મમ્મી મારીએ મને બનાવ્યો માસ્ટર શેફઃ વિપુલ મહેતા

04 December, 2019 12:26 PM IST  |  Mumbai

મમ્મી મારીએ મને બનાવ્યો માસ્ટર શેફઃ વિપુલ મહેતા

વિપુલ મહેતા

આમ મને નાનપણથી ખાવાનો ખૂબ શોખ. બધું ટ્રાય કરું. મારે વાતની શરૂઆતમાં જ સ્પષ્ટતા સાથે કહેવું છે કે જેને ખાવાનો શોખ છે તેણે દરેક ક્વિઝીન ટ્રાય કરવું જોઈએ અને ઑથેન્ટિક કહેવાય એવી જગ્યાએ જઈને ટ્રાય કરવી જોઈએ. ઇન્ડિયામાં મળતું ચાઇન‌ીઝ પણ હકીકતમાં ઇન્ડ‌િયન ચાઇનીઝ છે. આપણે ત્યાં મોટા ભાગની રેસ્ટોરાંમાં લેબનીઝ કે થાઇ ફૂડ પણ ઇન્ડિયન સ્ટાઇલમાં જ બને છે, પણ એનો ઑથેન્ટિક ટેસ્ટ કરવો જોઈએ જેથી તમને સાચા ક્વિઝીનની ખબર પડે. મારું પ્રોફેશન મારા ખાવાના શોખમાં ખૂબ હેલ્પફુલ થયું છે એવું કહું તો કાંઈ ખોટું નથી. નાટક અને ફિલ્મોને કારણે મારે ચર્ચગેટથી વિરાર સુધી ફરવાનું થતું હોય એટલે જે-તે એરિયાની બેસ્ટ આઇટમ કઈ અને એ ક્યાં મળે એની બધી મને ખબર હોય. મારા ફ્રેન્ડ્સ મને રીતસર ફોન કરીને કહે કે આજે અમે બોરીવલીમાં છીએ અને બપોરે અમારે જમવું છે તો અમે જમવા ક્યાં જઈએ? હું તેમને તેમની ઇચ્છા મુજબનું ફૂડ સજેસ્ટ કરી શકું અને ગૅરન્ટી સાથે કે તેમને એ ભાવે જ ભાવે.
મારો કોઈ એવો આગ્રહ હોતો નથી કે મને ખાવાનું હોટેલમાં જ કે પછી ચોક્કસ પ્રકારની બેસીને જમી શકાય એવી રેસ્ટોરાંમાં જ જોઈએ. ના, જરાય નહીં. જ્યાં સારું, મસ્ત અને ચટાકેદાર ખાવાનું મળતું હોય ત્યાં જવાનું. સારી હોટેલમાં પણ જવાનું, ખૂમચા પર ઊભા રહીને પણ ખાવાનું અને ફુટપાથ પર ચાદર પાથરીને બેસીને ખાવાનું હોય તો એ જગ્યાએ પણ ખાવાનું. બસ, ખાવાનું સરસ હોવું જોઈએ. તમને પાર્લાની એક જગ્યાની વાત કરું. એ જગ્યાએ મોટા ભાગે રિક્ષાવાળા જ ખાવા જાય. બહુ અંદર-અંદર આવેલી એ જગ્યા છે. ત્યાં બિહારના લિટ્ટી ચોખા બહુ સરસ મળે છે. ફક્ત પંદર રૂપિયાની પ્લેટ. પતરાના ડબ્બામાં કોલસા મૂકીને શેકવામાં આવેલી બે લીટી, ચોખા અને સાથે લસણ, ફુદ‌ીના અને ટમેટાંની ચટણી અને કાંદાની સ્લાઇસ. જલસો પડી જાય. એકદમ ઑથેન્ટિક. તમને એવું જ લાગે કે તમે જાણે બિહારના મો‌તીહારી કે પટનામાં તમે લિટ્ટી ચોખા ખાઓ છો. અમારા કંપની કોકોનટ મોશન પિક્ચર્સના પ્રોડ્યુસર રિતેશ લાલન તો ઘણી વાર કહે છે પણ ખરા કે જો ખાવાની વાનગી વિશે સાંભળવું હોય તો વિપુલભાઈને પૂછવાનું. ખૂણા પર ઊભો રહેતો પાણીપૂરીવાળો સેવપૂરી કેવી બનાવે અને કેવી રીતે બનાવે એનું એવું તાદૃશ વર્ણન કરે કે તમારી આંખ સામે એ વાનગી ઊપસી આવે. અત્યારે મારી કરીઅર ભલે ફિલ્મ અને થિયેટરના ફીલ્ડમાં હોય, પણ આજે હું બધાને મારી એક એવી વાત કહીશ, જેની જૂજ લોકોને જ ખબર છે. હું ભણતો હતો ત્યારે મારે હોટેલ મૅનેજમેન્ટમાં આગળ વધવું હતું અને મેં એની તૈયારી કરીને હોટેલ મૅનેજમેન્ટની એક્ઝામ પણ આપી. જોકે અનિવાર્ય સંજોગોસર હું એ કરી ન શક્યો, પણ જો એવું ન બન્યું હોત તો હું અત્યારે એન્ટરટેઇનમેન્ટનું મનોરંજન પીરસવાને બદલે ફૂડ થકી લોકોનું એન્ટરટેઇનમેન્ટ કરતો હોત.
