ફરાળ ઍન્ડ મિલેટ ફેસ્ટિવલ : આજે શીખો આ વાનગીઓ

07 September, 2023 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે શીખો મિલેટ્સ સ્ટફડ પરાઠા, નવરત્ન બાજરાનો પુલાવ અને પૌષ્ટિક મિલેટ મૂઠિયાં

પ્રતીકાત્મક તસવીર

મિલેટ્સ સ્ટફડ પરાઠા

મિનાક્ષી પટેલ

સામગ્રી લોટ બાંધવા માટે: ૨ ચમચી બાજરાનો લોટ, ૨ ચમચી જુવારનો લોટ, ૨ ચમચી મકાઈનો લોટ, ૨ ચમચી નાચણીનો લોટ, ૨ ચમચી ચણાનો લોટ, ૨ ચમચી ચોખાનો લોટ, ૧ ચમચી જવનો લોટ, ૪ ચમચી ઘઉંનો લોટ, મીઠું, તેલ
સામગ્રી સ્ટફિંગ માટે: ફણગાવેલા મગ (બાફીને), ૨ બાફેલા બટેટા, ૧ ગાજર, ૧ કૅપ્સિકમ, ૧/૨ નાની કોબી, કાંદો બધું ઝીણું ચૉપ કરી લેવાનું. કાંદાનાં પાન (લીલા કાંદાનાં), ફુદીનાનાં પાન અને કોથમીર, આદું + મરચાંની પેસ્ટ, મીઠું, ચાટ મસાલો, થોડું આમચૂર
રીત: સૌપ્રથમ કડાઈમાં બટર+તેલ લઈ, ચૉપ કરેલાં વેજિટેબલ્સને ફાસ્ટ ગૅસ પર ૨ મિનિટ માટે સાંતળી લેવાનાં. પછી એમાં બાફેલા બટેટા અને સૂકા બધા જ મસાલા નાખી બરાબર હલાવી લઈ પછી ગૅસ પરથી ઉતારી એમાં લીલા કાંદાનાં પાન, ફુદીનો અને કોથમીર નાખી સ્ટફિંગ તૈયાર કરી લેવું. ત્યાર બાદ બાંધેલા લોટમાંથી રોટલી બનાવી એમાં સ્ટફિંગ ભરી ઉપર બીજી રોટલી નાખી દબાવીને લોઢી પર ઘી કે બટરથી શેકી દહીં અને ચટણી સાથે પીરસી મજા લો.

 

નવરત્ન બાજરાનો પુલાવ

કલ્પના મારુ

સામગ્રી: ૩૦૦ ગ્રામ બાજરો, ૧૦૦ ગ્રામ ગાજર, ૧ નંગ બીટ, ૧૦૦ ગ્રામ વટાણા, ૨૫ ગ્રામ ફણસી, ૨૩ ગ્રામ કિસમિસ, ૧૫-૨૦ કાજુ, ૫૦ ગ્રામ શીંગદાણા, ૨૫ ગ્રામ નાળિયેરનું ખમણ, ૨૫ ગ્રામ વરિયાળી, ખસખસ ૧ ટીસ્પૂન, તલ ૨ ટીસ્પૂન, તજનો ૧ નાનો ટુકડો, ૪-૬ લવંગ, ૨ ચમચી આદુંમરચાંની પેસ્ટ, ૨ ટીસ્પૂનનો રસ, ૧ ટીસ્પૂન જીરું, ૨-૩ તમાલપત્ર, ૧ નાનો કાંદો બારીક ચૉપ કરેલો, મીઠું સ્વાદ અનુસાર.
રીત: બાજરાને ૬ કલાક પાણીમાં પલાળવો. પછી કુકરમાં ૪-૫ સીટી વગાડી બાફી લો. એનું પાણી નિતારી લો. વટાણા, ગાજર, ફણસી, બીટ બારીક ચૉપ કરી બાફી લો. શીંગદાણા પણ બાફી લો. વરિયાળી, ખસખસ, તલની પેસ્ટ કરો. કડાઈમાં ઘી ગરમ કરી એમાં તજ, લવંગ, તમાલપત્ર, જીરું નાખી કાંદા બારીક ચૉપ ૨થી ૩ મિનિટ સાંતળો. પછી એમાં આદુંમરચાંની પેસ્ટ તથા વાટેલી વરિયાળીની પેસ્ટ ૧ મિનિટ સાંતળો. ત્યાર બાદ એમાં બાફેલાં શાક, બાજરો નાખી લીંબુનો રસ, મીઠું નાખી બરાબર હલાવી લો.
ગાર્નિશ: ડિશમાં પુલાવ લઈ કાજુ, કિસમિસ, કોપરું ખમણેલું, કોથમીરથી ગાર્નિશ કરો. દહીં સાથે પીરસી શકાય.
નોંધ: નવરત્ન બાજરાનો પુલાવ બાસમતી ચોખાના પુલાવથી ટેસ્ટમાં અને નવીનતામાં જુદો અને સ્વાદિષ્ટ છે.

