13 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મગદાળનાં પ્રોટીનયુક્ત વૉફલ્સ
સામગ્રી : ૩/૪ કપ મગ ફાડા (લીલી મગદાળ), ૧ લીલું મરચું, ૧ ટુકડો આદું, ૧/૨ ટીસ્પૂન મીઠું, ૧/૨ ટીસ્પૂન મરી પાઉડર, છીણેલું પનીર, સમારેલું કૅપ્સિકમ, સમારેલું ગાજર, ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો.
બનાવવાની રીત : મગદાળને પાણીમાં ઓછામાં ઓછા બે કલાક માટે પલાળી રાખો. જો સમય ઓછો હોય તો ૩૦ મિનિટ માટે પણ પલાળી શકાય.
પલાળેલી મગદાળને પાણીમાંથી કાઢીને મિક્સરમાં થોડા પાણી સાથે બરાબર પીસી લો. મિશ્રણ થોડું રફ અને થોડું સ્મૂધ રાખવું, એકદમ પેસ્ટ જેવું ન બનાવવું.
પીસેલી મગદાળમાં સમારેલું લીલું મરચું અને આદુંના ટુકડા ઉમેરીને ફરીથી થોડું પીસી લો. હવે એમાં મીઠું, મરી પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લો.
પસંદગી અનુસાર સમારેલાં પનીર, ગાજર અને કૅપ્સિકમ એક ડિશમાં લઈ એમાં મીઠું અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.
વૉફલ મશીનને ગરમ કરો અને એના મોલ્ડમાં ઘી કે બટર લગાવો.
વૉફલ મશીન ન હોય તો સાદા સૅન્ડવિચ ટોસ્ટરમાં કે પછી તવા પર ચીલાની જેમ અથવા અપ્પમ પ્લેટમાં અપ્પમની જેમ પણ બનાવી શકાય.
હવે વૉફલ મશીનના દરેક મોલ્ડમાં બરાબર માત્રામાં મગદાળનું તૈયાર કરેલું મિશ્રણ ફેલાવો.
આ મિશ્રણની ઉપર પનીર અને વેજિટેબલનું સ્ટફિંગ લગાવો. પછી વધુ થોડું મગદાળનું મિશ્રણ સ્ટફિંગ ઉપર ફેલાવી દો જેથી સ્ટફિંગ સારી રીતે કવર થાય.
વૉફલ મશીન બંધ કરીને એને ૪-૫ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બને ત્યાં સુધી શેકાવા દો.
તૈયાર વૉફલને બહાર કાઢો, ગરમાગરમ મનપસંદ ચટણી કે ટમૅટો સૉસ સાથે પીરસો.
બાળકોને લંચબૉક્સમાં આપવા માટે આ રેસિપી બહુ જ ઉપયોગી છે.