90 વર્ષ જૂના રેસ્ટોરાંમાં મહારાષ્ટ્રિયન ફૂડ માણવાની મજા લેવી જેવી

28 January, 2020 02:21 PM IST  |  Mumbai | Sejal Patel

90 વર્ષ જૂના રેસ્ટોરાંમાં મહારાષ્ટ્રિયન ફૂડ માણવાની મજા લેવી જેવી

ફાઈલ ફોટો

જો ભુલેશ્વર બાજુ શૉપિંગ કરવા જવાનું થાય તો ફણસવાડી પાસે આવેલા લગભગ ૯૦ વર્ષ જૂના વિનય હેલ્થ હોમમાં મહારાષ્ટ્રિયન સ્ટાઇલનો નાસ્તો કરવા અચૂક જવા જેવો.

મુંબઈમાં મરાઠીઓની સાથે ગુજરાતીઓ દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે અને એટલે મહારાષ્ટ્રિયન ફૂડ ખાવાનો ટેસ્ટ ગુજરાતીઓમાં પણ ડેવલપ થઈ ગયો છે. મુંબઈમાં આવેલી મહારાષ્ટ્રિયન ફૂડ માટેની ઈટરીઝમાં તમને જેટલા મરાઠીઓ જોવા મળશે એનાથી વધુ ગુજરાતીઓ જોવા મળશે. અમે પણ જ્યારે ચર્નીરોડ સ્ટેશનથી ચાલતાં-ચાલતાં ફણસવાડીમાં ડૉ. બાબાસાહેબ જયકર માર્ગ પર આવેલી વિનય હેલ્થ હોમમાં પહોંચ્યા ત્યારે પણ એવો જ નજારો હતો. આસપાસના બજારમાં કામસર આવેલા લોકો ઝટપટ આવીને અહીં નાસ્તો કરતા દેખાતા હતા. નવાઈની વાત એ હતી કે સવારે સાડા નવ વાગ્યાનો સમય હતો અને આઠ-નવ ગૃહિણીઓનું ગ્રુપ પણ નાસ્તો કરવા આવ્યું હતું. બહેનો હોય એટલે ઠઠ્ઠામશ્કરી અને ધમાલ તો હોય જ. બાકી મોટા ભાગના લોકો ઝટપટ ઑર્ડર આપીને ચા-નાસ્તો કરીને ચાલતી પકડતા હતા, પણ બહેનોનું ગ્રુપ નિરાંતમાં હતું. આ ગ્રુપ દ્વારા એક પછી ઑર્ડર અવારનવાર થયા કરતા હોવાથી વેઇટરો પણ સાબદા અને ઉતાવળમાં હતા.

મિસળ માટે જાણીતી આ જગ્યાએ પુણેરી મિસળ, દહીં મિસળ અને સ્પેશ્યલ મિસળ એમ વરાયટીઓ ઘણી છે એટલે અમે વિનયનું સ્પેશ્યલ મિસળ જ ઑર્ડર કર્યું. સાથે જ બીજી મહારાષ્ટ્રિયન વાનગીઓનો પણ ઑર્ડર આપ્યો. ઑર્ડર સર્વ થાય આ દરમ્યાન વિનય હેલ્થ હોમની હિસ્ટરી ખંખોળવાનો પ્રયાસ કર્યો. ૧૯૪૦માં એની ટેમ્બે પરિવારે શરૂઆત કરેલી. હાલમાં તો એની ત્રીજી પેઢી એટલે કે સુમુખ ટેમ્બે કામકાજ સંભાળે છે. જોકે સુમુખભાઈને શ્વાસ લેવાનીયે ફુરસદ નથી. અહીં નિયમિત આવનારા લોકોનું કહેવું છે કે પહેલાં જેવી ક્વૉલિટી હવે નથી રહી. વધુ લોકોને આકર્ષવા માટે હવે ઇડલી, સમોસા અને સૅન્ડવિચ જેવી નૉન-મહારાષ્ટ્રીયન વાનગીઓનો પણ મેન્યૂમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અમે વધુ વાતો કરીએ એ પહેલાં તો ઑર્ડર આવી ગયો. સ્વાભાવિક છે ટેબલ પર સર્વ થતાં જ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભલે આ જગ્યાનું નામ વિનય હેલ્થ હોમ હોય, પણ અહીંની બહુ ફેમસ હોય એવી મોટા ભાગની વાનગીઓ ફ્રાઇડ જ છે. એટલે રેસ્ટોરાંના નામમાં હેલ્થ શબ્દ વાંચીને જો તમે એવું માનતા હો કે અહીં બધું જ ‘હેલ્ધી’ હશે તો એવું નથી. અલબત્ત, સ્વાદમાં કંઈ કહેવું પડે એમ નથી.

