માનું દૂધ છોડાવો ત્યારે આ કાંજીઓ જરૂર પીવડાવજો

10 October, 2019 03:51 PM IST  |  મુંબઈ | હેલ્ધી-ઇટિંગ - સેજલ પટેલ

માનું દૂધ છોડાવો ત્યારે આ કાંજીઓ જરૂર પીવડાવજો

જાણીએ નવજાત શિશુઓને કેવી-કેવી હેલ્ધી પૉરિજ બનાવીને ખવડાવી શકાય

સ્તનપાન છોડીને બાળકને બહારની ચીજો ખાતાં શીખવવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનો ‍રોલ છે વિવિધ શાક, અનાજ, દાળ અને ફળોમાંથી બનતી પૉરિજનો. પોષણ માટે આ એટલી મહત્વની વાનગી છે કે દર વર્ષે જાગૃતિ માટે ખાસ વર્લ્ડ પૉરિજ ઊજવાય છે. આજે ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ નવજાત શિશુઓને કેવી-કેવી હેલ્ધી પૉરિજ બનાવીને ખવડાવી શકાય એના વિકલ્પો

નવજાત શિશુને માનું દૂધ જ પિવડાવવું બહુ મહત્વનું છે. એનાથી શરીરના પોષણ અને રોગપ્રતિકારક ક્ષમતાનો પાયો નંખાય છે. જોકે છ-સાત મહિના પછી તેના વિકાસ માટે ધીમે-ધીમે બાહ્ય ચીજો આપવી જરૂરી છે. માનું દૂધ છોડાવીને બાળકને સાદા ખોરાક પર ચડાવવાના વીનિંગ ફેઝમાં તમે શું ખવડાવો છો એના આધારે બાળકની ફ્યુચર ઈટિંગ હૅબિટ્સ નક્કી થાય. આપણે ત્યાં જ નહીં, વિશ્વભરમાં નવજાત શિશુને વીનિંગ ફેઝમાં પૉરિજ ખવડાવવામાં આવે છે. જેમ આપણે એને કાંજી કહીએ છીએ એમ વિવિધ દેશ, સમાજ અને સંસ્કૃતિમાં એનાં અવનવાં નામ છે. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં કાળા ચોખામાંથી બનતી પૉરિજને બુબુર કેટાન હિતામ કહેવાય છે. વેસ્ટર્ન યુરોપમાં ફ્રુમેન્ટી, સ્લોવેનિયામાં મૉનિક તેમ જ અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં પૉરિજ તરીકે ઓળખાય છે.

પૉરિજ એક એવી વાનગી છે જે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકાય અને ભોજન તરીકે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. બાળકો હોય કે દાંત વિનાના અત્યંત વૃદ્ધજનો, બન્ને માટે એ કમ્પ્લીટ અને કમ્ફર્ટ ફૂડ બની શકે છે. નવજાત શિશુ માટે કાંજી બહુ મહત્વનો રોલ ભજવે છે એવું માનતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘આ એવું વન પૉટ મીલ છે જે તમે જ્યારે માંદા હો, અપસેટ હો ત્યારે તમને બહુ કમ્ફર્ટ આપે છે. ખાસ કરીને ઘરે તૈયાર કરેલી સામગ્રીથી બનાવેલી પૉરિજ હોય તો એ બાળકના ઓવરઑલ પોષણનું પણ ધ્યાન રાખે છે. એમાં સ્વીટ સેવરી બન્ને પ્રકારની ડિશ બનતી હોય છે. જ્યારે નાના બાળકને સાથે લઈને ટ્રાવેલ કરવાનું હોય ત્યારે સૌથી ઈઝી, હેલ્ધી ડિશ આ હોય. ઍડલ્ટ્સ માટે પણ પૉરિજ બહુ જ સારી છે, પણ બાળકના વીનિંગ ફેઝમાં આ બહુ જ મહત્વની છે. તમે બ્રેકફાસ્ટ માટે પૉરિજ ખવડાવો છો કે મીલ તરીકે એના આધારે એમાં થોડાંક વેરિએશન્સ પણ લાવી શકાય. બીજું, કોઈ એક જ ગ્રેઇન, દાળ કે વેજિટેબલનો ઉપયોગ કરવાને બદલે એમાં પણ વરાઇટી ઉમેરતાં રહો તો બેસ્ટ.’ 

