‘રજવાડું’ એટલે ખરા અર્થમાં તમારું રજવાડું

04 January, 2024 09:49 AM IST  |  Ahmedabad | Sanjay Goradia

લગભગ અઢી એકરમાં પથરાયેલી આ રેસ્ટોરાંમાં નેચરનું રાજ છે તો આપણી પરંપરાગત રીતભાતને પણ એટલું જ સન્માન આપવામાં આવ્યું છે અને સ્વાદમાં ઑથેન્ટિસિટીને સહેજ પણ છોડી નથી

સંજય ગોરડિયા અમદાવાદ ના રજવાડું હોટેલ ની મુલાકાતે

આ મહિને મારી નવી ફિલ્મ રિલીઝ થશે ‘કમઠાણ’, જેના પ્રમોશન માટે હમણાં મારે ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં જવાનું બને છે. હમણાં અમદાવાદમાં એનું પ્રમોશન હતું એટલે હું ત્યાં ગયો. અમદાવાદમાં એક રેસ્ટોરાં છે, નામ એનું ‘રજવાડું’. જીવરાજ ટોલનાકા પાસે આવેલી આ ‘રજવાડું’ રેસ્ટોરાંમાં હું અગાઉ અનેક વખત ગયો છું  અને મારે એના ફૂડનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવો પણ હતો પણ એવો કોઈ અવસર મળ્યો નહીં એટલે આ વખતે મેં નક્કી રાખ્યું કે કોઈ પણ ભોગે ‘રજવાડું’માં જવું અને તમારા સુધી એની વરાઇટીઓ લઈ આવવી.
‘રજવાડું’ એક યુનિક રેસ્ટોરાં છે. લગભગ અઢી એકરમાં ફેલાયેલી ‘રજવાડું’માં તમે દાખલ થાઓ ત્યારે તમને ખરેખર એવું જ લાગે કે અહીં પ્રકૃતિનું રજવાડું ચાલે છે. તમે પ્રવેશ કરો એટલે તમને અમુક ટ્રેડિશનલ ડાન્સ જોવા મળે તો તમને આપણી ટ્રેડિશનલ ક્રાફ્ટની આઇટમો પણ જોવા મળે. એક જગ્યાએ એ લોકોએ એવી પૉટરી બનાવી છે જ્યાં તમે જાતે માટલાં કે પછી માટીની બીજી કોઈ વરાઇટી બનાવવા માગતા હો તો બનાવી શકો. આ બધી ઍક્ટિવિટીમાં બહુ મજા આવે અને ફૅમિલી કે ફ્રેન્ડ્સ સાથે ગયા હો તો સરસ આઉટિંગ પણ થઈ જાય.

