16 December, 2023 05:59 PM IST | Mumbai | Karan Negandhi
ક્રેવ જંકશન અને અહીંના સ્વાદિષ્ટ ડિઝર્ટ્સ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
માયાનગરી મુંબઈમાં ભલે હજી દિવસે કાળઝાળ ગરમી પડી રહી હોય, પણ ઋતુચક્ર પ્રમાણે શિયાળો શરૂ થઈ ગયો છે. શિયાળાની સીઝન સાથે જ સ્ટ્રોબેરીની સીઝન પણ શરૂ થઈ ગઈ છે. રોમાન્સનું પ્રતીક ગણાતી સ્ટ્રોબેરી આવતા જ દરેક જગ્યાએ ફરી આ રસાળ લાલ ચટક ફ્રૂટના મિલ્કશેકથી લઈને ડિઝર્ટ મળવા લાગ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર અઢળક રીલ સ્ક્રોલ કર્યા બાદ પણ જો તમારું મન આ ડિઝર્ટ્સ ખાવા માટે હજી નથી લલચાયું તો બોસ કાંદિવલી (Kandivali)માં મળતા આ સ્ટ્રોબેરી ડિઝર્ટને જોઈને તમે જ્યાં હશો ત્યાંથી અહીં પહોંચી જશો.
શિયાળો સ્ટ્રોબેરીની સાથે રોમાન્સની પણ ઋતુ છે. હવે આ રોમેન્ટિક મોસમમાં રોમાન્સનું પ્રતીક ગણાતા ફ્રૂટના ડિઝર્ટ સાથે આલ્હાદાયક એમ્બિયન્સ અને ટેસ્ટી ફૂડ પણ મળી જાય તો ‘ઇટ્સ ચેરી ઑન ધ કેક’. હવે જો આ ફૂલ પેકેજ તમારે માણવું હોય તો તમારે કાંદિવલી જવું પડશે. કાંદિવલી વેસ્ટમાં શતાબ્દી હૉસ્પિટલ પછીની ગલીમાં તમને મળશે ‘ક્રેવ જંકશન’ (Crave Junction). કૉઝી ઇનડોર અને આઉટડોર સિટિંગ સાથે આ જગ્યા રોમેન્ટિક ડેટ માટે પરફેક્ટ છે.
પહેલાં વાત કરીએ અહીંના ફૂડની. અહીં તમને મેક્સિકન, ચાઇનિઝ અને કોન્ટિનેન્ટલ વાનગીઓની જયાફત ઉડાવવા મળશે. અમે અહીં ટ્રાય કર્યો ક્રેવ જંકશન પિત્ઝા પાઈ, સેસી પનીર બર્ગર અને તિબેટીયન રેમન નૂડલ્સ બૉલ. ટૉપિંગ્સ અને મેલ્ટિંગ ચીઝનું પરફેક્ટ કૉમ્બો - આ પિત્ઝા ખાયને તમે જાણે ખરેખર ઇટલીમાં પહોંચી ગયા હો એવો અનુભવ થશે. હવે જો તમને અવનવી પનીરની વાનગીઓ ટ્રાય કરવી ગમતી હોય તો સેસી પનીર બર્ગર તમારા માટે છે, તેમની ફ્લેવરફૂલ ચટણી સાથે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. …અને જો તમારે કોન્ટિનેન્ટલ ફૂડ ટ્રાય કરવું હોય તો તમે ચોક્કસ તિબેટીયન રામેન નૂડલ્સ બૉલ મગાવી શકો છો, જે ૨ લોકો માટે પરફેક્ટ છે.
હા! હવે તમે ક્રેવ જંકશન પહોંચી ગયા હો અને અહીં તમે ડિઝર્ટ ટ્રાય ન કરો તો, મંદિરે જઈને પ્રભુના દર્શન ન કરવા સમાન છે અને આમ કરીને તમે તમારી સ્વાદેન્દ્રિય સાથે ચોક્કસ અન્યાય કરશો. અહીં સ્ટ્રોબેરીના અઢળક ડિઝર્ટ્સ મળે છે, પણ બેસ્ટ છે સિનફૂલ સ્ટ્રોબેરી. ચૉકલેટ કેક, ચૉકલેટ સૉસ અને તાજી સ્ટ્રોબેરીથી બનેલું સિનફુલ સ્ટ્રોબેરી એવી ડિઝર્ટ છે, જે ખાતા તમે નહીં જ ધરાઓ. તમારે સૉલ્ટી સ્ટ્રોબેરી ડિઝર્ટ માણવું હોય તો તમે ચોકો લોડેડ સ્ટ્રોબેરી ઑર્ડર કરી શકો છો. આ લંડનનું સ્પેશિયલ ડિઝર્ટ છે, જે મુંબઇમાં માત્ર અહીં જ મળે છે. વધુ એક વિક્લપ છે ક્લાસિક ફ્રેશ સ્ટોરેબેરી ક્રીમનો - ક્રીમનું રીચ લેયર અને સ્ટ્રોબેરીનો સ્વાદ તમારી વાતોમાં રસ ઉમેરશે. આ ઉપરાંત અહીં સ્ટ્રોબેરી ચીઝ કેક પણ મળે છે, જે ક્રિસમસ માટે પરફેક્ટ આઈટમ છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ વાત કરતાં ક્રેવ જંક્શનના માલિક સંકેત શાહ કહે છે કે, “સ્ટ્રોબેરીને અમુક કોમ્બિનેશનમાં અમે રજૂ કર્યા તો ગ્રાહકોને તે ખૂબ પસંદ આવ્યા. જેમ કે અમારે ત્યાં સૌથી પૉપ્યુલર છે ‘સિનફુલ સ્ટ્રોબેરી’. સ્ટ્રોબેરી ફેસ્ટિવલનો લાભ લેવા માટે લોકો ઘાટકોપર અને જુહુથી કાંદિવલી આવી પહોંચે છે.”
તો હવે આ રવિવારે સ્ટ્રોબેરીનો મજાનો સ્વાદ માણવા જરૂર જજો આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.