હેલ્ધી ફૂડ માટે રસ્તા શોધવામાં આમનો જોટો ન જડે

16 September, 2020 01:27 PM IST  |  Mumbai | Darshini Vashi

હેલ્ધી ફૂડ માટે રસ્તા શોધવામાં આમનો જોટો ન જડે

રૂપા શાહ

રૂપા શાહને રસોઈ તો બધી આવડે પરંતુ લૉકડાઉનમાં બધી જૂની રેસિપીને ઇનોવેટિવ કેવી રીતે બનાવવી એ તેમણે શીખી લીધું.આપણા ગુજરાતીઓના ઘરમાં તળેલું અને મસાલેદાર ખાવાનું બહુ બને છે, જે હેલ્થને નુકસાન કરે છે. એટલે હું આ બધામાંથી મસાલા અને ઑઇલ કેટલાં દૂર કરી શકું એની કોશિશ કરતી રહ્યું છું એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતાં રૂપા શાહ કહે છે, ‘હું વધારે હેલ્થને ધ્યાનમાં રાખીને રેસિપી બનાવતી રહું છું. જેમ કે વેજિટેબલ્સ પરાઠાં ફ્રૅન્કી, રવાનાં વેજિટેબલ્સ ઢોકળાં અને રોસ્ટેડ સમોસા જેવી ડિશ મેં બનાવી છે જે બધાને ખૂબ ભાવી પણ છે. એમાંની એક મિની બ્રેડ રોસ્ટેડ સમોસાની રેસિપી અહીં શૅર કરું છું.’

મિની બ્રેડ રોસ્ટેડ સમોસા


સામગ્રી : ૫-૬ બ્રેડની સ્લાઇસ (મોટા અથવા નાના કોઈ પણ), ૧ કૅપ્સિકમ બારીક સમારેલું, ૧૦૦ ગ્રામ બાફેલી મકાઈના દાણા, ૨૦૦ ગ્રામ પનીર, આદું-લસણની પેસ્ટ, ચાટ મસાલો, મીઠું, બટર, એક ચમચી મેંદો
રીત : સૌથી પહેલાં સમોસાની અંદર ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લેવું જેના માટે એક બાઉલમાં ખમણેલું પનીર, કૅપ્સિકમ, મકાઈના દાણા, ચાટ મસાલો, મીઠું, આદું-લસણની પેસ્ટને તમારા ટેસ્ટ મુજબ નાખી એને સરખી રીતે મિક્સ કરી લો. હવે સમોસાના બહારના પડને રેડી કરવા માટે બ્રેડની સ્લાઇસ લેવી. એની કૉર્નર કાઢી લેવી. હવે જે રીતે રોટલી વણીએ છીએ એવી રીતે આ સ્લાઇસને વણી લેવી. હવે સ્લાઇસને વચ્ચેથી એવી રીતે કાપી લો જેથી બે ત્રિકોણ આકારની સ્લાઇસ બને. હવે એક ત્રિકોણ આકારની સ્લાઇસ લઈને એની અંદર તૈયાર કરેલું પૂરણ ભરો. હવે એને સમોસાનો આકાર આપીને સ્લાઇસની કૉર્નરને બધી બાજુએથી બંધ કરી દેવી. સ્લાઇસની કૉર્નરને ચીપકાવવા માટે મેંદાના લોટની સરી બનાવવી જે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ ન હોવી જોઈએ. આ સરીને બ્રેડની કૉર્નર પર લગાડી દેવી અને સમોસાનો શેપ તૈયાર કરી લેવો. આમ બધાં સમોસા બનાવી લેવાં. હવે એક પૅનમાં થોડું બટર નાખી આ સમોસાંને બધી બાજુએથી શેકી લો. આમ હેલ્ધી અને ઝટપટ સમોસાં રેડી થઈ જશે, જેને સૉસ અથવા ચટણી સાથે સર્વ કરી શકાય.

Gujarati food indian food mumbai food darshini vashi life and style