Sunday Snacks: મુંબઈમાં તો ભૂંગળા-બટેટા ક્યાં મળે જ છે? આવું હવે નહીં કહેવું પડે

14 January, 2023 11:32 AM IST  |  Mumbai | Karan Negandhi

આજે ટ્રાય કરો સાંતાક્રુઝના સ્પેશિયલ ભૂંગળા-બટેટા

જય મોગલ કચ્છી દાબેલી

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

ગુજરાતમાં ભાવનગર, રાજકોટ અને જામનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટેટા (Bhungara Bateta). અહીં તમે સ્ટ્રીટફૂડ ખાવા રખડ્યા હશો તો તમે એકવાર તો ભૂંગળા-બટેટા ટ્રાય કર્યા જ હશે. ક્રન્ચી ભૂંગળા અને સોફ્ટ મસાલેદાર બટેટાની આ સરળ વાનગી ગુજરાતમાં તો ખૂબ પ્રખ્યાત છે, પણ મુંબઈમાં જલ્દી મળતી નથી. તો આવો આજે આ જ ગુજરાતની વાનગીની જ્યાફત આપણા શહેરમાં માણીએ.

સાંતાક્રુઝ વેસ્ટ (Santacruz West)ના ખોતવાડી (Khotwadi) વિસ્તારમાં તાજેતરમાં એક સ્ટૉલ શરૂ થયો છે, જ્યાં તમને ગુજરાતની આ ચટાકેદાર આઇટમ મળશે. સ્ટૉલનું નામ છે ‘જય મોગલ કચ્છી દાબેલી’ (Jay Mogal Kutchi Dabeli). ગૂગલ પર તમને અહીંનું પિન પોઈન્ટ લોકેશન ન મળે તો મુંઝાવું નહીં સ્ટેશનથી બહાર આવી પી.એમ. રોડ પર સીધું-સીધું વિલેપાર્લે તરફ પાંચ મિનિટ ચાલશો એટલે આ જગ્યા તમને મળી જશે.

ભૂંગળા-બટેટાનો મૂળ સ્વાદ છે તેના મસાલાવાળા બટેટામાં. સામાન્ય રીતે ગુજરાતમાં બટેટાના મસાલામાં લસણનો ઉપયોગ થાય છે, પરંતુ અહીં તેનાથી વિપરીત લસણ વપરાતું નથી, છતાં ટેસ્ટમાં નૉ કૉમ્પ્રોમાઇઝ. મસાલાવાળા ચટાકેદાર બટેટામાં પહેલાં કાંદા, મસાલા સિંગ અને ઉપર લીંબુનો રસ નાખો એટલે બટેટા તૈયાર. અંગ્રેજીમાં ફ્રાઈમ્સ કહેવાતા આપણા ભૂંગળાને આ ટેસ્ટી બટેટામાં ઠોંસીને બાઇટ લો એટલે ખાતા ન ધરાઓ એવી મજા પડી જાય.

એક પ્લેટમાં તમને પાંચ જ ભૂંગળા મળશે, પણ મસાલાની ક્વોન્ટિટી સારી છે એટલે જોઈએ તો એકસ્ટ્રા ભૂંગળાનું પેકેટ પણ લઈ શકો છો. આ એક પ્લેટ માત્ર ૨૦ રૂપિયાની છે, એ પણ એક પ્લસ પોઈન્ટ ગણી શકો છો. સાથે જ જોઈએ તો ઘર માટે પાર્સલ પણ લઈ જઈ શકો છો. અહીં કચ્છી દાબેલી પણ મળે છે.

હરેશ પ્રજાપતિ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં સ્ટૉલના ઑનર અને કચ્છના વતની હરેશ પ્રજાપતિ કહે છે કે “અમે હજી એક મહિના પહેલાં જ આ સ્ટૉલ શરૂ કર્યો છે. ગુજરાતીઓને મુંબઈમાં ભૂંગળા-બટેટા મળે છે એ જાણીને નવાઈ તો લાગે જ છે. ગુજરાતીઓ ખૂબ જ ચાઉંથી આ વાનગીઓ ખાય છે.”

ભૂંગળા-બટેટાના ટેસ્ટ વિશે એકતા ગાલા કહે છે કે “મેં પહેલી વાર આ આઇટમ ટ્રાય કરી. મને તો ખૂબ ભાવી. ખાવાના શોખીન કોઈ ગુજરાતીએ જો હજી આ આઇટમનો સ્વાદ ન માણ્યો હોય તો મુંબઈના કોઈપણ ખૂણેથી આ આઇટમ ટેસ્ટ કરવા અચૂક આવવું જોઈએ.”

આ પણ વાંચો: Sunday Snacks:મુંબઈના ટ્રાફિકમાં હેરાન થયા હશો, પણ ક્યારેય ટ્રાફિક ઢોસો ખાધો છે?

તો હવે આ રવિવારે ચોક્કસ જજો ભૂંગળા-બટેટા ખાવા. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

PS: મુંબઈમાં ભૂંગળા-બટેટા બીજે ક્યાં મળે છે? જાણતા હો તો લખી મોકલો અમને આ ઇ-મેઇલ પર – karan.negandhi@mid-day.com

life and style sunday snacks Gujarati food mumbai food indian food santacruz karan negandhi