. અહીં મળે છે વાટી ઇડલી, વાટકી જેવા આકારની-સામાન્ય ઇડલી કરતાં જરાક મોટી અને એકદમ સોફ્ટ. સાથે જ મેંદુવડા પણ મળે છે. 

આ સોફ્ટ ઇડલીના સ્વાદમાં વધારો કરે છે રસનાં કુંડા એટલે કે સાંભારનું ઉમેરાવું. ગુરુ તમે શોધી બતાવો પણ આવો સાંભાર તમને ભાગ્યે જ મુંબઈમાં મળશે. કન્સિસ્ટન્સિ એકદમ પરફેક્ટ, ખડા મસાલાનો આગળ પડતો સ્વાદ અને ગળપણ માટે થોડી સાકર. ઇડલીના ટુકડા ઉપર પહેલાં થોડો સાંભાર ચમચીથી રેડી પછી બાઇટ લેશો એટલે સાંભારનો જાદુ તમને સમજાઈ જશે. ખરેખર ખાતા ન ધરાઓ એવો સરસ સાંભાર અહીં મળે છે. આ જ કારણે ‘બાબુ ઇડલી સ્ટૉલ’ ઈન્ટરનેટ પર પણ ખૂબ જ ફેમસ છે.

સ્ટૉલની શરૂઆત વિશે વાત કરતાં તેના માલિક બાબુ પૂજારી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવે છે કે “લગભગ ૩૧ વર્ષ પહેલાં એક મહિલાએ અહીં વાટી ઇડલીનો સ્ટૉલ શરૂ કર્યો હતો, પરંતુ તેમણે ૩-૪ મહિનામાં જ બંધ કરી દીધો. હું તે સમયે હોટલમાં શૅફ તરીકે કામ કરતો હતો. મને આ બિઝનેસમાં રસ જાગ્યો એટલે મેં જાતે જ આ સ્ટૉલ શરૂ કર્યો. ગ્રાહકોને ટેસ્ટ ગમ્યો એટલે આપણો ધંધો જામી ગયો.”

તો હવે જો આ તરફ જાઓ તો અચૂક આ સ્ટૉલની મુલાકાત લેજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

આ પણ વાંચો: Sunday Snacks: એક ગરમ ચાય કી પ્યાલી હો ઔર હો યારો કા યારાના

life and style Gujarati food mumbai food indian food charni road karan negandhi sunday snacks