26 December, 2023 12:35 PM IST | Mumbai | Heena Patel
ઘી-કૉફી
આજકાલ ઘી-કૉફી ખૂબ ટ્રેન્ડ કરી રહી છે અને એનું કારણ એ છે કે ભૂમિ પેડણેકર, રકુલ પ્રીત સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, જૅકલિન ફર્નાન્ડિસ જેવી સેલિબ્રિટીઝ તેમના દિવસની શરૂઆત આ કૉફી પીને કરે છે એવું સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. આમ તો આયુર્વેદમાં પણ ખાલી પેટ ઘી ખાવાની સલાહ આપવામાં આવી છે એવામાં ઘી-કૉફી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી સારી છે અને એની આડઅસર શું થઈ શકે એ જાણવું પણ જરૂરી બની જાય છે તો ચાલો આ વિશે હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ.
પશ્ચિમની બુલેટપ્રૂફ કૉફીનું આ ઇન્ડિયન વર્ઝન છે એમ જણાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે ‘આપણે જેને ઘી કૉફી કહીએ છીએ એ બુલેટપ્રૂફ કૉફી કહેવાય છે. ઇન્ડિયામાં ટ્રેન્ડમાં આવી રહેલો કીટોજેનિક ડાયટનો આ એક ભાગ છે. આ એક એવી સ્પેશ્યલ ટાઇપની ડાયટ છે જે પ્રોફેશનલ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કરાય. ઇન્ડિયામાં આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાં કીટોજેનિક ડાયટ યુઝ થતી હતી પણ એ ફક્ત એપિલેપ્સીના પેશન્ટ પર જ યુઝ થતી હતી. હવે તે વેઇટલૉસ અને ફિટનેસ માટે યુઝ થાય છે. બુલેટપ્રૂફ કૉફી એક કીટોજેનિક ફૂડ છે, કારણ કે કીટોજેનિક ડાયટ એટલે જેમાં ખૂબ ઊંચી માત્રામાં ફૅટ લેવાની અને ખૂબ ઓછા કાર્બોહાઇડ્રેટ. લગભગ ૭૫-૮૦ ટકા ફૅટ અને ૧૦-૧૫ ટકા કાર્બોહાઇડ્રેટ. કીટોજેનિક ડાયટને લઈને અનેક વૈજ્ઞાનિક દાવાઓ કરવામાં આવે છે અને એમાં હજી પણ રિસર્ચ ચાલુ છે. હમણાં સુધી જે પણ રિસર્ચ થયાં છે એ ન્યુરોલૉજીની દૃષ્ટિએ થયાં છે. વેઇટલૉસ પર્સ્પેક્ટિવથી જે રિસર્ચ થઈ રહ્યાં છે એ હજી ચાલુ છે. એવું ઘણું છે જે રિસર્ચ કરવાનું બાકી છે.’
ઘી-કૉફીના ફાયદા
આના કેટલાક બેનિફિટ છે જે જોવા મળ્યા છે એની વાત કરીએ તો ઘી કૉફી તમને લાંબા સમય સુધી એનર્જી આપે. કૉફીમાં કૅફીન હોય છે અને કૅફીન તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે એમ જણાવતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘આમાં તમે ઘી ઍડ કરી રહ્યા છો. એટલે કૅફીન અને ફૅટના કૉમ્બિનેશનને કારણે લૉન્ગ લાસ્ટિંગ એનર્જી મળે છે. ફૅટ પોતે એક રિચ સોર્સ ઑફ એનર્જી છે. જનરલી સાદી કૉફીમાં તમને થોડા ટાઇમ સુધી જ ફીલગુડ થાય એ પછી એનર્જી ક્રૅશ થાય. બુલેટપ્રૂફ કૉફીનું રેગ્યુલર સેવન કરવાથી એ કૉગ્નિટિવ ફંક્શનમાં હેલ્પ કરે. તમારા બ્રેઇનમાં ઘણાંબધાં ફૅટ સોલ્યુબલ કેમિકલ્સ અને ફૅટ સોલ્યુબલ વિટામિન્સ હોય; જે તમારાં થિન્કિંગ પ્રોસેસ, કૉન્સન્ટ્રેશન ઇમ્પ્રૂવ કરે. હવે એ તો