જાણો ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત

24 January, 2020 04:06 PM IST  |  Mumbai | Sejal Patel

જાણો ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત

ઘઉંના લોટની બ્રેડ

સામગ્રી

☞ ૩૦૦ ગ્રામ ઘઉંનો લોટ

☞ એક મોટી ચમચી શુગર

☞ એક મોટી ચમચી બટર

☞ અડધો કપ દૂધ

☞ એક નાની ચમચી નમક

☞ જરૂરિયાત મુજબ પાણી

બનાવવાની રીત

ઘઉંના લોટને બરાબર ચાળી લો. બ્રેડ બનાવવા માટે તાંસળું કે તાસક લેવાને બદલે એને ડાયરેક્ટ કિચનના પ્લેટફૉર્મ પર જ બનાવો તો એ વધુ બહેતર રહેશે. એ માટે પહેલાં કિચનના પત્થરને સ્વચ્છ કરી લેવો. એની પર ઘઉંના લોટની ઢગલી બનાવવી અને એમાં વચ્ચે ખાડો કરવો. એ ખાડામાં દૂધ, શુગર, યીસ્ટ, બટર અને નમક નાખવાં. યીસ્ટ ઍક્ટિવેટ થાય ત્યાં સુધી રાહ જોવી. દૂધમાં ઉપર ફીણ આવવા લાગે એટલે સમજવું કે યીસ્ટ ઍક્ટિવેટ થઈ ગઈ છે.

ત્યાર બાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને લોટ બાંધી લેવો.

લોટ બાંધતી વખતે એને દસથી પંદર મિનિટ માટે કૂણવવો. જેટલો વધુ કૂણવશો એટલી બ્રેડ સૉફ્ટ થશે. આ લોટ રોટલીના લોટ કરતાં પણ ઢીલોઢસ હોવો જોઈએ. કૂણવ્યા પછી લોટને ત્યાં જ ઢાંકીને મૂકી દો. ત્રીસેક મિનિટમાં લોટ ફૂલીને ડબલ સાઇઝનો થઈ જશે. એ પછી એને સહેજ હળવા હાથે કૂણવો.

જો સ્લાઇસ બ્રેડ બનાવવી હોય તો એ માટેના ખાસ ટિનમાં એને પાથરો. ટિનમાં પાથરતાં પહેલાં એને બટરથી ગ્રીસ કરી લેવું. લોટને અંદર પાથર્યા પછી એની પર દૂધ અને પાણીનું બ્રશ ફેરવી દેવું. જો એમ નહીં કરો તો અવનમાં બેકિંગ દરમ્યાન ઉપરની સપાટી જલદી ડાર્ક થઈ જશે અને અંદરથી બ્રેડ બરાબર ચડશે નહીં.

આ ટિનને ૧૨-૧૫ મિનિટ માટે ફરી પ્રૂફિંગ માટે રહેવા દો અને સાથે અવનને ૨૨૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રી-હિટ કરો. અવન પ્રી-હિટ થઈ જાય એટલે ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને બ્રેડ બેક કરવા મૂકો.

સ્લાઇસ બ્રેડ હોય તો એને બેક થતાં ૧૮થી ૨૦મિનિટ જેટલો સમય લાગે છે.

અવનમાં બ્રેડ શેકાઈ જાય એ પછીથી એને બહાર કાઢીને ઠંડી પડવા દો. બરાબર ઠંડી પડે એ માટે એને જાળીવાળી ટ્રેમાં ઊંધી કાઢી લો. સાવ ઠરે એ પછીથી એની સ્લાઇસ પાડો.

indian food mumbai food sejal patel