જલેબી-ગાંઠિયાનું કૉમ્બિનેશન કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યું ખબર છે?

19 January, 2023 06:46 PM IST  |  Ahmedabad | Sanjay Goradia

અમદાવાદના ગાંધી રોડ પર આવેલી ચંદ્રવિલાસે માત્ર આ એક જ નહીં, કઢીચટણી અને ફાફડાનું કૉમ્બિનેશન પણ સૌની સામે પહેલી વાર મૂક્યું હતું જેની ખબર મને હું થાળી ખાવા ગયો ત્યારે પડી!

જલેબી-ગાંઠિયાનું કૉમ્બિનેશન કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યું ખબર છે?

આપણે લખનઉની ફૂડ-ડ્રાઇવની વાત કરી અને એ પછી હું લખનઉથી ફરી પાછો આવ્યો મુંબઈ. અગાઉ મેં કહ્યું છે એમ મારા પગમાં ભમરો છે જે મને ક્યાંય પગ વાળીને બેસવા દેતો નથી. એક પછી બીજા અને બીજા પછી ત્રીજા શહેરમાં જવાનું બન્યા જ કરે. 

મુંબઈ પહોંચ્યો અને ત્યાં આવીને અમદાવાદની નાટકની ટૂર એટલે હું તો જોડાયો મારા નાટકની ટૂરમાં. જોકે મિત્રો, જ્યારે આવી નાટકની ટૂર આવે ત્યારે હું મૂંઝવણમાં મુકાઉં, કારણ કે ટૂર દરમ્યાન મારા મનમાં પહેલો વિચાર એ આવે કે હવે મારે બપોરે જમવાનું શું કરવાનું? 

હું ડાયાબેટિક માણસ એટલે બપોરે જમવામાં થાળી ખાવા જઉં તો કન્ટ્રોલ ન રહે અને મારો ડાયાબિટીઝ શૂટ થાય. ડાયાબિટીઝવાળા મારા વાચકમિત્રોને મારી એક અંગત સલાહ છે કે તેમણે ક્યારેય બુફેમાં કે અનલિમિટેડ થાળીમાં જમવા જવું નહીં. બુફે કે અનલિમિટેડ થાળીમાં બને એવું કે વધારે ખવાઈ જાય અને શુગર લેવલ શૂટ-અપ થાય. મેં તો વર્ષોથી નિયમ રાખ્યો છે કે શક્ય હોય ત્યાં સુધી બુફે કે અનલિમિટેડ થાળી અવૉઇડ કરવી. જોકે અમદાવાદમાં મારા નાટકના સાથી-કલાકાર નીલેશ પંડ્યાએ મને કહ્યું, ‘ચાલો સંજયભાઈ, આપણે થાળી ખાવા જઈએ. હું તમને મસ્ત જગ્યાએ ખાવા લઈ જઉં. જલસો પડે એવી થાળી છે.’ 

જલસો શબ્દ અને ડાયાબિટીઝનો વ્યાધિ. 

એક વાત મોઢામાં મધલાળ આપે અને બીજી વાત મને ચિંતા કરાવે, પણ હું તો જાત પર કાબૂ કરીને કમને તૈયાર થયો અને અમે હોટેલમાંથી નીચે આવ્યા એટલે નીલેશ પંડ્યાએ રિક્ષાવાળાને કહ્યું કે ગાંધી રોડ લઈ લે. આ ગાંધી રોડ જે છે એ કાળુપુર સ્ટેશનની નજીકમાં છે. અહીં ચંદ્રવિલાસ નામની ૧૨૧ વર્ષ જૂની રેસ્ટોરાં છે, જેમાં મને નીલેશ લઈ ગયો. 