બધાને ખબર છે કે કૅફીન તમને અલર્ટ રાખીને તમારું ફોકસ ઇમ્પ્રૂવ કરે. ઓમેગા થ્રી ફૅટી ઍસિડ હોય છે એ બ્રેઇન ફંક્શન માટે જરૂરી છે, જે ઘીમાં જોવા મળે છે. એટલે એવો દાવો કરાય છે કે ઘી-કૉફીની અસરથી મેન્ટલ ક્લૅરિટી વધે છે. એક ગ્રામ ફૅટ નવ કૅલરી આપે. તમે કૉફીમાં ઘી નાખો ત્યારે એ એક હાઈ ફૅટવાળી કૉફી તૈયાર થાય છે જે તમને એપેટાઇટ કન્ટ્રોલમાં મદદ કરે છે. એટલે કે ઘી કૉફી પીધા બાદ તમને તમારું પેટ ભરેલું લાગશે. એટલે વારંવાર સ્નૅક્સ ખાવાની ઇચ્છા થાય એ નહીં થાય. એ સિવાય આપણા શરીરમાં ચાર પ્રકારના ફૅટ સોલ્યુબલ વિટામિન્સ હોય છે. વિટામિન એ, ડી, ઈ અને કે. ઘી જે એક પ્રકારની ફૅટ જ છે એ તમને વિટામિન્સ ઍબ્સૉર્બ કરવામાં મદદ કરે છે. એટલે જ ઘણા ડૉક્ટર્સ વિટામિન ડીનાં સપ્લિમેન્ટ્સને ફૅટ બેઝ સાથે લેવાની ઍડ્વાઇઝ આપે છે, કારણ કે એનું બેટર ઍબ્સૉર્પ્શશન થઈ શકે. કીટોજેનિક પર્સ્પેક્ટિવથી વાત કરીએ તો એ હાઈ ફૅટ, લો કાર્બોહાઇડ્રેટ અને મૉડરેટ પ્રોટીન ડાયટ હોય છે. એટલે ઘી કૉફી એક આઇડિયલ કીટોજેનિક ડાયટ છે. બીજું એ કે એ ઈઝીલી અવેલેબલ છે.’
આ છે નુકસાન
ઘી-કૉફીનો સૌથી મોટો ગેરફાયદો હાઈ કૅલરી ઇનટેક છે. એટલે એનું વધુપડતું સેવન કરવાથી તમે ઓબેસિટીનો શિકાર બની શકો છો અને એને કારણે બીજી પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત બીમારી જેમ કે બ્લડ-પ્રેશર વધવું, ડાયાબિટીઝના ચાન્સિસ, કૉલેસ્ટરોલ લેવલ વધી શકે છે એવી ચેતવણી આપતાં ડાયટિશ્યન અપેક્ષા ઉમેરે છે, ‘જનરલી કીટોજેનિક ડાયટ શરૂ કરતાં પહેલાં તેમના બ્લડમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ, ડાયાબિટીઝ વગેરે ટેસ્ટ કરવી જરૂરી હોય છે. એટલે એક્સપર્ટ ઍડ્વાઇઝ હેઠળ જ કીટોજેનિક ડાયટ પર જવું જોઈએ. આયુર્વેદમાં કહેવામાં આવ્યા મુજબ ઘી સ્વાસ્થ્ય માટે સારું છે, પણ એ માપમાં લેવામાં આવે તો જ ફાયદો પહોંચાડે છે. ઘીમાં સૅચ્યુરેટેડ ફૅટ હાઈ હોય છે. બૉડીમાં એનું પ્રમાણ વધી જાય તો કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદયરોગ સંબંધિત જોખમ રહે છે. ઘણી વાર ડાયટમાં હાઈ ફૅટનો સમાવેશ કરો છો ત્યારે એ બધાને હજમ થાય એ જરૂરી નથી. પરિણામે ડાયેરિયા, અપચો, પેટમાં દુખાવો જેવી સમસ્યા થાય છે. કૅફિન અને ફૅટ ગટ-ફ્રેન્ડ્લી ફૂડ નથી. તમે ન્યુટ્રિયન્ટ લો પણ તમારાં આંતરડાં એ ડાઇજેસ્ટ જ ન કરી શકે તો તમારા શરીરમાં ન્યુટ્રિયન્ટ ઇમ્બૅલૅન્સ સર્જાઈ શકે છે.’
ઘી-કૉફીનું મૂળ ક્યાં?
આપણા પાડોશી દેશ તિબેટમાં યાક-બટર કૉફી સદીઓથી પિવાતી આવી છે એ આ બુલેટપ્રૂફ કૉફીનું મૂળ કહેવાય છે. જોકે એને બુલેટપ્રૂફ નામ અમેરિકાના ડેવ એસ્પ્રે નામના ભાઈએ આપ્યું છે અને તેમને પણ આ ફૅટની સાથે કૉફી મિક્સ કરવાનો આઇડિયા તિબેટમાંથી જ મળ્યો છે.