નાનપણથી ખાવાના શોખની પાછળ જો કોઈ જવાબદાર હોય તો મારાં મમ્મી જ્યોતિ મહેતા અને તેમના હાથની રસોઈ. અદ્ભુત રસોઈ બનાવે, તેના હાથની દરેક વાનગી મને અનહદ વહાલી. હું બધું ખાઉં અને એ મને બધું બનાવી-બનાવીને ખવડાવે. મને લાગે છે કે મારી મમ્મીને કારણે જ ખાવાની બાબતમાં મારા કોઈ ગમા-અણગમા આવ્યા નથી. મને બધું ભાવે. ફૂડ ઇન્ડસ્ટ્રીનો એક સરળ નિયમ છે. જે ખાવાના શોખીન હોય એ બનાવવાના શોખીન હોય. મમ્મીની સારી વાનગીઓ બનાવવાની આવડતને લીધે જ મને સારું ખાવાની રીતસરની આદત પડી ગઈ. સારું ખાઓ તો સારું ખવડાવાની આદત પણ આપોઆપ આવે. રસોઈ બનાવવાની શરૂઆત પણ મમ્મીએ જ મારી પાસે કરાવડાવી.
જી હા, રસોઈ. મને કોઈ એક આઇટમ બનાવતાં આવડે છે એવું નથી, હું રસોઈની બધી આઇટમ સાથે બનાવી જાણું છું.
૧૯૮પ-’૮૬ની વાત છે. એ સમયે હું ટેન્થમાં હોઈશ. મારાં મમ્મી પથારીવશ, તેમને બૅકનો પ્રૉબ્લેમ અને ટોટલી બેડ પર. હલનચલનની બિલકુલ મનાઈ. મિડલ ક્લાસ ફૅમિલી એટલે કુક રાખવા જેવી જાહોજલાલી મળે નહીં. પપ્પા સવારે નીકળી જાય અને રાતે ઘરે આવીને ખીચડી બનાવે. પપ્પા પણ સારી રસોઈ બનાવે, પણ રાતે આવ્યા પછી બહું બધું બનાવવાનો ટાઇમ પણ ન હોય અને તેઓ પણ થાક્યા હોય એટલે મોટા ભાગે ખીચડી જ બનાવે, જે રોજ ભાવે નહીં. એને લીધે બન્યું એવું કે હું મમ્મીને કહું અને મમ્મી મને રેસિપી કહેતી જાય અને તે જેમ કહે એમ હું બનાવતો જાઉં. દાળમાં કેટલું મીઠું અને ખટાશ કેટલાં નાખવાનાં એ પણ મને ચોક્કસ માપ મુજબ ખબર છે અને એનું કારણ માત્ર ને માત્ર મારી મમ્મી છે. એ દિવસ અને આજનો દિવસ. ફૂડમાં મારી માસ્ટરી આવી ગઈ.
મમ્મીના સુપરવિઝનને કારણે ક્યારેય કિચનમાં મેં કોઈ બ્લન્ડર નથી માર્યાં પણ અત્યારે મને એક કિસ્સો યાદ આવે છે. મમ્મી-પપ્પાની મૅરેજ ઍનિવર્સરી હતી અને તેઓ બન્ને મૂવી જોવા ગયાં હતાં. ઘરે હું એકલો. મને થયું કે ચાલો આજે ડિનર બનાવીને મમ્મી-પપ્પાને સરપ્રાઇઝ આપું. મેં ડિનરની તૈયારી શરૂ કરી. ગાજરનો હલવો, બિરયાની, બુંદીનું રાયતું. બધું એકલા હાથે તો તૈયાર થાય નહીં એટલે પાડોશીની થોડી હેલ્પ લીધી અને બધી તૈયારીઓ કરી. સરસમજાની બિરયાની બની, મસ્ત બુંદીનું રાયતું બનાવ્યું અને પછી સરસમજાનાં ગાજર છીણી નાખ્યાં. દૂધ નાખ્યું, એલચી નાખી અને સરસમજાનો હલવો તૈયાર કર્યો. વાત આવી સાકાર નાખવાની, મારું એક્સાઇટમેન્ટ એ લેવલ પર હતું કે ઉતાવળે ઉપર પડેલી બરણી