રેસિપી કૉન્ટેસ્ટઃ મળી લો આજના વિનર્સને...

14 July, 2021 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદશાહ મસાલા અને `મિડ-ડે` પ્રસ્તુત રેસિપી કૉન્ટેસ્ટને જબરજસ્ત રિસ્પૉન્સ આપવા બદલ આભારી છીએ

કવિતા મિતેશ મજીઠિયા, મુલુંડ

કિનોવા ટિક્કી મખાના ઍન્ડ સ્પ્રાઉટ‍્સ (પ્રોટીન ચાટ બાસ્કેટ)

સામગ્રી 
ટિક્કી માટે : ૧ નાની વાટકી કિનોવા, ૧ નાની ચમચી આદું-મરચાં, ૧ ચમચી બાદશાહ ગરમ મસાલો, ૧ ચમચી આમચૂર મસાલો, ૧ ચમચો કોથમીર, ૧ વાટકી પૌંઆ, મેંદાની સ્લરી, ઓટ્સ (ટિક્કી કોટ કરવા માટે), મીઠું સ્વાદ પ્રમાણે
કિનોવાને બે વાટકી પાણી નાખી ભારતની જેમ કુકરમાં ૮થી ૧૦ સીટી કરાવી લેવી. ત્યાર બાદ કિનોવામાં ઉપર જણાવેલી સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. પૌંઆના ઉપયોગથી સારું બાઇન્ડિંગ થશે. ત્યાર બાદ આ પૂરણમાંથી નાની ટિક્કી વાળી લો. આ ટિક્કીને મેંદાની સ્લરીમાં બોળી ઓટ્સથી કોટ કરી લેવી. આ ટિક્કીને તેલમાં શેકી લેવી. ટિક્કીને ડીપ ફ્રાય પણ કરી શકાય.
ચાટની સામગ્રી : ૧ વાટકી મખાના, ૧ વાટકી ફણગાવેલા મગ, ૧ વાટકી લાલ ચણા, ખજૂર, આંબલીની મીઠી ચટણી, કોથમીર-ફુદીનાની ચટણી, ૧ વાટકી દહીં
મખાનાને ૧ ચમચી ઘીમાં મમરાની જેમ શેકી લેવા. ધીમા તાપે કડક થવા દેવા. મખાના ક્રન્ચી થશે. ફણગાવેલા મગને હળદર અને મીઠું નાખી બાફી લેવા. ચણાને બાફી લેવા. દહીં ઝેરીને ઠંડું કરવું.
ગ્રાર્નિશ અને સર્વ કરવાની રીત
એક ઊંડી ડિશમાં પહેલા ટિક્કી મૂકવી. એના પર મગ, ચણા, મખાના મૂકવા. તીખી અને મીઠી ચટણી નાખવી. સૌથી ઉપર દહીં નાખવું. કોથમીર અને દાડમ નાખી ગાર્નિશ કરવું. ઉપરથી ચાટ મસાલો ભભરાવો.
તો તૈયાર છે આપણું પ્રોટીન ચાટ. આ વાનગી એક હેલ્ધી સ્નૅક છે જે બાળકોને અને મોટાઓને જરૂર ભાવશે.

સ્ટફ્ડ સૅન્ડવિચ ઇડલી, પૂજા સુરેશ રાઠોડ, કલ્યાણ

સામગ્રી 
બ્રાઉન બ્રેડનો પૂડો, બટર, ગ્રીન ચટણી, લસણ-મરચાની ચટણી, ગાજર, સ્વીટ કૉર્ન, બટાટા, વટાણા, કૅપ્સિકમ, ફણસી, મીઠું, મરી, આમચૂર પાઉડર, ચીઝ, આદું-મરચાંની પેસ્ટ, ઇડલીનું ખીરું
સ્ટફિંગ માટે : એક બાઉલમાં બાફેલા બટાટા, સેમી કુક્ડ પેસ્ટ ગાજર, સ્વીટ કૉર્ન, વટાણા, કૅપ્સિકમ, ફણસી, આદું-મરચાંની પેસ્ટ, ચીઝ નાખી મિક્સ કરવું. મીઠું સ્વાદ અનુસાર અને મરીનો ભૂકો, આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લેવું.
રીત
બ્રેડની સ્લાઇસમાં એક સાઇડ ગ્રીન ચટણી અને બીજી સાઇડ પર લસણ- મરચાની ચટણી લગાવી બે બ્રેડની વચ્ચે સ્ટફિંગ ભરવું. પછી ઇડલીના બૅટરમાં બોળીને ઇડલી મેકરમાં ૧૦ મિનિટ માટે સ્ટીમ કરવું. પછી ‍કટ કરીને ગરમાગરમ સાંભાર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરવું.

સરપ્રાઇઝ માલપૂઆ, રાગિણી કિરીટ ગાંધી, અંધેરી

સામગ્રી 
૧ વાટકી મેંદો, ૧ ચમચી રવો, બેથી ૩ ચમચી મલાઈ, દૂધ જરૂર પ્રમાણે, ૧/૪ ચમચી ઈનો, ઘી શુદ્ધ દેશી. ઘી સિવાય બધું મિક્સ કરી ખીરું તૈયાર કરી ૧૦ મિનિટ રાખવું.
સ્ટફિંગ માટે : ૪ ગાજર છીણીને એને ઘીમાં શેકીને એમાં બેથી ત્રણ વાટકી દૂધ નાખીને ખૂબ ઉકાળીને લચકા પડતું થાય એટલે ૧/૪ વાટકી સાકર નાખીને ગાજરનો હલવો બનાવો. એમાં ડ્રાયફ્રૂટ પાઉડર, એલચી નાખવાં
રીત
નૉનસ્ટિકમાં બે ચમચી ખીરું પાથરી ઘી આજુબાજુ નાખવું. એના પર ગાજરની થેપલી જેમ કરી પૂડલા પર મૂકી એના પર ફરી બે ચમચી ખીરું નાખી નીચે ગુલાબી થાય એટલે પલટાવીને ઘી નાખવું. બન્ને બાજુ ગુલાબી કરવા. આવી રીતે માલપૂઆ કરવા.
ચાસણી : ૧ વાટકી સાકરમાં ૧/૨ વાટકી પાણીને ચીપકે એવી રીતે ચાસણી કરવી. એમાં એલચી પાઉડર અને કેસરના ૧૦થી ૧૫ તાંતણા નાખવા. મસ્ત કેસરી કલર આવશે.
હવે ઉપરના માલપૂઆ ચાસણીમાં ડુબાડીને કાઢી લેવા અને એના પર ડ્રાયફ્રૂટ છાંટીને સર્વ કરવું.

mumbai food indian food