કઢી-પકોડા ઉપવાસમાં ન ખવાય, પણ ફરાળી રીતે બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ લાગશે

18 August, 2019 10:12 AM IST  |  મુંબઈ ડેસ્ક | પૂજા સાંગાણી - ફૂડ ફન્ડા

કઢી-પકોડા ઉપવાસમાં ન ખવાય, પણ ફરાળી રીતે બનાવશો તો ખૂબ સ્વાદિષ્ટ લાગશે

મોરૈયા

ફૅન્ટૅસ્ટિક ફરાળ

ફરાળી વાનગીઓમાં તો હવે એટલીબધી વરાઇટી આવી ગઈ છે કે ઉપવાસમાં ન ખવાય એવી વાનગીઓ પણ હવે ફરાળી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આજે આપણે વાત કરીશું ફરાળી કઢી-પકોડાની. હા, સાચું વાચ્યું તમે. કઢી-પકોડા પણ ફરાળી હોઈ શકે અને તમે એની મજા લઈ શકો છો. અમદાવાદનાં મીના શાહે આ રેસિપી મોકલાવી છે.

આપણા નિયમ પ્રમાણે પહેલાં અલકમલકની વાતો કરીએ. કઢી-પકોડા મુખ્યત્વે ઉત્તર ભારતનું ખૂબ લોકપ્રિય વ્યંજન છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ નિયમિત મેન્યૂમાં એનો સમાવેશ થાય છે. રાજસ્થાન થઈને ઉત્તર ભારત તરફ પ્રવાસ કરો ત્યારે હાઇવે પરના ઢાબામાં કઢી-ચાવલ મળે. એકદમ ધમધમાટ તીખી અને ગરમ કઢી અને ભાત સર્વ કરે. કોઈક સાદી હોય, જ્યારે કોઈકમાં પકોડા એટલે કે ચણાના લોટનાં ડપકાં નાખેલાં હોય છે; જે પરોઠાં, રોટલા અને ભાખરી સાથે ખવાય. તો ચલો આજે આપણે જાણીએ ફરાળી કઢી-પકોડાની રીત. એ મોરૈયો અથવા રાજગરાની પૂરી કે થેપલા સાથે ઉત્તમ લાગશે.
(આજે ફરાળી વાનગીઓનો રસથાળ અહીં સમાપ્ત કરીએ છીએ.)

કઢી-પકોડા

સામગ્રી 
પકોડા માટે 
ફરાળી લોટ - 1 કપ
લાલ મરચું - 1/2 ટી-સ્પૂન
દહીં - 1/4 કપ
કોથમીર - 2 ટી-સ્પૂન 
સિંધાલૂણ - સ્વાદ મુજબ
ખાવાનો સોડા - એક ચપટી જેટલો 
તેલ - તળવા માટે 
કઢી માટે 
દહીં - 1 કપ
પાણી - 1 કપ
ફરાળી લોટ - 3 ટી-સ્પૂન 
આદું-મરચાંની પેસ્ટ - 1 ટી-સ્પૂન 
વઘાર માટે જીરું -1 ટી-સ્પૂન 
આખું લાલ મરચું - 1 નંગ
તેલ - 1 ટી-સ્પૂન 
મીઠો લીમડો - 10 પત્તાં 
સિંધાલૂણ - સ્વાદ મુજબ 

બનાવવાની રીત 
પકોડા બનાવવા માટે સૌપ્રથમ એની તમામ સામગ્રી ભેગી કરીને ભજિયાં જેવું ખીરું તૈયાર કરવું. તેલ ગરમ કરીને ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવાં અને બાજુમાં રાખી દેવાં.
ત્યાર બાદ કઢી તૈયાર કરવા માટે દહીં, પાણી, મરચા-પાઉડર અને ફરાળી લોટ એકરસ કરી લેવા અને પાતળું ખીરું તૈયાર કરવું. એક તવીમાં તેલ લઈને ગરમ કરવું અને ગરમ થાય એટલે પાતળું કઢીનું ખીરું ઉમેરવું. કઢી ઊકળવા માંડે એટલે તેલ ગરમ કરીને એમાં જીરું, લીમડો અને આખા મરચાનો વઘાર કરી દેવો. 
ત્યાર બાદ એમાં પકોડા નાખીને ૧૦ મિનિટ ઉકાળવું અને પછી કોથમીર નાખીને સર્વ કરવું. 

મોરૈયાની ખીચડી

સામગ્રી
મોરૈયો - 200 ગ્રામ
શેકેલી શિંગનો અધકચરો ભૂકો - 40 ગ્રામ
બટાટા બાફેલા - 2 નંગ
તેલ -  2 ટી-સ્પૂન વઘાર માટે
જીરું - 1 ટી-સ્પૂન 
લીલાં મરચાંના ટુકડા - 1 કે 2  નંગ
આદુંની પેસ્ટ - 1/2 ટી-સ્પૂન 
લાલ મરચું  -1/2 ટી-સ્પૂન 
પાણી -  1/2થી 2 ગ્લાસ
મીઠા લીમડાનાં પત્તાં - 5 નંગ
ઝીણી સમારેલી કોથમીર - 1/2 ટી-સ્પૂન  
સિંધાલૂણ - સ્વાદ અનુસાર 

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

બનાવવાની રીત
સૌપ્રથમ બાફેલા બટાટાના નાના ટુકડા કરો. પછી મોરૈયાને ધોઈને ૧૦ મિનિટ પાણીમાં પલાળી લો. હવે એક વાસણમાં બે ટેબલ-સ્પૂન તેલ વઘાર માટે ગૅસની ધીમી આંચે ગરમ કરવા મૂકો. એમાં ૧ ટેબલ-સ્પૂન જીરું નાખો. જીરું તતડે એટલે એમાં મરચાંના ટુકડા, આદુંની પેસ્ટ, લીમડો નાખો. પછી બટાટાના ટુકડા નાખી ચડવા દો. એક વાર સરખી રીતે બધું મિક્સ કરો. હવે એમાં દોઢથી બે ગ્લાસ પાણી ઉમેરો. પાણી ગરમ થઈ ગયા બાદ એમાં મોરૈયો તથા શિંગદાણાનો અધકચરો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાંનો પાઉડર નાખો અને ઉપર કોથમીર નાખી ગૅસની ધીમી આંચ ઉપર મૂકી, થોડી-થોડી વારે હલાવતા રહો. મોરૈયો ચડી જાય પછી ગૅસને બંધ કરી દો. મોરૈયો ખીચડીને ગરમ-ગરમ ફરાળી કઢી-પકોડા સાથે પીરસો.

Gujarati food indian food mumbai food