ઘામટાને આજે પણ મેં જીવતું રાખ્યું છે

26 February, 2020 05:33 PM IST  |  Mumbai | Rashmin Shah

ઘામટાને આજે પણ મેં જીવતું રાખ્યું છે

રાંધો હિતેનકુમાર સાથે

૧૦૯ ફિલ્મો, ૪૦થી વધારે નાટકો અને ૨૦ જેટલી ટીવી-સિરિયલ કરી ચૂકેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમારના હાથની ચા પીવી હોય તો તેમની ઑફિસ જવાનું. ઓશિવરાની તેમની ઑફિસમાં આઠ જણનો સ્ટાફ હોવા છતાં પણ ગેસ્ટ માટે ચા હિતેનકુમાર જ બનાવે છે. કિચનમાં ભાગ્યે જ ઘૂસતા હિતેનભાઈને જ્યારે ઘામટા નામનું શાક ખાવું હોય ત્યારે તે કોઈના પણ આમંત્રણ વિના સીધા કિચનમાં ઘૂસી જાય છે. તેમના હાથના ઘામટાને તેમની વાઇફ સોનલ બે મોઢે ખાય પણ ખરાં અને ચાર મોઢે વખાણ પણ કરે. તેમના રસોડાના પ્રયોગોની રશ્મિન શાહ સાથેની વાતો તેમના જ શબ્દોમાં જોઈએ.

આપણને ખાસ કંઈ આવડે નહીં અને આવડતું નહીં હોવાનું કારણ પણ ઘરના લોકો જ છે. મારી મમ્મી ઊર્મિલાબહેન અને પછી વાઇફ સોનલના કારણે પણ હું કિચનમાં નિયમિત જતો થયો નથી. અપજશ ગણો તો આ અપજશ તેમનો પણ મારે માટે તો એ બન્ને સાક્ષાત અન્નપૂર્ણા છે. એંસી-નેવુંના દશકમાં જ્યારે હું સ્ટ્રગલ કરતો હતો ત્યારે મમ્મી રીતસર મારી રાહ જુએ. હું રાતે બાર-એક વાગ્યે આવું ત્યારે મમ્મી બધું ગરમ કરીને મને જમાડે. આમ સ્વાદિષ્ટ રસોઈમાં તેમના હાથની લથબથ લાગણીઓ ઉમેરાય એટલે જલસો પડી જાય. પછી એ જવાબદારી સોનલે લઈ લીધી એટલે મારે મન તો ઘર ગોળનું ગાડું બની ગયું.

આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં જ થતું હોય છે અને ઘર મારું મુંબઈમાં એટલે બને એવું કે ઘરે આવું ત્યારે દરરોજ ભાવતાં ભોજન હોય અને ગુજરાત હોય ત્યારે જાતે ઘર જેવું ખાવાનું શોધી લઉં. હું એક વાત કહીશ કે મને ક્યારેય ફાઇવસ્ટાર હોટેલનું ફૂડ ભાવ્યું નથી. ક્યારેય નહીં. ગયા હોઈએ અને ખાઈ લઈએ એ વાત જુદી છે પણ અંદરખાને જમ્યા હોવાની લાગણીનો તો અભાવ રહે જ રહે. ગયા વર્ષની વાત કરું તમને. મારે ફિલ્મ ‘સિમરન’ના શૂટિંગ માટે અમેરિકા જવાનું થયું. જ્યાં શૂટિંગ ચાલે ત્યાં ઇન્ડિયન ફૂડ કંઈ મળે નહીં અને ડિરેક્ટર હંસલ મહેતાથી માંડીને કંગના રનોટ સુધીના કોઈને ઑથેન્ટિક અમેરિકન અને ચાઇનીઝ ફૂડ કે કૉન્ટિનેન્ટલ બ્રેકફાસ્ટમાં મજા આવે પણ આપણે તો સાહેબ, મરીમસાલાના માણસ. બ્રેડ-બટર ને પાસ્તા ને પૂડિંગ, નૂડલ્સ ને કૉર્નફ્લેક્સમાં મજા ન આવે. પહેલો દિવસ તો જેમતેમ કાઢ્યો. જાતને બહુ ભાંડી પણ ખરી કે સાલ્લું જાતે બનાવતાં શીખ્યો કેમ નહીં, પણ ભાંડવાથી તો ચાલે નહીં એટલે હું તો નીકળી ગયો બીજા દિવસે હોટેલમાંથી. ઓછામાં ઓછા પાંચેક માઇલ દૂર મને એક આપણી ઇન્ડિયન હોટેલ મળી. જાણે કે કાશી અને મથુરા મળી ગયાં. એક મહિનો મેં એ જગ્યાએ મારી ઇચ્છા મુજબ ફૂડ બનાવડાવીને ખાધું છે. અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા જેવા અનેક કન્ટ્રી વારંવાર ગયો છું પણ જ્યારે ગયો છું ત્યારે ફૂડના આ લિમિટેશનને ધ્યાનમાં રાખીને એવું જ પ્લાનિંગ કરવામાં આવ્યું હોય પણ ‘સિમરન’ સમયે શૂટ ઍટ્લાન્ટામાં હતું ઍટ્લાન્ટા એવો એરિયા કે ઇન્ડિયન ફૂડ ઈઝિલી મળે જ નહીં. યુકે તો મારો મોટો ભાઈ જ રહે છે ને તે પણ લેસ્ટરમાં રહે છે. લેસ્ટરમાં તો તમને સાલ્લું મીઠું પાન પણ મળી જાય અને ખૈની પણ મળી જાય એટલે વાંધો આવે જ નહીં.

