Sunday Snacks: મલાડના ફેમસ ફલાઇંગ કુલચા ટ્રાય કર્યા છે તમે?

03 September, 2022 10:00 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો મલાડના ફેમસ ફ્લાઇંગ કુલચા

તસવીર સૌજન્ય: મનન વંડરા

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

રવિવારે તમે સુસ્તીમાં જાગો, મોડો દિવસ શરૂ થયો હોય અને આળસ મળડતાં જ તમારા મગજમાં પહેલો વિચાર કંઈક ચટપટું ખાવાનો આવે તો આળસ ખંખેરીને મલાડ પહોંચી જજો. મલાડ વેસ્ટમાં ઇનફિનિટી મૉલની બરાબર બાજુની ગલીમાં તમે જશો કે લાઇનબંધ નાસ્તાના ઘણા સ્ટોલ તમને મળશે. વિવિધ વાનગીઓની સુગંધ માણતા તમારે પહોંચવાનું છે શ્રી બાલાજી છોલે કુલચે (Shri Balaji Chhole Kulcha)ની રેંકડીએ. આ સ્ટોલ ‘ફ્લાઇંગ કુલચે વાલા’ (Flying Kulcha) તરીકે પણ ખૂબ જ જાણીતો છે. જો તમે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ હશો તો શક્ય છે કે આ જગ્યા વિશે જાણતા હો.

છોલે કુલચેની અસલ મજા ત્યારે જ છે જ્યારે તેમાં દિલ્હીનો ઑથેન્ટિક સ્વાદ મળે અને તમે પણ એ જ મિસ કરી રહ્યા છો તો દોસ્ત તમે પરફેક્ટ જગ્યાએ પધાર્યા છો. છેલ્લાં પાંચ વર્ષથી દેવ રાજપૂત અહીં આ સ્ટોલ ચલાવે છે. દેવ મૂળ દિલ્હીના જ છે અને આજે પણ દિલ્હીમાં તેમની દુકાન છે. દિલ્હીમાં ફ્લાઇંગ પરાઠાથી તેમને પ્રસિદ્ધિ મળી ત્યાર બાદ મુંબઈગરાને પણ દિલ્હીનો ઑથેન્ટિક સ્વાદ પીરસી રહ્યા છે.

વેલ અહીં તમે કોઈપણ સમયે જશો, થોડી ભીડ તો મળશે જ. પણ સારી ચીજ માટે રાહ તો જોવી પડે, ચાલે!! ઑર્ડર આપશો કે લગભગ ૨-૫ મિનિટમાં તમારી પ્લેટ તૈયાર. ગરમા-ગરમ છોલે સાથે બે બટર કુલચા અને કાંદા-ટામેટાં સાથે મસાલાવાળા મરચાં. પ્લેટ જોઈને જ આહાહાહા...! થઈ જાય તેવી રીતે તમામ વસ્તુઓ ગોઠવાય છે.

અહીં છોલેમાં વપારતા તમામ મસાલા તેઓ ખાસ દિલ્હીથી લાવે છે, તેથી ટેસ્ટમાં નો કૉમ્પ્રોમાઇઝ. જો તમને ધાણાનો સ્વાદ ગમે છે તો મરચાંનો સ્વાદ તમને ચોક્કસ અભિભુત કરી દેશે. કુલચા પણ તેઓ પોતાની જ બેકરીમાં ફ્રેશ બનાવે છે. કુલચામાં મેંદા સાથે રવાનો પણ ઉપયોગ કરાય છે, જેથી પેટને નડે નહીં.

તો આ રવિવાર છોલે કુલચેને નામ. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

PS: તમે રવિવારે ક્યા ખાવા જવાનું પસંદ કરો છો? તે આપ અચૂક ઉપર આપેલા ઈ-મેઈલ પર જણાવી શકો છો. આવજો.

આ પણ વાંચો: Sunday Snacks: 18 વર્ષના છોકરાએ ગુજરાતી વિસ્તારમાં ફેમસ કર્યા ટટ્ટે ઇડલી મેદુવડા

life and style Gujarati food mumbai food indian food sunday snacks karan negandhi