સૌથી પહેલાં વાત કરીએ મિસળની. સ્વાદમાં અવ્વલ. ગુજરાતીઓને કદાચ વધુ ભાવતું હશે એનું કારણ એ છે કે એમાં ગરમ મસાલાની તીખાશ તો છે જ, પણ સાથે સહેજ મીઠાશ પણ છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રિયન ફૂડમાં ગળપણ બહુ જ જવલ્લે જોવા મળે એટલે જરા વેઇટરને પૂછ્યું કે આ મિસળ થોડુંક સ્વીટ કેમ? તો તેણે રાઝ ખોલતાં કહ્યું, અમે થોડોક ગોળ નાખીએ છીએ. તીખાશ અને ગળપણનું અવ્વલ કૉમ્બિનેશન, ફ્રેશ ફરસાણનું મિક્સ હોવાથી મસ્ત ક્રન્ચીનેસ અને સૌથી વધુ મજેદાર તો એમાં નાખેલી મસાલા શિંગ છે. જો તીખાશ વધુ લાગે તો સહેજ લીંબુ નીચોવી લેવાથી સ્વાદમાં ઑર વધારો થાય છે. એ પછી વારો આવ્યો લીલા વટાણાની પેટીસનો. બહાર બટાટાનું ક્રિસ્પી અને છતાં સૉફ્ટ પૂરણ છે અને અંદર ફ્રેશ વાટેલા વટાણાનું પૂરણ છે. જરાય ઓવર મસાલા નથી, પરંતુ બટાટા-વટાણાનું કૉમ્બિનેશન મસ્ત છે. સાથે પિરસવામાં આવેલી કોપરાની અને કોથમીરની લીલી ચટણી અચૂક ચાખવા જેવી છે.

મહારાષ્ટ્રિયન ફૂડ હોય અને કોથમ્બીર વડી અને થાલીપીઠ ન ખાઓ એ તો કંઈ ચાલે? અહીંની કોથમ્બીર વડીની સાઇઝ જાયન્ટ છે. ડીપ ફ્રાઇડ વડીનું ચોસલું ભલે મોટું હોય, પણ એની અંદરનો લોટ મસ્ત ચડી ગયેલો છે. અગેઇન, એમાં પણ શિંગદાણાની ક્રન્ચીનેસને કારણે ચાવવાનું ગમે એવું છે અને સ્વાદમાં મજાનું છે. થાલીપીઠ પણ ચણાનો લોટ, લીલું મરચું અને શિંગદાણાનું કૉમ્બિનેશન છે. અહીં એક વાત ખાસ કહેવાની કે થાલીપીઠ અને કોથમ્બીર વડી ડીપ ફ્રાઇડ હોવા છતાં જ્યારે તમે એને તોડો ત્યારે એમાંથી તેલ નીતરતું નથી. એવું કઈ રીતે એ હજીયે કોયડો છે. જો તીખું ખાવાના શોખીન હો તો-તો સાથે આપેલી લાલ લસણની ચટણી સાથે એમ જ થાલીપીઠ ખાઈ શકશો, પણ તીખું ખાવાની આદત ન હોય તો લાલ ચટણીને અડશો જ નહીં, તમારા માટે કોપરાની ચટણી જ બહેતર રહેશે. કોપરાની ચટણી પ્રમાણમાં બ્લૅન્ડ છે. એમાં ફ્રેશ કોપરાનો સ્વાદ જીભે રહી જાય એવો છે. જેમ સુરતમાં બટાટાપૂરી ફેમસ છે એવાં જ ભજિયાં અહીંના ફેમસ છે. બટાટાના મોટાં અને પાતળાં પતીકાંને ખીરામાં નાખીને તળેલાં ભજિયાં સ્વાદમાં પણ સરસ છે અને જોવામાં પણ. ફૂલેલી પૂરી જેવાં ભજિયાં બહારથી ક્રિસ્પી છે અને અંદરનું બટાટું એકદમ સૉફ્ટ છે.

વિનય હેલ્થ હોમ એની ઉપવાસની વાનગીઓ માટે પણ વખણાય છે. અહીં ઉપવાસનું મિસળ, સાબુદાણા વડા, રાજગરાની પૂરી અને બટાટાની સૂકી ભાજી પણ હોય છે. સાબુદાણા વડા એકદમ ગોળમટોળ અને સૉફ્ટ ટેનિસ બૉલથી સહેજ જ નાનાં છે. આ વડાને તોડો એટલે એકએક સાબુદાણો છૂટો પડે એવો અને છતાં એકદમ રૂ જેવો પોચો છે. સિંગદાણાનો ક્રન્ચ એમાં પણ આવે છે. સાબુદાણાના વડાની સાથે બાફેલા બટાટા, લીલાં મરચાં અને સિંગદાણાની ચટણી પીરસવામાં આવે છે એ પણ યુનિક અને વડાનો સ્વાદ વધારનારી છે.

બહુ ફ્રાઇડ અને તીખું ખાધા પછી સ્વાભાવિક છે કે તમને કંઈક મીઠું ખાવાનું મન થાય જ. એ માટે અહીં ફ્રૂટ જૂસ, કૉકટેલ, મિલ્કશેક્સ, આઇસક્રીમ્સ અને ફાલુદા પણ મળે છે, પરંતુ એ બધા જ કરતાં વધુ બહેતર છે ટ્રેડિશનલ પીયૂષ અને કોકમનું શરબત. જોકે પાતળા શિખંડ જેવું પીયૂષ થોડુંક વધુ સ્વીટ લાગી શકે છે, પરંતુ તીખી વાનગીઓ ખાધા પછી ઇતના મીઠા તો ચલતા હૈ.

indian food mumbai food sejal patel