કમ મેં ઝ્યાદા કા મઝા

02 April, 2020 07:42 PM IST  |  Mumbai | Bhakti D Desai

કમ મેં ઝ્યાદા કા મઝા

ટેસ્ટી વાનગીઓ

એક તરફ રોજબરોજની ચીજો પૂરતી માત્રામાં ઘરે હોય નહીં ત્યારે નવું-નવું ખાવાનું મન થાય તો શું કરવાનું? શું રોજ નવી-નવી ચીજો ખરીદવા માટે બહાર નીકળી પડવાનું? ના. જે છે એમાં જ કેવી રીતે ચલાવી લેવું એ પણ એક કળા છે. દરેક ઘરમાં રવો, દાળ, ઘઉં-ચોખા આટલી ચીજો તો ભરેલી પડી જ હોય છે. ચાલો, આજે નિષ્ણાત પાસેથી જાણીએ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરીને નવું-નવું કઈ રીતે બનાવી શકાય

ઘરની બહાર નીકળ્યા વિના જાતને ખુશ રાખવી અને માત્ર ખાવા-પીવા અને સૂવાની જ પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે જીભને વરાઇટી જોઈતી હોય છે. રોજ નવું-નવું બનાવવામાં સ્ત્રીઓ પોતાના જ રસોડામાં લૉકડાઉન થઇ ગઈ હોય એવું જણાય છે. તેઓ સતત એક જ પ્રશ્ન સાથે ઉલઝી રહી છે અને એ પ્રશ્ન એટલે ઑફિસ, સ્કૂલ, કૉલેજ અને બધી રેસ્ટોરાં બંધ હોવાથી પોતાના ભર્યા ઘરમાં ઉપસ્થિત સદસ્યોને આખો દિવસ ભૂખ લાગે ત્યારે આપવું તો શું આપવું? ઘણી વાર ઘરના વડીલોને તો જે આપો એ ખાઈ લે, પણ બાળકોના ટેસ્ટબડ્સને સંતોષવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેનુમાં શું બનાવવું? વળી એવું પણ નથી કે બજારમાંથી જ્યારે જે જોઈએ એ સામાન લાવી શકાય. સ્ત્રીઓએ રસોડામાં પોતાની પાસે જે કંઈ સામગ્રીઓ હોય એમાંથી જ ખાવાનું બનાવીને આપવું પડે છે એ તો એક મોટી કુકિંગ કસોટી છે.

મીરા રોડમાં ૧૦૦ ટકા વેજિટેરિયન કન્ફેક્શનરી આઉટલેટ ચલાવનાર હોમબેકર દિવ્યા છેડા પણ હાલમાં રસોડાનાં રાણી બનીને પરિવારજનોને રોજેરોજ અવનવી વાનગીઓ ખવડાવવામાં વ્યસ્ત છે. કુકિંગ માટેનું જબરજસ્ત પૅશન ધરાવતાં દિવ્યા છેડા ઓછામાં ઓછી ચીજોમાંથી વૈવિધ્યસભર વ્યંજનો બનાવવામાં કુશળ છે. દિવ્યા કહે છે, ‘સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવા માટે બહુબધી ચીજો જોઈએ એવું જરાય જરૂરી નથી. આપણા ગુજરાતી ઘરમાં દાળ, રવો, ઘઉંનો લોટ, મેંદો જેવી ચીજો ભરેલી હોય જ છે. આ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી રોજ અવનવા ટેસ્ટી નાસ્તા બનાવી શકાય છે.’

લીલી છીલટી મગની દાળના ઢોસા

સામગ્રી

☞ અડધો કપ લીલી મગની દાળ

☞ અડધો કપ અડદની દાળ

☞ આદુંનો નાનો ટુકડો

☞ બે નાનાં લીલાં મરચાં

☞ પા ચમચી જીરું

☞ મીઠું સ્વાદ પ્રમાણે

રીત

બન્ને દાળને કમ સે કમ પાંચથી છ ક્લાક માટે પલાળવી.

મિક્સરમાં બેઉ દાળ, આદું, મરચાં, મીઠું, જીરું નાખી વાટી લેવું અને પછી એને ઢોસા બને એટલું જ પાણી નાખવું.

તવી ગરમ કરવી. એના પર ઢોસાનું ખીરું નાખી તવી પર પાથરી લેવું અને મધ્યમ આંચ પર ઘી અથવા બટર નાખી ઢોસા ઉતારવા.

