Sunday Snacks: મુંબઈનું એક સદી જૂનું આ ઇરાની કૅફે કહે છે ‘બોમ્બે’ની વાર્તા

02 December, 2023 12:25 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં વાંચો એક સદી જૂના ઇરાની કૅફેની વાર્તા અને માણો ચા અને વેજ પફનો સ્વાદ

બી. મેરવાન ઍન્ડ કંપની

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

મુંબઈમાં ઈરાની કૅફેનો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. મુંબઈમાં આ કૅફેનો ઇતિહાસ લગભગ 200 વર્ષ જૂનો છે. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં સારી આર્થિક સંભાવનાઓની શોધમાં, જ્યારે ઝોરોસ્ટ્રિયન ઈરાની ઈમિગ્રન્ટ્સ ભારત આવ્યા તે સમયની આ વાત છે. ઈરાની સમુદાય મુખ્યત્વે ઝોરોસ્ટ્રિયનને ઈરાનમાં ધાર્મિક સ્થાપનાની પ્રતિષ્ઠાથી બચવા માટે ભારતમાં સ્થળાંતર કરવાની ફરજ પડી. મુંબઈ 19મી સદીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન બન્યું, જે સમૃદ્ધ શહેર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું.

પાકકળા અને આતિથ્યમાં વિશેષતા ધરાવતા આ ઈરાની વસાહતીઓએ નાની ડેલી અને ટી હાઉસ ખોલવાનું શરૂ કર્યું. આ જગ્યાએ મેનુમાં સામાન્ય રીતે ઈરાની અને ભારતીય પાકકળાનું અનોખું મિશ્રણ જોવા મળતું હતું. મેનૂમાં સામાન્ય રીતે ઈરાની ચા, બન મસ્કા અને વિવિધ પ્રકારની બેક્ડ વાનગીઓ અને ઈરાની શૈલીની કેકનો સમાવેશ થતો હતો.

સમય જતાં, આ કૅફેએ લોકપ્રિયતા મેળવી અને મુંબઈના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો અભિન્ન ભાગ બની ગયા. જોકે, હવે પરિસ્થિતિ વિપરીત છે, તાજેતરના સમયમાં ઘણા ઈરાની કૅફે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આધુનિક કૅફે અને રેસ્ટોરન્ટ્સની વધતી સ્પર્ધા, લોકોની આદતોમાં ફેરફાર અને શહેરીકરણને કારણે પડકારો ઘણા છે. આવું જ એક ઇરાની કૅફે પડકારો વચ્ચે મુંબઈના હૃદયમાં ધમધમી રહ્યું છે, જેણે ૧૦૯ વર્ષથી પોતાનું ઐતિહાસિક આકર્ષણને જાળવી રાખ્યું છે.

ગ્રાન્ડ રોડ સ્ટેશન (Grant Road)થી ઈસ્ટમાં બહાર નીકળતા જ – બરાબર સામે તમને મળશે ‘બી. મેરવાન & કંપની’ (B. Merwan & Co.) ઇરાની કૅફે. તમે કૅફેમાં અંદર જશો એટલે તાજી બનેલી માવા કેક, માવા પફ, જામ પફ અને તમામ પ્રકારના બિસ્કીટ અને બ્રેડની સુગંધથી જ તમારા મોઢમાં પાણી આવી જશે. બે મોટા દરવાજા અને અંદર લાકડાની ખુરસીઓ સાથે માર્બલનું ટેબલ આ કોઈપણ ઇરાની કૅફેની ઓળખ હોય છે.

ઇરાની કૅફેની વધુ એક ખાસિયત એ પણ છે કે અહીં બધી જ વસ્તુની કિંમત ખૂબ જ સામાન્ય હોય છે. માવા કેક, પફ અને બન મસ્કા જેવી આઇકોનિક અને સ્વાદિષ્ટ વાનગીઓમાંથી શું ટ્રાય કરવું એવી મૂંઝવણ તો એક ઘડી અમને પણ થઈ. એટલે પહેલાં તો ચાનો ઑર્ડર આપ્યો અને સાથે કંઈક ચટપટું ખાવા વેજ પફનું પણ ટોકન લઈ જ લીધું.

ચા અને પફ જેવી વાનગીઓ બનાવવામાં તો ઇરાની કૅફેની હથોટી હોય છે એટલે સ્વાદમાં મજા ન આવે એવું તો શક્ય જ નથી. એ ઉમેરવાની ખાસ જરૂર નથી કે અહીં બન મસ્કા પણ એટલું જ સરસ હોય છે. અહીંની દરેક વાનગીઓ તમે ચા સાથે માણી શકો છો. આ કૅફે મોટું છે એટલે ચાલુ દિવસોમાં તમને અહીં લોકો મીટિંગ કરતાં અને ‘ચાય પે ચર્ચા’ કરતાં પણ જોવા મળશે.

વર્ષ ૧૯૧૪માં શરૂ થયેલા કૅફેમાં કામ કરતો સ્ટાફ પણ દાયકાઓથી અહીં જોડાયેલો છે અને ઈચ્છે છે કે આ કૅફેને અવિરત સફળતા મળે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કૅફેના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની તરફથી પ્રતિભાવ મળ્યો નહીં. જોકે, જતાં-જતાં અમને એક વસ્તુ જરૂર મળી, કેશ-કાઉન્ટર પર ઘણી બધી ચોકલેટ્સ પણ મળે છે તમને પાકું તમારા બાળપણમાં લઈ જશે.

તો હવે આ રવિવારે આ ૧૧ દાયકા જૂના ઇરાની કૅફેની મુલાકાત જરૂર લેજો અને ચાની ચૂસકી સાથે નાસ્તો અને મિત્રો સાથે ગપસપ કરજો. હા, ચોકલેટ લેવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks mumbai food Gujarati food indian food life and style grant road karan negandhi