‘રજવાડું’માં દેશી ગુજરાતી ખાણું મળે અને ત્યાં આપણી દેશી પદ્ધતિ મુજબ જમીન પર બેસાડીને પણ જમાડે. તમે જમવા બેસો એટલે એક પછી એક આઇટમ આવતી જાય. અમે આઠથી દસ લોકોનું ગ્રુપ ગયું હતું એ સહેજ તમારી જાણ ખાતર. અમે બેઠા એટલે સૌથી પહેલાં તો છાશ આવી. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ અને એકદમ ઘટ્ટ છાશ. એ પછી આવ્યાં મકાઈ-પનીર સમોસા. પટ્ટી સમોસા એવા આ સમોસાના પૂરણમાં મકાઈની ક્રન્ચીનેસ હતી અને પનીરની સૉફ્ટનેસ. બહુ સરસ હતાં એ સમોસા. એ પછી આવ્યા મિક્સ ભાજીનાં મૂઠિયાં. આપણે મેથીની ભાજીનાં મૂઠિયાં ખાધાં હોય પણ આ મિક્સ ભાજીનાં મૂઠિયાંનો સ્વાદ જુદો અને અદ્ભુત હતો. સહેજ તીખાશ અને સહેજ ગળાશ ધરાવતાં આ મૂઠિયાં તમારે ચટણી સાથે ખાવાનાં. એ સિવાય પણ ઘણાંબધાં એપિટાઇઝર્સ પણ આવ્યાં અને એ પછી શાક પીરસવાનું શરૂ થયું. સૌથી પહેલાં આવ્યું ગુવાર-ઢોકળીનું શાક. અમારા ઘરે આ શાક ઘણી વાર બને છે એ તમને કહી દઉં. ડિટ્ટો ઘર જેવું જ શાક હતું એ. સ્વાદમાં કોઈ અતિરેક નહીં. બીજું એક શાક હતું રસાવાળા બટેટા. આ રસાવાળા બટેટા પણ અમારા ઘરે બને અને એના વિશે મેં મારા સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પણ વાત કરી છે, જે લોકોને બહુ ગમી હતી. ત્યાર પછી આવ્યું મકાઈ-ટમેટાનું ભરતું. બહુ ઓછું જોવા મળે એવા આ શાકનો સ્વાદ અદ્ભુત હતું. ટમેટામાં મકાઈનું પૂરણ ભરીને એ બનાવવામાં આવે છે. એ પછી જે શાક આવ્યું એ શાક પણ નેક્સ્ટ લેવલ હતું. ભીંડા-વટાણા. ગુજરાતી અને રાજસ્થાની કૉમ્બિનેશન ધરાવતા આ શાકમાં ભીંડાની સૉફ્ટનેસ હતી તો વટાણાની ક્રન્ચીનેસ હતી. આ શાક રાજસ્થાનમાં પણ હવે ચલણમાં આવી ગયું છે એવું લોકો કહે છે.

આ બધાં શાક સાથે તમને ઘઉંની ભાખરી કે આપણી ફુલકા રોટલી, જુવારના રોટલા અને બાજરીના રોટલા મળે. તમારે જે લેવું હોય એ લેવાની છૂટ. ભાખરી અને ફુલકા રોટીની એક ખાસ વાત કહું. આ પ્યૉર ઘઉંના લોટમાંથી બને છે, એમાં નામ પૂરતો પણ મેંદો ઉમેરવામાં આવતો નથી એટલે તમે ‘રજવાડું’ના ભાખરી કે રોટલી ખાઓ તો તમને એમાંથી ઘઉંની થૂલીની આછી સરખી સોડમ આવે અને સ્વાદ પણ આવે.

ગુજરાતી કઢી પણ હતી અને બેત્રણ પ્રકારના રાઇસ હતા તો સાથે બે મીઠાઈ હતી. એક તો રાજસ્થાની માલપૂઆ. તમે નક્કી કર્યું હોય કે મીઠાઈ ખાવી નથી અને માલપૂઆ જોયા પછી તમારી એ દૃઢતા ક્ષણવારમાં ઓગળી જાય અને માલપૂઆ પણ એવા જ, મોઢામાં મૂકો એટલે ઓગળી જાય. બીજી મીઠાઈ હતી ઘીથી લબથબ એવો લાઇવ મોહનથાળ. મોઢામાં રીતસર દેશી ઘીનો સ્વાદ રહી જાય એટલો સરસ.

‘રજવાડું’ થોડી મોંઘી રેસ્ટોરાં ખરી પણ કેટલીક રેસ્ટોરાંનો અનુભવ કરવો જરૂરી હોય છે, જેમાં આ ‘રજવાડું’ પણ આવી જાય. આવી જગ્યાએ એકલા જવાને બદલે ફૅમિલી કે ફ્રેન્ડ્સ સાથે જવાની મજા જુદી જ હોય છે. જમ્યા પછી ત્યાં રાખેલા ખાટલા પર મસ્ત મજાનો આરામ કરતાં વાતો કરો. જન્નત લાગે એવું કહેવાને બદલે હું કહીશ, તમને તમારું રજવાડું જ લાગે.
અમદાવાદ જાઓ ત્યારે ભૂલ્યા વિના ‘રજવાડું’માં જજો. બહુ મજા આવશે.

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના અંગત છે.

columnists Sanjay Goradia Gujarati food ahmedabad