12 September, 2023 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હરીભરી મિલેટ કટોરી
કિશોર ભટ્ટ
સામગ્રી : ૧/૨ કપ જવારનો લોટ, ૧/૨ કપ મેંદો, ૧ ચમચો નાચણી લોટ, ૧ ચમચી થીજેલું ઘી, ૧/૨ ચમચી શેકેલાં મરી-જીરાનો પાઉડર, પ્રમાણસર મીઠું
રીત : ઉપરના બધા લોટ મિક્સ કરી એમાં ઘી તેમ જ મરી-જીરાનો પાઉડર તેમ જ પ્રમાણસર મીઠું નાખી લોટ બાંધવો. થોડી વાર રેસ્ટ આપી એમાંથી નાના-નાના લૂવા બનાવી એની પૂરી વણી વાટી જેવા મોલ્ડમાં મૂકી એને મધ્યમ તાપે તળી લેવી. આવી રીતે બધી કટોરી તૈયાર કરી બાજુમાં રાખવા.
ફિલિંગ માટે : ૧ વાટકી લીલા ચણા બાફેલા, ૧ ચમચો લીલું કોપરું છીણેલું, ૪-૫ નંગ લીલાં મરચાં વાટેલાં, ૧ ચમચો કોથમીર બારીક સમારેલી, ૧/૨ ચમચી સાકર, ૧ ચમચી લીંબુનો રસ, ૧ કપ બારીક સેવ, પ્રમાણસર ચાટ મસાલો, પ્રમાણસર મીઠું, ૧ ચમચી ક્રૅનબેરી, ૧ ચમચી કાચી કેરીની કટકી
રીત : બાફેલા ચણાને ચર્ણ કરી લેવા. એમાં લીલું કોપરું છીણેલું મિક્સ કરવું. એમાં વાટેલાં લીલાં મરચાં નાખવાં, બારીક સમારેલી કોથમીર, સાકર, લીંબુનો રસ, પ્રમાણસર મીઠું, થોડો ચાટ મસાલો મિક્સ કરી બધું બરાબર હલાવીને મિક્સ કરી સાઇડમાં રાખવું.
હરીભરી કટોરી બનાવવા માટે : પહેલાં કટોરી લેવી. એમાં લીલા ચણાનું બનાવેલું મિશ્રણ મૂકવું. ત્યાર બાદ એમાં દ્રાક્ષની બનાવેલી ચટણી નાખવી. એની ઉપર ચાટ મસાલો ભભરાવવો. ત્યાર બાદ બારીક સેવ ભભરાવી ક્રૅનબેરી અને કાચી કેરીના પીસ મૂકી સર્વ કરવું. આ રીતે પ્લેટમાં બધી કટોરી મૂકી સર્વ કરવું.
સજાવવા માટે : પાંખડી અને ફૂલ છે એ બટાટા અને સાબુદાણામાંથી બનાવીને તડકે સૂકવીને તળેલાં છે.
ફરાળી હેલ્ધી રાગી ઝાન
પ્રશાંત સાવલા
સામગ્રી : ૧ કપ નાચણી લોટ, સવા લિટર પાણી, ૪-૫ ચમચી ઘી, ૧ કપ ટુકડા કરેલા ગાજર, અડધો કપ ફ્લાવર, ૧ કપ ચોળા, ૧/૨ કપ વટાણા, મીઠું-મરી સ્વાદ અનુસાર, ઉપર છીણેલું ચીઝ તમારા હિસાબે, થોડી કોથમીર
રીત : ચોળાને પ્રથમ બે કલાક પલાળી રાખવા. પછી ચોળા, ગાજર, વટાણા, ફ્લાવરને પારબૉઇલ કરવા.
કડાઈમાં નાચણીના લોટને બે
ચમચી ઘી નાખી શેકો. ધીમી આંચ પર શેકાઈ જાય એટલે ગૅસ
બંધ કરી દેવો. બીજી કડાઈમાં બે ચમચી ઘી લઈ પારબૉઇલ કરેલાં વેજિસ અને ચોળાને શેકી લેવાં અને એમાં મીઠું, મરી સ્વાદ અનુસાર નાખવાં.
શેકેલા લોટને ગૅસ ધીમો કરી ચાલુ રાખી પાણી નાખી ધીમે-ધીમે હલાવતા રહેવું. એમાં મીઠું
અને મરી સ્વાદ પ્રમાણે નાખવાં. ખદબદે એટલે વેજિસ-ચોળા નાખી હલાવવું. તૈયાર થયા બાદ ઉપર
ચીઝ નાખવું અને કોથમીર નાખવી. તૈયાર છે હેલ્ધી
રાગી ઝાન.
સાબુદાણા ચાટ ઑર શૉટ્સ
મમતા જોટાણિયા
સામગ્રી : ૧ કપ પલાળેલા સાબુદાણા, બેથી ત્રણ બાફેલા બટાટાના પીસ, ૨ ચમચી તેલ, ચપટી જીરું, લીમડો, લીલાં મરચાં, ૨ ચમચી બીટનું ખમણ, ૨ ચમચી મરચાં-કોથમીર-આદુંની લીલી ચટણી, સિંધવ મીઠું સ્વાદ અનુસાર, ૧ કપ વલોવેલું દહીં, ચપટી સાકર, ખજૂરની ચટણી, કોથમીર શિંગનો ભૂકો બે ચમચી
રીત : સાબુદાણાને જીરું મૂકી શીંગનો ભૂકો, લીમડો, મીઠું નાખી બીટ નાખી સૉતે કરો. પછી એમાં થોડું પાણી નાખી મિક્સ કરી બીટ અને સાબુદાણા, લીલી ચટણી નાખી મિક્સ કરી ગૅસ બંધ કરો. એવી જ રીતે તેલ મૂકી જીરું ને લીમડો નાખી વઘાર કરી બાફેલા બટાટા નાખી, લીલી ચટણી, મરી પાઉડર, કોથમીર, મીઠું નાખી હલાવી મિક્સ કરી ગૅસ બંધ કરો. દહીંને વલોવી સાકર નાખી તૈયાર કરો.
સર્વિંગ માટે : એક ગ્લાસમાં નીચે દહીં નાખી ઉપર બટેટાની ભાજી મૂકી લીલી અને ખજૂરની ચટણી નાખી એના ઉપર સાબુદાણાવાળું પૂરણ નાખી ઉપરથી બન્ને ચટણી નાખી કોથમીર અને ફરાળી સાબુદાણાની સેવ નાખી ગાર્નિશ કરી સાબુદાણા શૉટ્સ અથવા સાબુદાણા ચાટ સર્વ કરો.
ફરાળી રેસિપીનું અલગ વેરિએશન સાબુદાણા ચાટ રેડી. ખાઓ અને ખવડાવો. યુનિક આઇડિયા જોઈને ખાવાનું મન થાય એવા શૉટ્સ.