25 April, 2026 06:18 PM IST | Mumbai | Sanjay Goradia
સમોસા પીત્ઝા
અમે અમેરિકાથી નીકળીને હવે કૅનેડા પહોંચી ગયા છીએ. કૅનેડામાં અમે ટૉરોન્ટોમાં ઊતર્યા છીએ. ટૉરોન્ટો ખૂબ જ મોટું છે. અલગ-અલગ ઘણા વિસ્તારો છે. આ ટૉરોન્ટોની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે અહીં ઇન્ડિયન ફર્સ્ટ જનરેશન એટલે કે અત્યારના યંગસ્ટર્સ ખૂબ આવીને વસ્યા છે, જેને લીધે ચિક્કાર ઇન્ડિયન રેસ્ટોરાં છે. મજાની વાત એ છે કે આપણા ઇન્ડિયન યંગસ્ટર્સે અહીં રેસ્ટોરાં પણ ઘણી કરી છે.
કૅનેડામાં મને મારા ઑર્ગેનાઇઝરે કહ્યું કે ચાલો, આપણે પીત્ઝા ખાવા જઈએ. સામાન્ય રીતે મને પીત્ઝા ખાવાનું કહેવામાં આવે એટલે હું ના પાડી દઉં અને કહી દઉં કે ભાઈ, મને દાળ-ભાત મગાવી આપો, હું એ ખાઈ લઈશ. ચોખ્ખી વાત છે કે પીત્ઝા એટલે પીત્ઝા, એમાં બીજું શું હોય? એટલે બુધવારે પણ મેં આ જ કહ્યું, પણ મને મારા ઑર્ગેનાઇઝરે કહ્યું કે તમે આવો, તમને મજા આવશે. એટલે હું ક-મને ગયો, પણ અનુભવે મને ખબર પડી કે જો હું ન ગયો હોત તો મને અફસોસ થાત.
હું જે જગ્યાએ ગયો એ જગ્યાનું નામ હતું પીત્ઝા ક્રેવિન. આ પીત્ઝાની સૌથી મોટી ખાસિયત જો કોઈ હતી તો એ હતી એનાં ટૉપિંગ્સ. આપણે ત્યાં ટૉપિંગ્સના નામે શિમલા મિર્ચી, ટમૅટો, અન્યન, કૉર્ન અને ઑલિવ્સ કે એવું બધું હોય. એના પર ચીઝ નાખીને તમને આપી દે. આ જે રેસ્ટોરાં હતી એની વાત જુદી હતી.
મારા માટે પીત્ઝા આવે એ પહેલાં સમોસા પુટીન આવી. આ પુટીન શું છે એ હું તમને પહેલાં કહું. અમેરિકા અને કૅનેડામાં ફ્રેન્ચ ફ્રાઇઝ પર અલગ-અલગ સૉસ નાખીને આપે એને ફ્રાઇઝ પુટિન કહેવાય. બસ, આ લોકોએ સમોસા પુટીન બનાવી હતી. સમોસા ચાટમાં તીખી-મીઠી ચટણી અને એના પર દહીં ને સેવ ને એવુંબધું નાખે, પણ સમોસા પુટીનમાં સમોસાના ટુકડા પર ચીઝ ગાર્લિક સૉસ, હૉટ સૉસ, કેચપ અને એવા સૉસ નાખ્યા હોય. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્વાદ હતો. મને મજા આવી ગઈ.
એ પછી મારા માટે આવ્યા સમોસા પીત્ઝા!
હું તો આભો રહી ગયો.
આ જે સમોસા પીત્ઝા હતા એમાં સાવ નાના-નાના સમોસા હતા અને એમાં જે બેઝ હતો એના પર ટમૅટો પ્યુરી સાથે આપણા સમોસાનો મસાલો પાથર્યો હતો. સાવ યુનિક વરાઇટી અને સ્વાદમાં અવ્વલ દરજ્જા પર. જલસો-જલસો થઈ ગયો. આ પ્રકારનું કૉમ્બિનેશન આપણે તો સાચે વિચારી પણ ન શકીએ, પણ કૅનેડામાં આવું કૉમ્બિનેશન મને આપણા ઇન્ડિયન છોકરાઓના હાથે ટ્રાય કરવા મળ્યું.
એક પીત્ઝા હતો અમૂલ ચીઝ બર્સ્ટ પીત્ઝા. આવું શું કામ એવું તરત જ તમને થાય, પણ હું ચોખવટ કરી દઉં. તમને એમ થાય કે ચીઝ એટલે ચીઝ; પણ ના, આપણું ચીઝ જેને ભાવતું હોય તેને આપણું જ ચીઝ ભાવે. દુનિયામાં અઢળક પ્રકારનાં ચીઝ મળે છે, પણ આપણે અમૂલનું ચીઝ ખાવા માટે ટેવાયેલા છીએ. આ વાત આ છોકરાઓને પણ ખબર હતી એટલે તેમણે ખાસ અમૂલ ચીઝ બર્સ્ટ પીત્ઝા ડિઝાઇન કર્યા છે. બીજી વાત. આ રેસ્ટોરાંમાં નૉન-ઇન્ડિયન્સ પણ પુષ્કળ આવે છે. આવનારા એ ધોળિયાઓ અને ચીનાઓને પણ આપણી વરાઇટી ટ્રાય કરવા મળે અને એ લોકો આપણી વરાઇટીના આશિક બને એવા હેતુથી આ પ્રકારના પીત્ઝા ડિઝાઇન થયા છે.
અમૂલ ચીઝના એ પીત્ઝા ખાધા પછી મને ખરેખર થયું કે હું ઇન્ડિયન ચીઝ જ ખાઉં છું. ચીઝની વાત નીકળી છે તો કહી દઉં કે અમુક ચીઝ તો એવાં હોય છે કે તમે એ ટ્રાય કરો કે વૉમિટ થઈ જાય. સાચે જ. એમાંથી એવી વાસ આવતી હોય કે વાત ન પૂછો, પણ આ ધોળિયાઓ માળા બેટા એ ચીઝ પણ પ્રેમથી આરોગે. ઍનીવે, પીત્ઝા ક્રેવિંગનો મારો અનુભવ અદ્ભુત રહ્યો. મને થયું પણ ખરું કે આ પીત્ઝા ક્રેવિન જો આપણે ત્યાં ખૂલે તો મુંબઈમાં પણ મસ્ત ચાલે.
પીત્ઝા ક્રેવિન આપણે ત્યાં આવે ત્યારની વાત ત્યારે, બાકી જો તમને મન થતું હોય તો તમે કૅનેડા જાઓ ત્યારે એ ટ્રાય કરજો. જો તમારા કોઈ ઓળખીતા પણ કૅનેડામાં રહેતા હોય તો તેને પણ કહેજો કે પીત્ઝા ક્રેવિનમાં એક વાર જાય.
સાચે જ એ લોકોને પણ બહુ મજા આવશે.