આ ભાઈના હાથની જૈન વાનગીઓ ખાશો તો ખાતા જ રહી જશો

12 April, 2021 03:14 PM IST  |  Mumbai | Bhakti D Desai

કાંદિવલીમાં રહેતા પારસ શાહને કૉલેજના સમયમાં અચાનક ઘરમાં એકલા રહેવાનું થયું ત્યારે પેટ ભરવા પૂરતા કિચનના પ્રયોગો શરૂ કરેલા, પણ હવે તો તેઓ કુકિંગના એવા માસ્ટર થઈ ગયા છે કે તેમને જબલપુરમાં રેસ્ટોરાં ખોલવાની ઑફર મળી છે

પારસ શાહ

ઘણી વાર જીવનમાં મજબૂરી એવી આવે કે તમે ક્યારેય કર્યું ન હોય એવાં કામો કમને કરવાં પડે, પણ એ જ કામો તમારો શોખ અને પૅશન બની જાય. જેમ લૉકડાઉન દરમ્યાન ઘણા પુરુષોએ કિચનમાં કુકિંગના પ્રયોગો કર્યા. જોકે કાંદિવલીમાં રહેતા પારસ શાહને કૉલેજના સમયમાં આવું થયેલું. અચાનક ઘરમાં આવી પડેલી સ્થિતિને કારણે લગભગ છ મહિના માટે તેમણે ઘર અને કિચન સંભાળવા પડ્યાં અને એ છ મહિનાના ગાળાએ તેમના જીવનમાં અનોખો વળાંક આણ્યો. હવે તો કુકિંગ પારસનું પૅશન છે. તેમના હાથનું ભોજન લોકો આંગળાં ચાટીને ખાય છે અને એ જ કારણોસર હાલમાં જ પારસને જબલપુરમાં આલીશાન રેસ્ટોરાં ખોલવાની ઑફર પણ મળી છે.

વળાંક કેવી રીતે આવ્યો?

પારસ તેમનાં મમ્મી-પપ્પા સાથે રહે છે. તેમને એક બહેન પણ છે, જે પરણીને સાસરે છે. પારસ જ્યારે કૉલેજમાં ભણતો હતો ત્યારે તેની આ પરિણીત બહેન એક ગંભીર બીમારીનો ભોગ બની ગઈ અને પારસનાં માતા-પિતાને આ વિશે જાણ થતાં જ તેઓ રાતોરાત પોતાની દીકરીની સારવારમાં સહાય કરવા છ મહિના માટે દીકરી પાસે પહોંચી ગયાં, જેને કારણે ઘરની તમામ જવાબદારી અને કામો નવા નિશાળિયા પારસના માથે આવી ગઈ. પારસ કહે છે, એ વખતે તો મને એ કામ જાણે રાજ્યનો કારભાર સંભાળવાનો હોય એટલું અઘરું લાગતું હતું. પારસ કહે છે, ‘અમે ચુસ્ત જૈન છીએ અને અમારે ત્યાં કંદમૂળ અને કાંદા -લસણ વગરની જ રસોઈ બને.  દરરોજ રેસ્ટોરાંમાં જમાવાનો વારો આવે તો હેલ્થ તો બગડે જ પૈસાનો પણ વેડફાટ થઈ શકે તેથી મેં મનમાં વિચાર કર્યો કે જોઉં તો ખરો કે હું રસોઈ બનાવી શકું છું કે નહીં. અને એ દિવસથી શરૂ થઈ મારી કુકિંગયાત્રા.’

નવી પાંઉભાજીનો આવિષ્કાર

બીજા દિવસે સવારે ઊઠીને પારસે સૌથી પહેલી ડિશમાં પાંઉભાજી બનાવવાનું નક્કી કર્યું. પારસ કહે છે, ‘આંખ બંધ કરી અને એનો સ્વાદ કેવો હોય અને એમાં કઈ ચીજોની જરૂર પડી શકે છે એ વિચાર્યું. વળી યાદ આવ્યું કે મમ્મીની રસોઈમાં ગળાશ અને ખટાશ તો હોય જ છે. એ બધી ટિપ્સ વાપરીને એ દિવસે મેં સાકર, લીંબુ, હિંગ અને સંચળવાળી જૈન પાંઉભાજી બનાવી. બોલો, પાંઉભાજી પણ ગળચટ્ટી બનાવી! જ્યારે મેં ભાજી ખાધી પછી સમજાયું કે ભાજી તો સરસ છે, પણ ગળ્યો સ્વાદ આમાં ન ભળે. બીજી વાર આ એક ભૂલ સુધારી લીધી અને મારા મિત્રોને મારી બનાવેલી જૈન ભાજી જમાડી અને નૉન-જૈન મિત્રો આ જૈન ભાજી પર ફિદા થઈ ગયા. રેસીપી માગવા લાગ્યા. ત્રીજી વાર મારાં એક ભાભીને ત્યાં કોઈ પ્રસંગમાં મેં જૈન પાંઉભાજી ચાખી અને મને થયું હું મારી રીતે એમાં મસાલો કરું. ભાભીએ ડરીને મને એક પ્લેટ જેટલી ભાજી આ પ્રયોગ કરવા આપી અને લોકોએ એ જ ભાજી ખાધી. આમ હું અને મારી ભાજી મારા સીમિત વર્તુળમાં પણ બની ગયાં વર્લ્ડ ફેમસ! જ્યાં પણ પાંઉભાજીની વાત આવે ત્યાં આજેય લોકો મારા હાથની જૈન ભાજી ખાવાની ફરમાઈશ કરે. આમ થઈ શરૂઆત મારા રસોઈમાં માસ્ટર બનવા તરફના પ્રયાણની.’