સામા પૉરિજ

સામગ્રી

૧૫૦ મિલીલીટર દૂધ, બે મોટી ચમચી ખડી સાકરનો પાઉડર, ૧ ચમચી સામો, ૨-૩ બદામ (પલાળીને ફોતરું કાઢેલી), ૧-૩ પિસ્તાં, ૩-૪ દ્રાક્ષ , ૧ ચપટી એલચી પાઉડર, બેથી ત્રણ તાંતણા કેસર

બનાવવાની રીત

સામો બરાબર ધોઈને સાફ કરો અને પાણીમાં પંદર-વીસ મિનિટ પલાળી રાખો. એ પછી એમાંથી પાણી કાઢીને એને બાજુ પર મૂકો. બદામ-પિસ્તાંને ક્રશ કરી લો અને દ્રાક્ષને ઝીણી સમારી લો. એક ચમચી ગરમ દૂધમાં કેસર નાખીને એને ઓગાળીને તૈયાર રાખો. અડધું દૂધ ગરમ કરીને એમાં સામો નાખીને ઉકાળો. ધીમી આંચે પાકવા દો. બરાબર પાકી જાય એ પછીથી બાકીનું અડધું દૂધ ઉમેરો. ખડી સાકર, એલચી, કેસર, દ્રાક્ષ અને બદામ-પિસ્તાંનો ભૂકો ઉમેરો. ફરીથી બરાબર ઊકળવા લાગે ત્યાં સુધી ધીમે આંચે પકવો અને સતત હલાવતા રહો. બે-ત્રણ મિનિટ સીઝવા દો. હૂંફાળું ગરમ હોય ત્યારે બાળકને ખવડાવો.

લૌકી બેસન પૉરિજ

સામગ્રી

અડધો લીટર દૂધ, અડધો કપ છીણેલી દૂધી, પા કપ ચણાનો લોટ, સ્વાદાનુસાર સાકર, અડધી ચમચી એલચી પાઉડર, ક્રશ કરેલી બદામનો ભૂકો, ૧ ચમચી ઘી

બનાવવાની રીત

ચણાના લોટને એમ જ ડ્રાય રોસ્ટ કરીને બાજુએ મૂકી રાખો.

એક કડાઈમાં ઘી લો. એમાં છીણેલી દૂધી નાખીને રાંધો. લગભગ દસેક મિનિટ થશે. દૂધી રંધાઈને એમાંથી પાણીનો ભાગ ઊડી જાય ત્યાં સુધી રાંધો.

બીજી તરફ એક પૅનમાં દૂધ ગરમ કરો. એમાં ચડેલી દૂધીનું છીણ ઉમેરો અને બરાબર હલાવો. એક કપમાં થોડુંક પાણી લઈને ચણાનો લોટ બરાબર ઓગાળો અને દૂધના પૅનમાં મિક્સ કરો. બધું જ પાંચેક મિનિટ સુધી ધીમી આંચે પકવો અને સતત હલાવતા રહો.

છેલ્લે સાકર, એલચી પાઉડર અને બદામનો ભૂકો ઉમેરો. આ ખીર જેવી પૉરિજ ઠંડી પડશે એટલે વધુ જાડી થશે. એને ગરમ અથવા ઠંડી બન્ને રીતે સર્વ કરી શકાય.

મખાણા પૉરિજ

સામગ્રી

અડધો કપ શેકેલા મખાણા, ૧૦૦ મિલીલીટર છાશ, અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, એક ચમચી ઘી, સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

કડાઈમાં ઘી ગરમ કરો. એમાં રાઈ નાખો અને તતડે એટલે મખાણા નાખો. એક મિનિટ સુધી એને બરાબર શેકો. એને ક્રશ કરીને પાઉડર જેવું બનાવી લો અને એમાં છાશ ઉમેરો અને બરાબર મિક્સ કરો. બરાબર ચડી જાય એટલે મીઠું નાખો અને સર્વ કરો.