ચંદ્રવિલાસની વાત કહું. એ કોઈ પૉશ રેસ્ટોરાં નહીં અને એની થાળીની કૉસ્ટ પણ એવી કોઈ મોંઘીદાટ નહીં, કારણ કે એ લિમિટેડ થાળી છે. થાળીમાં તમને બે શાક, કઠોળ, પાંચ રોટલી, દાળ, ભાત અને એવુંબધું આપે. બીજી વાર દાળ-શાક માગો તો પણ પ્રેમથી આપે. સાહેબ, ખાવાનું ચાખીને જ મજા આવી ગઈ. એકદમ ટિપિકલ ગુજરાતી થાળી. ગળચટ્ટી દાળ અને બટાટાનું જે રસાવાળું શાક હતું એ પણ ગળપણવાળું. સ્વાદમાં તો ચંદ્રવિલાસે મજા કરાવી જ, પણ ત્યાં બેસીને જે કંઈ જાણવા મળ્યું એ બધું પણ અદ્ભુત હતું.

મેં એ રેસ્ટોરાંમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલથી લઈને રાજ કપૂર અને એક સમયે ગુજરાતી ફિલ્મોમાં પોતાના નામનો ડંકો વગાડી દેનારા ઍક્ટર અસરાનીના ફોટો જોયા, જેમણે આ જગ્યાની મુલાકાત લીધી હતી. પૂછપરછ કરી તો ખબર પડી કે ગાંધીજી રૂબરૂ નહોતા આવ્યા, પણ સરદાર પટેલ રેગ્યુલરલી ચા-નાસ્તો કરવા ચંદ્રવિલાસમાં આવતા. 

આ પણ વાંચો : ચાય પે ચર્ચા : સ્વાદ અને જ્ઞાનનો અદ્ભુત સંગમ

આ ચંદ્રવિલાસની શરૂઆત ૧૨૧ વર્ષ પહેલાં ચીમનલાલ જોષીએ કરી હતી, જેમની ત્રીજી પેઢી અત્યારે રેસ્ટોરાં સંભાળે છે. શરૂઆત એ લોકોએ ચાથી કરી હતી. રોજના તેઓ અઢાર હજાર કપ વેચતા એવી પણ મને ત્યાંથી ખબર પડી. ચીમનલાલ જોષીના પૌત્ર સાથે વાત કરતાં એ પણ ખબર પડી કે આપણે આ જલેબી-ફાફડા ખાઈએ છીએ એ જે કૉમ્બિનેશન છે એનું જનક આ ચંદ્રવિલાસ હોટેલ. એ પહેલાં ક્યારેય ફાફડા સાથે જલેબી કે જલેબી સાથે ફાફડા ખવાય એવું હતું નહીં, પણ ચંદ્રવિલાસે એ કૉમ્બિનેશન ઇન્ટ્રોડ્યુસ કર્યું અને પછી પ્રથા પડી ગઈ.

ગાંઠિયા સાથે જે કઢીચટણી આપવામાં આવે છે એ કૉમ્બિનેશન પણ આ ચંદ્રવિલાસ હોટેલે જ શરૂ કર્યું. મને ખરેખર થયું કે બહુ સારું થયું કે હું અહીં રૂબરૂ આવ્યો. સ્વાદ અને જ્ઞાનનો એવો ડોઝ મળ્યો જેની મેં કલ્પના સુધ્ધાં નહોતી કરી. 

ચંદ્રવિલાસ રેસ્ટોરાં હંમેશાં ભરેલી અને અવરજવર સાથેની જ જોવા મળે. એનું કારણ પણ છે. એ જે રોડ પર આવી છે એ ગાંધી રોડ પર વેપારી પ્રજા ખૂબ હોય. બહારગામથી આવેલા લોકોની સાથોસાથ રેસ્ટોરાંની નજીકના વેપારીઓ માટે ચંદ્રવિલાસ ઘર જેવી છે. બપોરે અહીં જમવા માટે તેઓ એવી રીતે આવી જાય જાણે ઘરે આવતા હોય. હું તો કહીશ કે તમે પણ ઘર સમજીને આવો અને અમદાવાદના ગાંધી રોડ પર આવેલી આ ચંદ્રવિલાસમાં ઍટ લીસ્ટ ચા પીને સરદાર પટેલની યાદ તાજી કરો અને ધારો કે થાળી ખાધી તો-તો તમારી અંદર તૃપ્તિ થવાની જ થવાની.
મારી ગૅરન્ટી.

columnists Sanjay Goradia ahmedabad Gujarati food