આ ઢોસા લીલી કોથમીરની અથવા નારિયેળની ચટણી સાથે અથવા સૉસ સાથે સર્વ કરવા. 

હોમમેડ નાચોઝ ઢોસા

સામગ્રી

☞ ૧ કપ ઘઉંનો લોટ

☞ અડધો કપ મેંદો

☞ ૧/૪ કપ મિક્સ લોટ (ચણા, બાજરી, જુવાર અને નાચણી)

☞ ઑરેગાનો

☞ ચિલી ફ્લેક્સ

☞ અડધો ચમચી અજમો

☞ મીઠું સ્વાદ પ્રમાણે

☞ પાણી જરૂર મુજબ

☞ તળવા માટે તેલ

☞ મેયો સૉસ બનાવવા માટેની સામગ્રી

☞ અડધો કપ પ્લેન મેયો

☞ ૨ ટીસ્પૂન ચિલી સૉસ

☞ ૪ ટેબલસ્પૂન કેચપ

☞ ૧ટીસ્પૂન પાસ્તા સૉસ (ન હોય તો પણ ચાલે)

રીત

બધા લોટ અને સામગ્રી ભેળવી કઠણ લોટ બાંધી લેવો અને એને અડધો કલાક રાખી મૂકવો જેથી એ સુંવાળો થઈ જાય. પછી એની રોટલી જેવી વણી એને ત્રિકોણાકારમાં કાપી લેવું.

હવે એને તેલમાં તળી લેવાં. ક્રિસ્પી નાચો ચિપ્સ તૈયાર છે. હવે એને મેયો સૉસ સાથે ખાવા આપો.

આમાંથી વેજ નાચોઝ પણ બનાવી શકાય. એક થાળીમાં નાચો ચિપ્સ મૂકી એના પર ઝીણાં કાપેલાં ટમેટાં, શિમલા મરચાં અને કાંદા પાથરી જો ઘરમાં હોય તો બાફેલા મકાઈના દાણા ભભરાવવા. એના પર મેયો સૉસ નાખી સેવપૂરીની જેમ ખાવા આપો. આંખના પલકારામાં તો આખી થાળી ખાલી થઈ જશે.

રવાનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં

સામગ્રી

☞ ૧ કપ બારીક રવો

☞ અડધો કપ દહીં

☞ ૧ ચમચી તેલ

☞ ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ

☞ ૧ ટીસ્પૂન સોડાબાયકાર્બ (પ્લેન)

☞ ૧/૪ કપ શાકભાજી (ગાજર, વટાણા, મકાઈ)

☞ સ્વાદ પ્રમાણે મીઠું

વઘાર માટે

☞ ૨ ટીસ્પૂન તેલ

☞ અડધી ટીસ્પૂન રાઈ

☞ અડધી ટીસ્પૂન ટલ

☞ થોડાં સુધારેલાં કઢી પત્તાનાં પાન

☞ ૧ લીલું મરચું બારીક કાપેલું

☞ ભભરાવવા માટે કાપેલી કોથમીર (જરૂર પ્રમાણે લેવી)

રીત

ઈનોને છોડીને બધી સામગ્રી એક તપેલામાં ભેળવી લેવી.

એને પંદર મિનિટ પલળવા દેવું. એ દરમ્યાન એક કઢાઈ અથવા ઢોકળાના કુકરમાં પાણી ઊકળવા મૂકી મોટી થાળીને તેલ લગાડી તૈયાર કરી રાખવી.

હવે ખીરામાં આશરે અને અંદાજે ૧/૪ કપ પાણી ધીરે-ધીરે ભેળવવું અને ઢોકળા ઊતરે તેટલું પાતળું કરી લેવું. ઈનો મિક્સ કરીને એક જ દિશામાં એને હલાવવું. થાળીમાં કાઢી એને આશરે ૧૦ મિનિટ માટે વરાળમાં ચડાવવું. છરી નાખી જોઈ લેવું. જો છરી ચિટક્યા વગર બહાર આવી જાય તો માનવું કે ઢોકળાં બરાબર ચડી ગયાં છે.

હવે એના પર વઘાર કરવો અને એના કટકા કરી કોથમીર ભભરાવી એને પીરસવાં.

ગરમાગરમ અને નરમ ઢોકળાં ખાઈ બાળકો તો ‘વન્સ મોર’ કહેવાનાં જ.