 

પૌષ્ટિક મિલેટ મૂઠિયાં

હેલી પરીખ

સામગ્રી: ૧ કપ બાજરી લોટ, ૧ કપ જુવાર લોટ, ૧ કપ મકાઈ લોટ, ૧ કપ ઘઉંનો કરકરો લોટ, ૧ કપ ચણાનો લોટ, ૫૦૦ ગ્રામ દૂધી છીણેલી, ૧૦૦ ગ્રામ ગાજર છીણેલાં, ૭-૮ નંગ લીલાં મરચાં, કટકો આદું, ૮-૧૦ કળી લસણ વાટેલું,  ૧ ચમચી તલ, ૧ ચમચી અજમો, ૧ ચમચી હળદર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ કપ દહીં, ૨-૩ ચમચી ખારેક પાઉડર, પ્રમાણસર તેલ, પ્રમાણસર મીઠું
વઘાર માટે: તેલ, રાઈ, જીરું, તલ, હિંગ, કઢી પત્તા
રીત: સૌપ્રથમ બધા લોટ મિક્સ કરવા. એમાં તલ, અજમો, વાટેલાં લસણ, આદું, મરચાં મળવર, ગરમ મસાલો, ખારેક પાઉડર, પ્રમાણસર મીઠું તેમ જ પ્રમાણસર તેલ નાખી લોટમાં બધું મિક્સ કરવું. ત્યાર બાદ એમાં ગાજર અને દૂધી નાખી લોટમાં બધું મિક્સ કરવું. ત્યાર બાદ તેમાં ગાજર અને દૂધી નાખી મિશ્રણને બરાબર મિક્સ કરવું. એમાં દહી નાખી લોટ થોડો ઢીલો બાંધવો. ત્યાર બાદ તપેલીમાં તેલ લગાવી ચાળણી મૂકી ગૅસ પર ગરમ કરવા મૂકવું. ત્યાર બાદ ચાળણીમાં લોટમાંથી વાટા બનાવી મૂકવા અને ઉપર ઢાંકણ ઢાંકી મીડિયમ તાપે ૧ કલાક ચડવા દેવું. ચડી જાય એટલે એને ચાળણીમાંથી કાઢી એકદમ ઠંડા થવા દઈ એના કાપા પાડવા અથવા મોલ્ડ વડે કોઈ પણ આકાર આપવો. ત્યાર બાદ લોયામાં તેલ મૂકી એમાં રાઈ, જીરું, તલનો વઘાર કરવો. વધાર તતડે એટલે હિંગ, કઢી પત્તા નાખી કાપેલાં મૂઠિયાં નાખવાં અને ઉપર-નીચે હલાવવાં. થોડી વાર થવા દઈ ઉતારી લેવાં અને પ્લેટમાં કાઢી સૉસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવાં.

Gujarati food indian food mumbai food life and style