કોંકણી સંસ્કૃતિના ધુંધુર માસની ઊજવણીનો નાસ્તો કરવા ચાલો આસ્વાદમાં

23 January, 2020 04:06 PM IST  |  Mumbai | Divyasha Doshi

કોંકણી સંસ્કૃતિના ધુંધુર માસની ઊજવણીનો નાસ્તો કરવા ચાલો આસ્વાદમાં

નાસ્તો

જેમ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત વગેરે અનેક પ્રદેશોમાં બોલી અને ભોજનની સંસ્કૃતિ જુદી હોય છે એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ કોંકણ, કોલ્હાપુર, સાતારા, પુણે વગેરે અનેક પ્રદેશોની પોતાની આગવી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિ હવે મુંબઈમાં ભૂંસાતી જાય છે. એ છતાં સૂર્યકાન્ત સરજોશી આસ્વાદ હોટેલ દ્વારા કોંકણી સંસ્કૃતિને જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લાં બે વરસથી તેઓ ધુંધુર માસ ઊજવે છે. સૂર્ય બાર મહિનામાં બાર રાશિમાંથી પસાર થતો હોય છે. સૂર્ય જે સમયે ધન રાશિમાં હોય છે એને મરાઠીમાં ધનુ માસ કે ધુંધુર માસ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય લગભગ ૧૩થી ૧૭ ડિસેમ્બરે શરૂ થઈને ૧૩થી ૧૫ જાન્યુઆરીએ પૂરો થાય. હિન્દુ પંચાંગમાં આ સમય માર્ગશીર્ષ-પોષ કાળમાં આવે છે. આ કાળ દક્ષિણાયનમાં હોવાથી એ સમયે હેમંત ઋતુ હોય છે. આ સમયે લાંબી અને ઠંડી રાત્રિ હોય છે. પવન પણ ખૂબ ઠંડો વાય છે. જઠરાગ્નિ ઠંડીને કારણે નાભિ સ્થાનમાં રહે છે એટલે મનુષ્યની ભૂખ ઊઘડે છે. તેથી સવારે નાસ્તો કરવો જરૂરી છે એવું આયુર્વેદ કહે છે.

કોંકણ પ્રદેશમાં આ ઋતુમાં જે પાકે એ સૂર્યને અર્પણ કરીને ખાવાનો રિવાજ છે એને જીવંત કરવાનો પ્રયાસ આસ્વાદ કરે છે. સવારે સાતથી નવ દરમિયાન અહીં આ સ્પેશ્યલ નાસ્તો પીરસાય છે. આસ્વાદ હોટેલની બહાર રંગોળી અને તુલસીને શણગારીને ત્યાં દીપ પ્રજ્વલિત કરવામાં આવે. સાથે જ શરણાઈ અને નગારાં વાગતાં હોય. શિયાળાની ઠંડી સવાર અને કુમળો તડકો અને આ પરંપરિત વાતાવરણ તમને તાજગીનો અહેસાસ કરાવે. આસ્વાદ રેસ્ટોરન્ટમાં દાખલ થતાં જ તમને મંત્રોચ્ચાર સંભળાય. બે બ્રાહ્મણો સતત મંત્રોચ્ચાર કરતા હોય અને તમને જળનો પ્રસાદ આપે. તેમ જ પુરુષોને ચાંદલો કરે. ટેબલ પર બેસો કે સૌપ્રથમ લીંબુ, મધ અને આદુંવાળું ગરમ પાણી પીરસાય. પછી આવે એક ચોરસ થાળી. એમાં શિંગ અને ગોળ, મમરા, લીલા પોપટા, બોર પણ હોય. અહીં પીરસાતી દરેક વાનગી અને પદાર્થ હેમંત ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક હોય. આ ઋતુનું ફળ બોર છે. કોંકણમાં મીઠાં મોટાં બોર તેઓ બાળક નાનું હોય તેને પણ આપે. ભલે તે ખાઈ ન શકે, પણ દાંત ભરાવી રસ લે એમાં પણ એને સત્ત્વ મળી રહેતું હોય છે એવું માનવામાં આવે છે. ગોળ અને શિંગ ગરમાવો આપે છે. મમરા દરેક વ્યક્તિ ચાવી શકે છે. શેરડીના સાંઠાના ટુકડા, ચોખાની તળેલી સેવ. મેથકૂટ એટલે કે આપણે જેને ઘેંશ કહીએ એ ચોખાને ખૂબ પકાવીને રસાદાર રખાય. એમાં ફક્ત મીઠું તેમ જ થોડો મસાલો હોય જેમાં સૂંઠ, ધાણાજીરું, હળદર વગેરે હોય. સાથે ઘરનું લીંબુનું અથાણું. બાજરી-જુવારની થાલીપીઠ. એમાં લીલા, સૂકા મસાલા તેમ જ તલ નાખ્યા હોય. એના પર સફેદ માખણ અને સાથે લસણની ચટણી. ચણાના લોટના પૂડલા અને કેળાની પૂરણપોળી અને છેલ્લે ખાવાનું સટોરી. સટોરીમાં ખારેકને દૂધમાં પકાવીને ખીર જેવું બનાવ્યું હોય. એમાં સાકર નથી નખાતી પણ એનો સ્વાદ અદ્ભુત લાગે. આટલું ખાધા પછી પેટ ભારે ન લાગે કે ન તો તમે ભૂખ્યા રહો. વળી નાસ્તો કરતા સમયે સતત મંત્રોચ્ચાર સંભળાતા હોય એટલે જુદા જ વાતાવરણનો અહેસાસ થાય. તમારે વધુ ખાવું હોય તો ખાઈ જ શકાય છે, પણ એના વધુ પૈસા ચૂકવવા પડે.

આટલું જરૂર નોંધી લેજો

ક્યાં?ઃ આસ્વાદ હોટેલ, પોર્ટુગીઝ ચર્ચ પાસે, દાદર

ક્યારે? ઃ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦ (ફક્ત રવિવારે અને એ પણ ધનુ માસના રવિવારે જ આ ઉત્સવ હોય છે)

કેટલામાં?ઃ ૩૦૦ રૂપિયા

પહેલેથી રિઝર્વેશન કરાવવું જરૂરી છે.

indian food mumbai food