વેજ મેયો રોલ્સ

સામગ્રી

☞ બચેલી રોટલી (૩)

☞ ૧/૪ કપ છીણેલાં શાકભાજી (કોબી, ગાજર, થોડા કાંદા)

☞ અડધો કપ મેયો (કોઈ પણ લઈ શકાય)

☞ ૧ ટીસ્પૂન ટમૅટો કેચપ

☞ અડધી ટીસ્પૂન ચિલી સૉસ

☞ ૧/૪ કપ બારીક કાપેલાં શાકભાજી (ટમેટાં, શિમલા મરચાં, કાકડી)

☞ જો હોય તો બાફેલી બ્રૉકલી અને/અથવા પનીર પણ નાખી શકાય.

રીત

એક તપેલામાં કાપેલાં અને છીણેલાં શાકભાજી, મેયો, મીઠું, ટમૅટો કેચપ અને ચિલી સૉસ ભેળવી લેવાં.

એક ટમૅટો કેચપનો પાતળો થર રોટલી પર લગાડવો અને એની એક બાજુ ઉપરનું મિશ્રણ રોટલી પર મૂકી એને ફ્રૅન્કીની જેમ વાળી રોલ બનાવી વેજ મેયો રોલ સર્વ કરવા.

રવા સૅન્ડવિચ

સામગ્રી

☞ ૧ કપ રવો

☞ અડધો કપ દહીં

☞ અડધો કપ કાપેલાં શાકભાજી (ટમેટાં, ☞ કાંદા, શિમલા મરચાં, બાફેલા મકાઈના દાણા)

☞ લીલી ચટણી

☞ બટર

☞ ભભરાવવા સેવ

☞ બેઝ માટે ૪ બ્રેડની સ્લાઇસ અથવા રોટલી અથવા ચા સાથે ખાઈએ એ ટોસ્ટ કે પછી અન્ય કોઈ પણ બેઝ ઘરમાં બનાવી શકો.

☞ કેચપ

☞ મીઠું સ્વાદ પ્રમાણે

રીત

એક પૅનમાં રવો, દહીં, કાપેલાં શાકભાજી, મીઠું ભેળવી અડધો કલાક માટે એક બાજુએ મૂકી દેવું. પછી જે મળશે એ જાડુ મિશ્રણ હશે (ખીર જેવું).

આ પૂરણને બ્રેડ પર સ્પ્રેડ કરી ઉપર બીજી બ્રેડ મૂકી સૅન્ડવિચ તૈયાર કરી લેવી.

એક પેન લઈ થોડું બટર નાખી આ બ્રેડ ફિલિંગ સાથે ટોસ્ટ કરી લેવું. ગોલ્ડન થાય પછી લઈ કટકા કરી એને સૉસ સાથે ગરમાગરમ સર્વ કરવી.

ચીઝી ગાર્લિક પાંઉ

સામગ્રી

☞ ૬ પાંઉ

☞ અડધો કપ બટર

☞ ૨ ટીસ્પૂન બારીક કાપેલું લસણ

☞ ૧ કપ છીણેલું ચીઝ

☞ ગાર્નિશ કરવા

☞ પાર્સલી અથવા બારીક કાપેલી કોથમીર

☞ ઑરેગાનો

☞ ચિલી ફ્લેક્સ

રીત

પાંઉ પર આડા અને ઊભા ચીરા કરી લેવા. બટર ગાર્લિક અને બારીક કાપેલી કોથમીર અથવા પાર્સલી એક તપેલીમાં મિક્સ કરી લેવાં.

પેસ્ટ્રી બ્રશથી પાંઉ પર અને એમાં પાડેલા કાપામાં અંદર ઊતરે એ રીતે ઉપરનું મિશ્રણ એની પર લગાડવું.

થોડું છીણેલું ચીઝ એના કાપામાં ભરી લેવું. ઉપર પણ ચીઝ નાખવું. એના પર બારીક કાપેલી કોથમીર અને ઑરેગાનો તથા ચિલી ફ્લેક્સ ભભરાવવા.

અવન ટ્રેમાં ૧૨૦ ડિગ્રી પર પાંચથી ૭ મિનિટ એને થવા દેવું. બહાર લઈ એના નાના ટુકડા કરી ખાવા માટે તૈયાર છે.

Gujarati food indian food mumbai food bhakti desai