વીગન પનીર અને પીત્ઝા ખાવા ચાલો રવિવારી વીગન બજારમાં

23 December, 2021 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘાટકોપરની કામા લેનમાં આગામી ચાર રવિવાર માટે વીગન ફૂડ બજાર ખૂલી રહ્યું છે જ્યાં અહિંસક આહારશૈલીના અપરંપાર વિકલ્પો મળી જશે

પ્રતીકાત્મક તસવીર

વીગન લાઇફસ્ટાઇલ વિશ્વભરમાં બહુ ધીમી પણ મક્કમ ગતિએ પ્રસરી રહી છે. એનાં કારણો બે છે. એક દૃષ્ટિકોણ છે પ્રાણીઓને કોઈ જ પ્રકારનું નુકસાન ન પહોંચે એ અને બીજો દૃષ્ટિકોણ છે એનાથી થતા સ્વાસ્થ્યના ફાયદા. આપણા જીવનમાં આ બન્ને દૃષ્ટિકોણ ખૂબ સ્ટ્રૉન્ગ મહત્ત્વ ધરાવતા હોવાથી હવે ઘણા લોકો વીગન જીવનશૈલી અપનાવી તો રહ્યા છે, પણ એને ફૉલો કરવાનું 
અઘરું લાગતું હોવાથી થોડા જ દિવસમાં તેઓ પાછા નૉર્મલ રુટિનમાં આવી જાય છે. વીગન જીવનશૈલી દ્વારા લોકોના વર્ષો જૂના ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, થાઇરૉઇડ જેવા ક્રોનિક રોગો પણ રિવર્સ કરતા ડૉ. રૂપા શાહ કહે છે, ‘વીગન આહારશૈલી એક વાર અપનાવે તેમને એના ફાયદા જોવા મળે જ છે, પણ સ્વાદ અને રોજિંદી વાનગીઓ ખાવા ન મળતી હોવાને કારણે અનેક લોકો અડધેથી છોડી દે છે. અમે આ વીગન બજાર દ્વારા એ બતાવવા માગીએ છીએ કે ડેરી-ફ્રી પ્રોડક્ટ્સ બહુ સરળતાથી બની પણ શકે છે અને મુંબઈ જેવા શહેરમાં એ સરળતાથી અવેલેબલ પણ છે.’
આ વીગન બજારમાં તમને સિંગદાણા કે કાજુના દૂધમાંથી બનાવેલા દહીં વડાં અને દહીં ઇડલીનું ફ્રી સૅમ્પલ પણ ચાખવા મળશે. આ ઉપરાંત લગભગ વીસ જેટલા સ્ટૉલ્સ છે જેમાં તમને દૂધ, બટર, ચીઝ, પનીર, આઇસક્રીમ, ચા, સૅન્ડવિચ, પીત્ઝા, પાસ્તા અને બર્ગર જેવી ચીજો પણ મળશે. અને એ દરેક આઇટમ સંપૂર્ણપણે વીગન એટલે કે વનસ્પતિજન્ય ચીજોમાંથી જ બનાવેલી હશે. એક છત તળે મુંબઈના વિવિધ વીગન પ્રોડક્ટ્સનું વેચાણ કરતા લોકોને લાવવાનો આ વિચાર અમેરિકાના વર્લ્ડ વીગન વિઝનના સ્થાપક હર્ષદભાઈ શાહ અને માલતીબહેન શાહની આર્થિક સહાયથી અમલમાં મુકાયો છે. આ બજારની પ્રેરણા ઘાટકોપરમાં રહેતા હર્ષદભાઈ પારેખ અને નયનાબહેન પારેખ છે. આ બન્ને યુગલ લગભગ અઢી-ત્રણ દાયકાથી વીગન જીવનશૈલી ફૉલો કરે છે અને એના પ્રચાર માટે કામ કરી રહ્યા છે. 
જ્યારે પણ કોઈ વ્યક્તિ વીગન થવાનું વિચારે છે ત્યારે તેમને વીગન ચીજો ક્યાંથી મળશે? એ સૌથી મોટો સવાલ હોય છે. ઘરે જાતે વનસ્પતિજન્ય દૂધ કે એની ચીજો બનાવવાનું ન આવડતું હોવાથી તેમને લાગે છે કે સ્વાદમાં કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. પણ એવું જરાય નથી. ડૉ. રૂપા શાહ કહે છે, ‘હવે તમે નૉર્મલ લાઇફમાં જે પણ ખાઓ-પીઓ છો એ બધું જ વીગન ડાયટમાં પણ મળી જ શકે છે અને એ પણ તમારા મોબાઇલમાં વન-ક્લિક અવે છે. અમે તો નૉન-વેજ ઇટર્સ માટે મૉક-મીટની ચીજો પણ તૈયાર કર્યું છે જેને કારણે સ્વાદમાં કોઈ જ કૉમ્પ્રોમાઇઝ કર્યા વિના તમે વીગન બની શકો છો.’
મુંબઈ વીગન બજાર
ક્યારે?: ૨૬ ડિસેમ્બર,૨૦૨૧ તેમ જ ૨, ૯, ૧૬ જાન્યુઆરી, ૨૦૨૨
ક્યાં?: શિવાજી હૉલ, કામા લેન, ઘાટકોપર-વેસ્ટ
સમયઃ સવારે ૮થી બપોરે ૨.

life and style