લેવા ગયો અને બરણી નીચે પડીને ફૂટી ગઈ. સાકર ઢોળાઈ ગઈ. એ સમયે તો બજારમાંથી સાકર લાવીને હલવામાં નાખી, હલવો તૈયાર કરી લીધો પણ મનમાં ડર કે મમ્મીને ખબર પડશે એટલે વઢશે. મમ્મી-પપ્પા આવ્યાં અને મમ્મીને ખબર પણ પડી, જરા પણ ખિજાયાં નહીં અને બધું ફૂડ જોઈને જ તેમનું પેટ ભરાઈ ગયું. જોકે જમ્યાં ખરાં, તેમને ખૂબ ભાવ્યું. બીજો એક કિસ્સો કહું, પણ એને બ્લન્ડર નહીં પણ ચૂક કહી શકાય.
હું ટેન્થમાં હતો ત્યારે કાંદિવલીના વ્યાસ ક્લાસિસમાં જતો. ક્લાસિસની બાજુમાં એક સમોસાંવાળો હતો. એ દૂધ, જલેબી અને સમોસાં બનાવે અને મને બહુ ભાવે. નાનપણમાં મેં અઢળક વખત એ જગ્યાએ સમોસાં અને જલેબી ખાધાં છે. જ્યારે પણ એ ભાઈને સમોસાં બનાવતો જોઉં એટલે રીતસર આભો બની જાઉં. જે રીતે એ સમોસાં બનાવે એ જોઈને મને એવું જ લાગે કે સમોસાં બનાવવાં એ એક આર્ટ જ છે, એવું જ લાગે મને. એ ઉંમરે તો ક્યારેય સમોસાં બનાવ્યાં નહીં, પણ લગ્ન પછી મેં એક વાર મારી વાઇફ તેજલને કહ્યું કે આજે તને સમોસાં બનાવીને ખવડાવું. બધી તૈયારીઓ થઈ અને સમોસાં બનાવવા માટેની બધી તૈયારીઓ થઈ. મેં બટાટાનો મસાલો લીધો અને કણક લઈને એક સમોસું બનાવ્યું. એ વાળીને મેં તેજલ સામે જોયું કે આમ સમોસું બનાવાય અને પછી તેને કહ્યું કે લે હવે તું બનાવ, પણ તેણે બનાવ્યું એટલે મને સમજાઈ ગયું કે સમોસાં વાળવાની આર્ટમાં આપણે કાચા છીએ.
આજે હું ઘરે રસોઈ બનાવું એ બધી ખૂબ સરસ અને ટેસ્ટી હોય છે, પણ મારું ફૅમિલી અને ફ્રેન્ડ્સ જો કોઈ આઇટમ માટે મને ખાસ કહેતા હોય તો એ છે ડપકાં. તેજલનું માનવું છે કે મારા જેવાં ડપકાં કોઈ ન બનાવી શકે અને બીજી આઇટમ છે સોલાપુરી ભાજી. સોલાપુરી ભાજી એ પાઉંભાજીનુ સેકન્ડ ફૉર્મ છે. મારાં માસી સોલાપુર રહે, તેમની પાસેથી આઇટમ બનાવતાં શીખ્યો છું. ટમેટાં, બટાટા, ખૂબબધું લસણ અને કોથમીર પર બટર નાખીને બનાવવામાં આવે છે. કાળા મસાલામાં સોલાપુરી ભાજી બને છે. એમાં મટર કે કાંદા નથી હોતાં, પણ એનો ટેસ્ટ અદ્ભુત હોય છે. હું સોલાપુરી ભાજી ખૂબ સરસ બનાવું છું. આ ઉપરાંત મગ-પનીરનું સૅલડ મારું બહુ સરસ બને છે. હા, મારે ત્યાં વર્ષે દોઢ દિવસ માટે ગણપતિજીની સ્થાપના થાય. ગણપતિના પહેલા દિવસે જે ભોગ બને એ આખો હું બનાવું છું અને ભગવાનને એ જ ધરાવાય. એ ભોગમાં મહારાષ્ટ્રિયન સ્ટાઇલથી સૂકી બટાટાની ભાજી, ફણસીનું કોપરાવાળું શાક, વરણ, કોથંબીર વડી, પાતરાં, આલુવડી બને. બધું મારે બનાવવાનું. એ પ્રસાદ માટે મારા બધા ફ્રેન્ડ્સ ઘરે આવે જ આવે. અમુક મહારાષ્ટ્રિયન ફ્રેન્ડ્સ તો એ ખાઈને એવું પણ મને કહે કે તેમને ત્યાં બને એના કરતાં પણ વધારે ઑથેન્ટિક મહારાષ્ટ્રિયન ફૂડ હું બનાવું છું.

Gujarati food indian food