Sunday Snacks: મુંબઈના ગુજરાતીઓથી જાણે રિસાઈ જ ગઈ છે આ વાનગી

29 April, 2023 12:32 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો સાઉથ બોમ્બેના સ્પેશિયલ ઘૂઘરા

ફાઇલ તસવીર

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

આમ તો મુંબઈ (Mumbai)માં નાસ્તો કરવા માટે એટલી બધી વેરાયટી અને જગ્યાઓ છે કે એક વર્ષનો સમય ઓછો પડે પણ... વડાપાઉંની લારીઓથી ધમધમતા આ શહેરમાં ગુજરાતીઓ ફાફડા-જલેબી અને ઢોકળા ખાવામાં એવા ઓતપ્રોત થઈ ગયા છે કે ગુજરાતની એક સ્વાદિષ્ટ વાનગી જાણે પરામાં રહેતા ગુજરાતીઓથી રિસાઇને માત્ર સાઉથ બોમ્બેની થઈ ગઈ છે. હા, આ વાનગી એવી છે કે મકાબો છોડો પરા વિસ્તારના કોઈ ખૂણામાં જલદી જોવા મળતી નથી, પણ સાઉથ બોમ્બે (South Bombay)ના ગુજરાતીઓ આજે પણ ખૂબ જ ચાઉંથી આ વાનગીની મજા માણે છે.

જો હજી પણ આ વાનગીનું નામ યાદ કરવા માટે તમે ફાંફાં મારો છો, તો ચાલો તમને જણાવી જ દઈએ. ઘૂઘરા – મિષ્ટાન્નના નહીં પણ ફરસાણના - જે મટર ઘૂઘરા (Matar Ghughra) તરીકે પણ જાણીતા છે. આ વાનગીનો સ્વાદ માણવા તમારે ખરેખર સાઉથ બોમ્બે જવું પડશે. લોકલ ટ્રેનમાં જાઓ તો ચર્ની રોડ (Charni Road) સ્ટેશન ઉતારવાનું. ભૂલેશ્વરની સાંકડી ગલીઓમાંથી પસાર થઈ અને જૂના બોમ્બેની યાદો તાજી કરતાં તમારે પહોંચી જવાનું છે ચંદારામજી હાઇસ્કૂલ પાસે. સ્કૂલથી ૨-૪ ડગલાં આગળ ચાલશો એટલે તમે પહોંચી જશો આજના ડેસ્ટિનેશન પર.

અહીં આવેલું છે ‘તૃપ્તિ સ્વીટ્સ ઍન્ડ ડ્રાય ફ્રૂટ્સ’ જ્યાં તમને મળશે ગરમા-ગરમ ઘૂઘરા. આ ઘૂઘરાની ખાસિયત છે તેનું ‘પરફેક્શન’. આકાર, ક્રિસ્પિનેસ, મસાલો બધુ જ પરફેક્ટ અને ટેસ્ટ અદ્ભુત-અદ્વિતીય. આ મટર ઘૂઘરા લીલી ચટણી સાથે પીરસાય છે. ચટણીમાં ગુજરાતીપણાનું ગળપણ ઉમેરવા સાકર પણ હોય છે. એટલે ઓવરઓલ ટેસ્ટ જરાય તીખો નહીં, પણ ચટપટો લાગશે. હા, એક વાત તો ચોક્કસ ઘૂઘરાનો સ્વાદ માણશો તો થોડીવાર માટે સમોસા ચોક્કસ ભૂલી જશો.

આ દુકાન ઘૂઘરા સાથે જ પનીર ઢોકળા અને પંજાબી સમોસા માટે પણ વિસ્તારમાં જાણીતી છે. તો મીઠાઇમાં રસમલાઈ અને કેસર પેંડા તેમની ખાસિયત છે.

આ દુકાનના માલિક હસમુખ ભીંજયાની છે. જોકે, દુકાન પર હાજર મેનેજર વિજયભાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ જણાવ્યું કે, “તૃપ્તિ ૧૯૬૪માં શરૂ થયું હતું અને ત્યારથી જ સ્વાદિષ્ટ વાનગીઓને કારણે વિસ્તારમાં જાણીતું નામ છે. સોમવારથી શનિવાર સવારે ૯થી રાત્રે ૮.૩૦ સુધી તો રવિવારે બપોરે ૧ વાગ્યા સુધી તમે આ તમામ વાનગીઓ માણવા પધારી શકો છો.”

અહીં અવારનવાર ઘૂઘરાનો સ્વાદ માણવા આવતા રાજેશ પંડ્યા કહે છે કે, “અસલ ગુજરાતી ઘૂઘરનો સ્વાદ લેવો હોય તો તૃપ્તિ બેસ્ટ છે. તેમના પનીર ઢોકળા પણ મને તો બહુ ભાવે છે.”

આ પણ વાંચો: Sunday Snacks: બોરીવલીમાં પ્રેમનગરનું મિસળ ખાશો તો એના પ્રેમમાં પડી જશો

તો હવે આ રવિવારે આ રિસાઈ ગયેલી વાનગીને વીનવી તમારા વિસ્તારમાં ફરી પધારવાનું આમંત્રણ આપવા જરૂર જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

life and style sunday snacks Gujarati food mumbai food indian food charni road karan negandhi