રસોબૉન્ગોની એકેક વરાઇટી ઓરિજિનલ બંગાળી ટેસ્ટ ધરાવે છે

20 October, 2022 04:08 PM IST  |  Mumbai | Sanjay Goradia

બેગુની કે પછી રાધાવલ્લભી ખાવા માટે હવે છેક બંગાળ સુધી લાંબા થવાની જરૂર નથી, આપણા મુંબઈમાં પણ આ વરાઇટી મળવા માંડી છે

રસોબૉન્ગોની એકેક વરાઇટી ઓરિજિનલ બંગાળી ટેસ્ટ ધરાવે છે

આપણે ગયા અઠવાડિયે વાત કરી મહાવીરનગર પાસે આવેલા સત્યાનગરના રાધે ઢોકળાંની. આ જ રાધે ઢોકળાથી આપણી ફૂડ ડ્રાઇવ આગળ વધવાની છે. રાધેમાં ઢોકળાં, પાતરાં અને લીલા લસણની ગ્રેવીવાળાં ઇદડાં ખાધાં અને પછી મને થયું કે હવે અંદર રહેલા બકાસુરને કંઈક ગળપણ આપવું જોઈએ અને મારી નજર પડી એકદમ સામે જ આવેલી રસોબૉન્ગો પર. આ રસોબૉન્ગો બંગાળની ખૂબ જ ફેમસ બ્રૅન્ડ છે અને દેશમાં અનેક જગ્યાએ એની ફ્રૅન્ચાઇઝીઓ પણ છે. મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીને સોંદેશ બહુ ભાવે. રસગુલ્લા તો ભાવે જ પણ એની ફેવરિટ આ સોંદેશ. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે આપણે આ સોંદેશનું પ્રનન્સિએશન સંદેશ કરીએ છીએ પણ એનો સાચો ઉચ્ચાર સોંદેશ છે.

સોંદેશ મને પણ બહુ ભાવે એટલે અમે તો ગયા રસોબૉન્ગોમાં. ત્યાં સોંદેશ તો હતા જ પણ ભાતભાતના રસગુલ્લા પણ હતા. બેક્ડ રસગુલ્લા પણ હતા અને જૅગરી એટલે કે ગોળની ચાસણીમાં રાખેલા રસગુલ્લા પણ હતા અને મિષ્ટી દોઈ (દહીં) પણ હતું અને એ પણ ગોળનું. વધારે મજા અમને ત્યારે આવી જ્યારે ત્યાં અમે ટિપિકલ બંગાળનાં હિંગ કચોરી, રાધાવલ્લભી, બંગાળી સમોસા, બેગુની, આલૂ ચાપ જોયાં. 

આપણે તો ચાલુ કર્યું ઑર્ડર આપવાનું અને સૌથી પહેલાં મગાવી રાધાવલ્લભી. રાધાવલ્લભીની વાત અગાઉ મેં કરી છે છતાંય સહેજ રીકૉલ કરાવી દઉં. મેંદાની પૂરી બનાવવાનો જે લોટ હોય એમાં મગની બાફેલી દાળ અને મસાલો નાખીને પૂરણ તૈયાર કરીને ભરવામાં આવે, પછી એ પૂરીને વણી નાખે. સહેજ કરકરી એવી એ પૂરી સાથે બટેટાની સબ્ઝી આપે. આ જે કૉમ્બો છે એને બંગાળમાં રાધાવલ્લભી કહે છે. 

મને તો આ નામમાં જ મજા આવી ગઈ છે. રસોબૉન્ગોની વાત કરીએ તો રાધાવલ્લભી બહુ સરસ હતી. એંસી રૂપિયામાં ચાર પૂરી અને પડિયો ભરીને શાક. રાધાવલ્લભી પછી મેં હાથ અજમાવ્યો હિંગ કચોરી પર અને સાહેબ, આહાહાહા... 

હિંગનો જે ટિપિકલ સ્વાદ અને કચોરીની ક્રન્ચીનેસ. પેટ તો પેલા રાધેના ઢોકળાથી ફુલ હતું જ પણ મારાથી રહેવાતું નહોતું એટલે મેં તરત ટ્રાય કરી બેગુની. આ બેગુની તમારા માટે નવી વરાઇટી હોઈ શકે છે. રીંગણાની સ્લાઇસ કરી એને ચણાના લોટમાં ઝબોળી ભજિયાની જેમ તળી નાખે અને એમ છતાં પણ એનો ટેસ્ટ આપણાં ભજિયાં કરતાં સાવ જ જુદો હોય. આ બેગુની ઓરિજિનલી બંગાળી દારૂના ઠેકા પર દેશી દારૂ સાથે ચખના તરીકે આપતા, પણ લોકોને એનો સ્વાદ એટલો ભાવવા માંડ્યો કે દારૂ ન પીતા લોકો પાર્સલ કરીને ઘરે લઈ જવા માંડ્યા અને પછી બેગુની બીજે બધે પણ મળવાનું શરૂ થઈ ગયું અને હવે તો બંગાળની ઓળખ પણ બની ગયું. 

રસોબૉન્ગોની બધી જ વરાઇટીનો સ્વાદ પણ એકદમ ઑથેન્ટિક અને એટલે જ મને થાય છે કે ગંગા ઘરની બાજુમાંથી વહેતી હોય તો પછી ચરણામૃત લીધા વિના કેવી રીતે રહી શકાય? આજે જ જાઓ, હમણાં જ જાઓ અને જઈને મિસ્ટી દોઈ, રસગુલ્લાથી માંડીને રાધાવલ્લભી, હિંગ કચોરી કે બેગુની કે પછી આલૂ ચાપ જે મન થાય એ ટ્રાય કરો અને હા, આ રસોબૉન્ગોની 
મુંબઈમાં પણ અનેક જગ્યાએ ફ્રૅન્ચાઇઝી છે એટલે પહેલાં એક વાર ગૂગલબાબાને પૂછી લો, જો તમારા ઘરની પાસે હોય તો ત્યાં, બાકી કાંદિવલી સત્યાનગરની ફ્રૅન્ચાઇઝી પર પહોંચી જાઓ અને ધારો કે ભાભીએ દિવાળીનું કામ કાઢીને પકડાવી દીધું હોય તો સ્વિગી-ઝોમૅટો ઝિન્દાબાદ. આજ કી શામ, રસોબૉન્ગો કે નામ.

columnists Sanjay Goradia