મકાઈનાં ઢોકળાં અને એ પણ બાફેલી મકાઈનાં!

13 October, 2022 02:53 PM IST  |  Mumbai | Sanjay Goradia

હા, રાધે ઢોકળાની આ સિગ્નેચર વરાઇટી છે, જે ખાધા પછી તમને થઈ આવે કે ખરેખર દુનિયાનાં બેસ્ટ ઢોકળાં જો કોઈ હોય તો એ આ જ છે.

મકાઈનાં ઢોકળાં અને એ પણ બાફેલી મકાઈનાં!

મિત્રો, હમણાં એક નવું નાટક આવ્યું, ટાઇટલ એનું ‘ગોળકેરી’. નાટકના લીડ ઍક્ટરમાં ખંજન ઠુંબર અને નમ્રતા પાઠક. આ થઈ બેઝિક વાત. હવે આવીએ મૂળ વાત પર. નવાં નાટકો તો આવતાં જ રહે, પણ આ ‘ગોળકેરી’ મારા માટે ખાસ છે. શું કામ ખાસ, એ વાત કહું. મારો કઝિન વિશાલ ગોરડિયા જે અત્યાર સુધી મારાં બધાં નાટકનાં પ્રોડક્શન સંભાળતો એ આ નાટકથી સ્વતંત્ર થયો અને આ નાટક પ્રસ્તુત કર્યું. સ્વાભાવિક છે કે આપણો નાનો ભાઈ આ કામ કરતો હોય તો તેની સાથે આશીર્વાદ હોય જ હોય. નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન વિશાલે મને અને મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીને એનાં રિહર્સલ્સ જોવા માટે કાંદિવલી બોલાવ્યા. 

અમે ગયા, રિહર્સલ્સ જોયાં અને ખરેખર મજા આવી ગઈ. બહુ સરસ નાટક, પણ આપણે નાટકનો રિવ્યુ નથી કરતા એટલે મૂળ ટૉપિક પર આવીએ. રિહર્સલ્સ જોયા પછી અમે નીકળતાં હતાં ત્યાં વિશાલે મને કહ્યું, ‘ચાલો, તમને મજા પડી જાય એવી જગ્યાએ નાસ્તો કરવા લઈ જાઉં.’ પત્યું. બકાસુરે આદેશ આપી દીધો, ‘જા, ચુપચાપ વિશાલ સાથે...’ અને સાહેબ હું તો થયો તેની સાથે રવાના.  

મને અને કૌસ્તુભને લઈને વિશાલ રાધે ઢોકળામાં અને મારો માંહ્યલો ખુશ-ખુશ. પહેલાં તમને આ રાધે ઢોકળાની દુકાન ક્યાં આવી એનું ઍડ્રેસ સમજાવી દઉં. કાંદિવલીમાં મહાવીરનગરની બાજુમાં સત્યાનગર છે, ત્યાં આ રાધે ઢોકળાની બહુ મોટી દુકાન છે. ગૂગલ કરશો તો પણ ઍડ્રેસ મળી જશે અને બાકી મહાવીરનગરમાં જઈને કોઈને પણ રાધે ઢોકળાનું નામ આપશો તો એ પણ તમને પહોંચાડી દેશે.

