જન્માષ્ટમીના દિવસે ઊજવો કૃષ્ણજન્મોત્સવ ટેસ્ટી અને ઇઝી ફરાળી કેક સાથે

16 August, 2019 11:14 AM IST  |  મુંબઈ ડેસ્ક | પૂજા સાંગાણી - ફૂડ ફન્ડા

જન્માષ્ટમીના દિવસે ઊજવો કૃષ્ણજન્મોત્સવ ટેસ્ટી અને ઇઝી ફરાળી કેક સાથે

ફરાળી કેક

ફૅન્ટૅસ્ટિક ફરાળ

હેલો કેમ છો મિત્રો, સૌને જન્માષ્ટમીના જયશ્રી કૃષ્ણ. શ્રાવણ સુદ આઠમની રાતે ૧૨ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવામાં આવશે. ઠેર-ઠેર મંદિરોમાં પૂજા થશે, લાલાને પારણે ઝુલાવશે. શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ એટલે કે લાલજીમહારાજને જાતજાતનાં વ્યંજન ખૂબ ભાવે એટલે જ હવેલીઓમાં અન્નકૂટ અને અવનવા પ્રસાદ મળે છે. રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજી એટલે કે નાથદ્વારા જાઓ તો બદામ પાક, કેસર પાક, મઠડી, મોહનથાળ, કોપરા પાક અને મગશ સહિતની જાતજાતની મીઠાઈઓ પ્રસાદ સ્વરૂપે પ્રભુને ધરાવાય છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ પોતાના ઘરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે જન્મદિવસમાં કેક કાપતા હોઈએ તો લાલજીમહારાજ માટે કેમ નહીં? આથી તો ચાલો આજે આપણે ફરાળી કેકની રેસિપી જાણીશું.

ફરાળી કેક

સામગ્રી
સફેદ માખણ - ૬૦ ગ્રામ 
દહીં - ૨ ચમચી 
કન્ડેન્સ મિલ્ક - ૨૦૦ ગ્રામ 
શિંગોડાનો લોટ અથવા ફરાળી મિક્સ લોટ - ૧૦૦ ગ્રામ 
ગરમ દૂધ - જરૂર મુજબ
ખાવાનો સોડા – જરૂર મુજબ
નમકના નાના ગાંગડા -જરૂર મુજબ
ડ્રાયફ્રૂટ પસંદગી પ્રમાણે (અહીં અખરોટનો ઉપયોગ કર્યો છે)
ખાંડની ચાસણીવાળી નારંગી અથવા પાઇનૅપલ (ખાંડના પાણીમાં નારંગીને મનગમતા આકારમાં કાપી એક દિવસ હેલાં પલાળી દેવાં અથવા પાઇનૅપલનો તૈયાર ડબ્બો મળે છેએ લેવો).

રીત
સૌપ્રથમ એક બોલમાં માખણ, દહીં અને કન્ડેડેન્સડ મિલ્ક નાખી ખૂબ હલાવીને મુલાયમ કરવું. પછી શિંગોડાનો લોટ મિક્સ કરી સરસ રીતે એક જ બાજુએથી બરાબર હલાવવું. તમામ સામગ્રી સારી રીતે મિક્સ કરી લેવી. પછી એમા ગરમં દૂધ નાખવું જેને કારણે કેકનું બેટર એટલે કે ખીરું તૈયાર થઈ જશે. આ બેટર માપસરનું જાડું રાખવું અને બહુ પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખવું. એકરસ થઈ ગયેલા બેટરમાં ચપટીક જેટલો ખાવાનો સોડા નાખીને હલાવી લેવું. સોડા નાખવાથી બેટર એકદમ ફૂલી જશે. એના ઉપર અખરોટ મૂકી દેવાં. 

જો ઘરે માઇક્રોવેવ અવન હોય તો માઇક્રોવેવને કન્વેક્શન મોડમાં રાખીને પહેલાં ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ પ્રી-હીટ કરો અને જે વાસણમાં કેકનું બેટર નાખવું હોય તએને માખણથી ગ્રીસ કરી લઈ પછી અંદર બેટર ઉમેરીને વનમાં મૂકી દો. ૨૦થી ૩૦ મિનિટ કુક થવા દો. ત્યાર બાદ ટૂથપિક અથવા ચપ્પુ નાખી ચેક કરો અને એ કોરું બહાર આવે તો સમજજો કે કેક થઈ ગઈ છે. રૂમ-ટેમ્પચેર જેટલી કેક ઠંડી થઈ જાય એટલે એને અનમોલ્ડ કરી લેવી. 

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

કુકરમાં બનાવવી હોય તો :  રસોઈમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતું કુકર લઈને એમાં એનું તળિયું ઢંકાઈ જાય એટલું ગાંગડા નમક નાખીને ગૅસ પર ગરમ કરવા મૂકવું. સામાન્ય હુંફાળું થઈ જાય એટલે આની વચ્ચે કાંઠલો (સ્ટીલ અથવો લોખંડની રિંગ જેના પર પાણીનું માટલું મુકાય છે) ગોઠવીને ઉપર કેકના બેટરવાળું વાસણ મૂકવું. હવે કુકરનું ઢાકણું બંધ કરવું અને કુકરની સીટી કાઢી નાખવી. હવે એને ૨૫થી ૩૦ મિનિટ સુધી ધીમા ગૅસ પર રાખવું. કેક થઈ ગઈ છે કે નહીં એ ચેક કરવા માટે ચપ્પુને કેકમાં નાખીને બહાર કાઢો. જો ચપ્પુને કેક ન ચોંટે તો કેક રેડી છે. સજાવવા માટે કેરેમલાઇઝ્‍ડ કરેલી નારંગી અથવા પાઇનૅપલ મૂકી દેવાં. ફરાળી ફ્રોસ્ટિંગથી પણ કેક સજાવી શકાય છે.

નોંધ: ફરાળી આઇસ ફ્રોસ્ટિંગ કરવું હોય તો મલાઈને ઝડપથી અને સતત ફેટવું અને એમાં ૩ ચમચી દળેલી ખાંડ નાખી ફરીથી ફેટવું. ક્રીમ જેવું થાય પછી અડધો કલાક માટે ફ્રિજમાં મૂકવું. પછી કેક પર લગાવી શકાય.

Gujarati food mumbai food indian food