સ્ટ્રીટ ફૂડનો હું રસિયો છું એમ કહું તો ચાલે. અમદાવાદમાં માણેકચોકમાં મળતી રગડાવાળી પાણીપૂરી કે પછી ભાઈદાસની સામે મળતી સૅન્ડવિચ અને રાતે મળતા ઢોસા કે પછી લારી પર મળતી રગડા જેવી ઘટ્ટ કાઠિયાવાડી ચા મારાં ફેવરિટ છે. મશીનની કે ફાઇવસ્ટારની ચા તો મને દીઠી ગમતી નથી. સાલ્લું એવો અનુભવ કરાવે કે તમે જાણે બીમાર હો. મને ઈરાની રેસ્ટોરન્ટમાં મળતી પેલી ચિલિયાની ચા પણ બહુ ભાવે પણ હવે ઈરાની રેસ્ટોરન્ટ ટી ગયા છે એટલે એ પીવા નથી મળતી.

મારી ઑફિસ ઓશિવરામાં છે. જે મારે ત્યાં રેગ્યુલર આવે છે તેમને ખબર છે કે મારા ગેસ્ટને ચા હું મારા હાથની જ પીવડાવું છું. જાતે ચા બનાવવાની. આ ચામાં હું ઘરે બનાવેલો ગરમ મસાલો નાખું છું. આ મસાલો સોનલ બનાવે છે. એમાં લગભગ આઠેક જાતના મસાલા પડે છે. એ ચા એવી તે સરસ બને છે કે ભાઈબંધો મળવા માટે નહીં પણ મારા હાથની ચા પીવા માટે ઑફિસ આવે. કેટલાક ભાઈબંધો તો ઑફિસ નજીક પહોંચીને ફોન કરીને કહે પણ ખરા - કટિંગ રેડી કર, આવું છું ઑફિસે.

અમેરિકાના એ અનુભવ પછી એવી પરિસ્થિતિ આવી ગઈ કે થોડુંઘણું તો શીખવું જ જોઈએ. અત્યારે હું મારી સિરિયલના શૂટિંગ માટે મહિનામાં વીસ દિવસ ગુજરાતમાં રહું છું. તમે સતત બહારનું ખાઈ ન શકો એટલે આ દિવસોમાં હું સૅલડ પર વધુ ફોકસ રાખું છું. મજાકમાં હું સોનલને કહું પણ ખરો કે આ મારી નેચરોપથી ટૂર છે. જોકે એ પછી પણ ક્યારેક બીજું કંઈ ખાવાનું મન થઈ આવે તો ઘામટા જાતે બનાવી લઉં અને બહારથી રોટલા મંગાવી લેવાના. આ ઘામટામાં મને કોઈ પહોંચી ન શકે.