રાધેમાં જઈને મને ખબર પડી કે આપણે તો ઢોકળાં ખાવાનાં છે એટલે મને થયું કે એમાં શું હવે, ઢોકળાં એટલે ઢોકળાં. પણ ના સાહેબ, હું ખોટો હતો. આ અગાઉ ગાંધીનગરમાં પૂજાનાં ઢોકળાંની ફૂડ ડ્રાઇવ આપણે કરી હતી. મને મારી લાઇફમાં જો કોઈ ઢોકળાં બેસ્ટ લાગ્યાં હોય તો એ આ પૂજા પાર્લરનાં ઢોકળાં, પણ કદાચ એના જેવાં જ અને કાં તો, પૂજા કરતાં પણ સહેજ ચડિયાતાં કહેવાય એવાં ઢોકળાં રાધેનાં છે. તમને નવાઈ લાગશે પણ અમે જે ઢોકળાં ખાધાં એ ઢોકળાં ચણાના લોટનાં નહીં, મકાઈના હતાં. રાધે ઢોકળાંમાં આમ તો તમને ઘણી વરાઇટી મળશે. પાત્રાં, રસાવાળાં પાત્રાં, ઈદડાં, લીલું લસણ નાખીને વઘારેલા ઈદડાંથી માંડીને અહીં પંજાબી અને ગુજરાતી શાક પણ મળે છે અને એ પણ કિલોના ભાવે. ધારો કે તમે ઘરે પરોઠાં કે રોટલી બનાવી લો અને પછી નક્કી કરો કે શાક બહારથી મગાવવું છે તો તમને આ રાધેમાં કિફાયતી ભાવે શાક મળી જશે. ચાઇનીઝ પણ મસ્ત મળે છે.
રાધેનાં ઢોકળાં પર પાછા ફરીએ. 

અનેક વરાઇટી બનાવતા રાધેની જે સિગ્નેચર વરાઇટી છે એ છે, રાધે સ્પેશ્યલ ઢોકળાં, જે મકાઈમાંથી બનેલાં હોય છે. મકાઈમાંથી, મકાઈના લોટમાંથી નહીં. મકાઈને બાફીને એમાંથી બનાવ્યાં હોય એવાં આ ઢોકળાં આપવાની જે રીત હતી એ પણ અદ્ભુત છે. ગરમાગરમ ઢોકળાં પર સીંગતેલ નાખી, એના પર તજ અને લવિંગનો ઑરેન્જ કલરનો મસાલો છાંટે અને તમને આપે. સાહેબ, શું એ મસાલાનો સ્વાદ હતો. અનબિલીવેબલ. સાથે ચટણી પણ હોય, પણ એ ખાતી વખતે મને થયું કે આ તો ચટણી વિના પણ સાવ જ સરળતાથી ગળે ઊતરી જાય છે અને એ પણ જબરદસ્ત ટેસ્ટ સાથે.

ઢોકળાં સાથે જે ચટણી મળે છે એ ચટણી થિકનેસવાળી હતી. ખમણને ક્રશ કરીને બનાવેલી એ ચટણીમાં આદુ, મરચાં અને બીજા મસાલા નાખ્યા હતા તો એમાં ગળપણ પણ હતું. ઘાટ્ટો લીલો રંગ લાવવા માટે ચટણીમાં પાલકની ભાજી પણ નાખી હતી, પણ સાહેબ, પાલકનો કડવો સ્વાદ સુધ્ધાં ન આવે. ખરેખર એક વખત રાધેમાં જજો. રાધે સ્પેશ્યલ ઢોકળાં સિવાય અહીં ખમણ પણ બહુ સરસ છે અને નાઇલોન ઢોકળાં પણ સરસ છે. નાયલોન ખમણની હું બહુ સલાહ નથી આપતો, કારણ કે નાઇલોન ખમણને સ્પૉન્જી બનાવવા માટે એમાં ખૂબ સોડાખાર નાખવો પડતો હોય છે, જે શરીર માટે નુકસાનકર્તા છે. 

વાત કરતાં મને ખબર પડી કે આ રાધેની શરૂઆત સુરતમાં જ થઈ. આજે પણ સુરતમાં એની પાંચ બ્રાન્ચ છે, જ્યાં રોજ ૩૦૦૦ કિલો નાઇલોન વેચાય છે. આ દુકાન પણ સુરતના જ લોકો ચલાવી રહ્યા છે. કાંદિવલી જવાનું બને તો એક વાર રાધે સ્પેશ્યલ ઢોકળાં ખાજો, પછી તમને ઘરનાં ઢોકળાં નહીં ભાવે. 

columnists Sanjay Goradia