છ મહિના દરમ્યાન પારસે અનેક વાનગીઓ બનાવી. જે ખાવાનું મન થતું હતું એ બધું જ બનાવીને ખાધું. પારસ કહે છે, ‘ભગવાનની કૃપાથી મારી બહેન રોગમાંથી ઊગરી ગઈ અને મમ્મી-પપ્પા જ્યારે છ મહિના પછી ઘરે પાછાં આવ્યાં ત્યારે તેમને મારું હોમ શેફનું રૂપ જોવા મળ્યું. આમ તો હું જૉબ કરું છું અને રસોઈ મારું પૅશન છે. ’

પારસ માત્ર જૈન ફૂડ જ બનાવે છે ને એ પણ સ્વાદિષ્ટ. તે કહે છે, ‘મારી રસોઈ ખાઈને કાંદા -લસણ ખાનારા લોકો પણ આંગળીઓ ચાટી જાય છે. મારી વાનગીમાં જો હું ટમેટા નાખું તો પણ તમને ખાતી વખતે એમાં ટમેટાનો તીવ્ર સ્વાદ નહીં આવે. મેં ૧૪ વર્ષ વાસ્તવમાં મારા આ શોખને એટલો કેળવ્યો છે કે હું આજે એને મારો વ્યવસાય બનાવવા સક્ષમ થઈ ગયો છું.  મને ગર્વ છે કે મને જબલપુરના પૉશ વિસ્તારમાં આલીશાન રેસ્ટોરાં માટે ઑફર આવી છે, પણ નૉન-જૈન હું બનાવીશ નહીં અને જૈન ત્યાં ચાલશે કે નહીં એ ખબર નથી. હવે હું ઇન્ટરનેટ પર રેસિપી જોઉં છું અને એમાં મારી સિક્સ્થ સેન્સનો ઉપયોગ કરી એને એક જુદી જ ડિશમાં ચેન્જ કરું છું. મેં પાંઉભાજી મસાલા, છોલે મસાલા, પંજાબી ગ્રેવી મસાલા આમ તમામ રેસિપી માટે પોતાના મસાલાઓ તૈયાર કર્યા છે. મારાં કોઈ પણ શાક હોય એમાં ધુંગાર આપવાની પણ મેં મારી આગવી એક રીત શોધી છે. થોડુંય તેલ ન રહે એવાં તળેલાં સમોસા, પરાંઠાં, પૂરી, કચોરી આવાં વ્યંજનો હું બનાવું છું. લોઢી ઊંધી કરીને ઘરમાં તવા કુલચા પણ બનાવ્યા છે. પંજાબી રેસિપીમાં મારી ફાવટ છે અને હું દરેક પંજાબી રેસિપી એટલી સ્વાદિષ્ટ બનાવું છું કે જે એક વાર ચાખે એ રેસ્ટોરાંમાં ખાવાનું પસંદ નથી કરતા.’

જાતજાતની ડિશ બનાવી

મમ્મી-પપ્પા વગર છ મહિનામાં રસોઈનો રંગ લાગ્યો અને એ પછી તો કુકિંગ પૅશન બની ગયું. પારસ કહે છે, ‘મારી અંદર કોઈ એવી શક્તિ હતી જે કોઈ રેસિપી જોયા વગર આત્મસ્ફુરણાથી મારું માર્ગદર્શન કરતી હતી કે મારે કઈ વાનગી કેવી રીતે બનાવવી જોઈએ અને એકેય વાનગી મારી બગડી નથી. હું પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી વ્યંજનો અને ફરસાણ, સાઉથ ઇન્ડિયન આ બધા પ્રકારનું ખાવાનું બનાવું છું. રસગુલ્લા, કેક જેવાં ડીઝર્ટ પણ બનાવું.’

columnists bhakti desai