જવ-મુંગ દાલ પૉરિજ

સામગ્રી

અડધો કપ જવનો લોટ, બે મોટી ચમચી મગની દાળ (બાફેલી), ૧ મોટી ચમચી કોળું (છીણેલું), ચપટીક હિંગ, અડધી ચમચી જીરું, થોડુંક તેલ અને સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

નૉન-સ્ટિક પૅનમાં એક ચમચી તેલ ગરમ કરો. એમાં જીરું નાખો. જીરું બરાબર શેકાઈને કિનારીએ આવી જાય એટલે એમાં ચપટીક હિંગ નાખો.

એમાં જવનો લોટ નાખીને બે મિનિટ બરાબર શેકો. લોટ શેકાઈ જાય એટલે બાફેલી મગની દાળ અને ઝીણું છીણેલું કોળું નાખો અને બરાબર મિક્સ કરો.

એક કપ જેટલું પાણી નાખીને ધીમી આંચે પકવો. સ્વાદાનુસાર મીઠું નાખો.

કોળું બરાબર મૅશ કરી દો અને સર્વ કરો.

ઍપલ ઓટ્સ પૉરિજ

સામગ્રી

બે મોટી ચમચી સફરજન (સમારેલું), ૨૫૦ મિલીલીટર દૂધ, બે ચમચી ઓટ્સ, ૧ ચમચી ઝીણી સમારેલી બદામ, ૩ દ્રાક્ષ (સમારેલી), ૧ ચમચી કોકો પાઉડર, અડધી ચમચી મધ.

બનાવવાન‌ી રીત

બધી જ ચીજોને એક વાસણમાં મિક્સ કરીને બે મિનિટ સુધી બ્લેન્ડર ફેરવવું. બધું જ ક્રીમી થઈ જાય એટલે ગ્લાસમાં સર્વ કરીને આપવું.

પૉરિજ ડે શા માટે?

જેમ આપણે ત્યાં ખીચડી સ્ટેપલ અને ફેમસ વાનગી છે એમ સ્કૉટલૅન્ડમાં પૉરિજ છે. અલબત્ત, સ્કૉટલૅન્ડમાં તો પરંપરાગત રાષ્ટ્રીય વાનગીનું બહુમાન પૉરિજને મળ્યું છે. ગ્રેઇન્સ, પલ્સીસ, વેજિટેબલ્સ અને ફ્રૂટ્સની આ સેમી-લિક્વિડ વાનગીમાં વેરિએશન અને ક્રીએટિવિટીની કોઈ સીમા નથી એટલે અહીં દર વર્ષે પૉરિજ બનાવવાની કૉમ્પિટિશન થતી આવી છે. જોકે આાવી સ્પર્ધાઓ દરમ્યાન બનાવવામાં આવતી પૉરિજને એવાં બાળકોમાં વહેંચવામાં આવતી જેમને બે ટંકનું ખાવાનું પણ ઉપલબ્ધ ન હોય. આ કામ સાથે કેટલીક સોશ્યલ સંસ્થાઓ પણ જોડાતી. એમાંની જ એક સૌથી જૂની મૅરીઝ મીલ્સ નામની નૉન-પ્રૉફિટ સંસ્થાએ ખાસ જરૂરિયાતમંદ અને કુપોષિત બાળકોને નિયમિત ફૂડ મળે એવું અભિયાન શરૂ કર્યું અને આ વિચાર લોકો સુધી પહોંચે એ માટે એક ખાસ દિવસે લાખો બાળકોને પૌષ્ટિક પૉરિજ વહેંચવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો : હવે આયંબિલ તપમાં પણ ફૅન્સી વાનીઓ બનવા લાગી છે

૨૦૦૯માં પહેલી વાર વર્લ્ડ પૉરિજ ડે નિમિત્તે ૧૦ ઑક્ટોબરે સ્કૉટલૅન્ડનાં ૩,૨૦,૦૦૦ બાળકોને પૉરિજ વહેંચવામાં આવી. એ પછી તો મૅરીઝ મીલ્સનું કામ વિશ્વભરમાં ખૂબ વિસ્તર્યું છે. આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા, ઈસ્ટર્ન યુરોપ અને કૅરિબિયન વિસ્તારોના ૧૮થી વધુ ગરીબ દેશોમાં આ બાળકોને રોજ પૌષ્ટિક ખાવાનું મળે એ માટે ફ્રી-મીલ્સ વહેંચવામાં આવે છે. ભારત પણ એમાં સામેલ છે.

indian food mumbai food