ઘામટા

ઘામટા તમે ક્યાંય બનતું કે મળતું સાંભળ્યું નહીં હોય. આ એક એવું શાક છે જે બારડોલીથી ચીખલી સુધીના સાઠ કિલોમીટરના અંતરમાં જ જોવા, ખાવા અને સાંભળવા મળે. ઘામટા એટલે સાદી ભાષામાં કહીએ તો પાપડનું શાક, પણ આ પાપડ એટલે આપણા અડદ કે ચોખાના પાપડ નહીં. સાત દાળને મિક્સ કરીને આ પાપડ બનાવવામાં આવે. આ મિક્સ દાળના પાપડને શેકીને એનો ભૂકો કરી નાખવાનો. ચૂરો થયેલા પાપડને બાજુ પર મૂકીને કાંદા, ટમેટા, લસણને સુધારી મસાલા મૂકી એનો વઘાર કરવાનો અને એ વઘારમાં પેલો પાપડનો ચૂરો નાખી દેવાનો. તૈયાર થઈ ગયું તમારું ઘામટા.

આ ઘામટા અહીંના સ્થાનિક લોકોની ફેવરિટ આઇટમ છે. હવે તો ઘામટા નવી જનરેશનને ખબર નથી હોતી પણ આ વિસ્તારના લોકોમાં એ બહુ પૉપ્યુલર છે. ઘામટા સાથે જુવારનો રોટલો અને છાશ હોય. ઘણા ઘામટામાં જુવારના રોટલાનો ભૂકો કરીને એ પણ ઉમેરી દે અને પછી એમાં છાશ મિક્સ કરીને આપણે ખીચડી ખાઈએ એ રીતે ખાય છે. ઘામટા-રોટલો ખાવાની બહુ મજા આવે અને કહો કે મારાં ફેવરિટ પણ છે. ઘરે મહિનામાં એક વાર તો ઘામટાનું શાક બને જ બને અને એ બનાવવાનું હોય ત્યારે મારે જ કિચનમાં જવાનું.

સોનલને બનાવતાં આવડે જ છે, પણ એમ છતાં તેની આશા હોય કે ઘામટા તો હું જ બનાવું. તે બધું તૈયાર રાખે. જમવા બેસતી વખતે ગરમાગરમ ઘામટાનું શાક હું તૈયાર કરું અને અમે સાથે જમીએ.

ઘામટા કેવી રીતે બન્યું એની પાછળની નાનકડી વાત પણ જાણવા જેવી છે.

આ એક એવો વિસ્તાર છે જ્યાં ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે છે. હવે તો ક્લાઇમેટ ચેન્જના કારણે બધું ડિસ્ટર્બ છે, પણ પહેલાં અતિશય વરસાદ પડતો. એવા સમયે લોકો બબ્બે દિવસ સુધી ઘરની બહાર નીકળી શકતા નહીં. કાંદા, ટમેટાં કે લસણ લાંબો સમય ઘરમાં રહી શકે અને બટેટા રહી શકે પણ બટેટાનો ઉપયોગ આ સાઠ કિલોમીટરમાં થતો નથી એટલે ઘરની બહાર નીકળવા ન મળે એવા સમયે ખાવાનું શું કરવું એના અખતરામાં આ ઘામટાનો જન્મ થયો. ઘામટામાં સમયાંતરે અખતરાઓ પણ થયા. ગ્રેવી સાથે ઘામટા બનાવવામાં આવ્યું. ઘામટા એકલું ખાઈ શકાય એ માટે બનાવતી વખતે જ એમાં જુવારનો રોટલો નાખીને એનો વઘાર કરવામાં આવ્યો, પણ અલ્ટિમેટલી ઓરિજિનલ રીત જ અકબંધ રહી. ઘામટા, જુવારનો રોટલો, છાશ અને લસણની ચટણી અને બહુ મન થાય તો સાથે ગોળ. ટ્રાય કરજો ઘરે તમે પણ, મજા આવશે એની ગૅરન્ટી મારી.

Gujarati food mumbai food indian food Rashmin Shah