આખું વર્ષ તબિયત ટકાટક રાખવા માટે ખાઓ સાત્ત્વિક અને સ્વાદિષ્ટ

14 January, 2021 04:15 PM IST  |  Mumbai | Pooja Sangani

આખું વર્ષ તબિયત ટકાટક રાખવા માટે ખાઓ સાત્ત્વિક અને સ્વાદિષ્ટ

ખિચડો

મકર સંક્રાન્તિના દિવસે તલ, દાળિયા, સિંગદાણાની ચીકી અને મમરાના લાડવા ઉપરાંત ખીચડો બનાવવાની પરંપરા અસ્તિત્વમાં છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ઘરમાં ખીચડી ન બને, પણ આ ફેસ્ટિવલમાં ખાસ પ્રકારની ખીચડી અથવા ખીચડો બનાવવાનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ પ્રથા ખેતી સાથે જોડાયેલી છે. હજારો વર્ષોથી ખગોળીય વિજ્ઞાનની ઊંડી સમજ ધરાવતો ભારત કૃષિપ્રધાન દેશ છે. મકર સંક્રાન્તિના દિવસે જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે ખેડૂતો પાકની લણણી કરે છે. નવા ધાન્યને રાંધીને ખાવાથી આરોગ્ય સારું રહે છે એવી માન્યતા છે ત્યારે વાત કરીએ ખીચડાના સ્વાસ્થ્યવર્ધક ફાયદાની. આ સાથે ગૃહિણીઓ પાસેથી ખીચડો બનાવવાની રીત પણ શીખીએ.
જાન્યુઆરીના મધ્યમાં સેલેસ્ટિયલ ટ્રાન્ઝિશન (અવકાશીય ઘટના)ને કારણે દિવસો લાંબા અને રાત ટૂંકી થતી જાય છે. હવામાનમાં પરિવર્તન અને ગરમીનો પારો ઊંચે જતાં તબિયત પર એની વિપરીત અસર થાય છે. આ સમગાળામાં પેટની કાળજી રાખવી પડે એમ જણાવતાં ડાયટિશ્યન ઇશિતા શાહ કહે છે, ‘મકર સંક્રાન્તિ બાદ ઠંડી ઘટતી જાય છે અને ગરમીનું પ્રમાણ વધે છે. ટેમ્પરેચરમાં ફેરફાર થાય ત્યારે પેટની સંભાળ માટે પોષક તત્ત્વોથી ભરપૂર સંતુલિત આહાર લેવો જોઈએ. જુદાં-જુદાં અનાજ અને લીલાં શાકભાજી મિક્સ કરીને બનાવવામાં આવતો સાત્ત્વિક અને પૌષ્ટિક ખીચડો ખાવાની પ્રથા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. ઠંડીમાં ભૂખ લાગે અને ગરમીમાં તરસ. ખીચડો બનાવવાની જે રીત છે એનાથી વચગાળાની ઋતુમાં ભૂખ અને તૃષ્ણા બન્ને શાંત થાય છે. ઘઉં, જુવાર, બાજરી જેવાં અનાજને પલાળીને ફોતરાં છૂટાં કરી દેવાથી સહેલાઈથી પચી જાય છે. એટલે જ ખીચડો બનાવવા માટે ગૃહિણીઓ ખાસ્સી જહેમત ઉઠાવે છે. મસાલાવાળો અને ગળ્યો બન્ને પ્રકારના ખીચડામાંથી શરીરને જરૂરી પોષણ મળી રહેતાં આરોગ્ય માટે બેસ્ટ છે. ખીચડો બનાવવાની પદ્ધતિ અટપટી જરૂર છે, પરંતુ એને કારણે જ એની ન્યુટ્રિશનલ વૅલ્યુ વધી જાય છે.’
ખીચડો બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં અનાજ બૉડીમાં ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. ઇશિતા કહે છે, ‘બાજરી, ઘઉં અને જુવાર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનો સારો સ્રોત છે. એમાં ઍન્ટિ ઑક્સિડન્ટનો ગુણધર્મ રહેલો છે. પૉલિફેનોલ્સ અને ફાયટોકેમિકલ્સ જેવાં રસાયણોથી સમૃદ્ધ નવાં ઊગેલાં અનાજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ૭ જાતનાં અનાજમાં જીરું, લવિંગ, તજ, મરી જેવા તીખા મસાલા ભળે ત્યારે પાચનશક્તિ સુધરે છે તેમ જ શરૂઆતની ગરમીની બળતરા ઓછી કરવામાં સહાયક બને છે. ખીચડાની વિશેષતા એ છે કે બધા રોગના દરદી ખાઈ શકે છે. એનાથી લોહીમાં શુગરનું સ્તર વધતું નથી. એક મીલ ખીચડામાં અંદાજે ૩૨૫ કેસિબલ એનર્જી, ૫૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, ૧૦ ગ્રામ પ્રોટીન અને ૮ ગ્રામ ચરબી તેમ જ પર્યાપ્ત માત્રામાં વિટામિન-બી કૉમ્પ્લેક્સ અને અન્ય ખનીજ તત્ત્વો હોય છે. ગળ્યો ખીચડો બનાવવા માટે દેશી ઘી અને ઑર્ગેનિક ગોળ વાપરવો. નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ આ ખીચડો ખાય તો શરીર હૃષ્ટપુષ્ટ બને છે. મકર સંક્રાન્તિમાં ખીચડો ઉપરાંત તલસાંકળી ખાવાથી શરીરમાં શક્તિ અને ઊર્જાનો સંચાર થાય છે.’


ખીચડો બનાવવા માટે ખાસ્સી જહેમત ઉઠાવવી પડે છે, પરંતુ એને કારણે જ એની ન્યુટ્રિશનલ વૅલ્યુ વધી જાય છે. નવાં ધાન્યને પલાળી ફોતરાં કાઢી નાખવાથી એ
સહેલાઈથી પચી જાય છે. ૭ જાતનાં અનાજ સાથે તાજાં વિન્ટર વેજિટેબલ અને મરી-મસાલા મિક્સ થતાં શરીરને આવશ્યક તમામ પ્રકારનાં પોષક તત્ત્વો મળી રહે છે તેમ જ શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
-ઇશિતા શાહ, ડાયટિશ્યન


૧૫ જાન્યુઆરીએ કેમ?
વર્ષોથી આપણે ૧૪ જાન્યુઆરીએ સંક્રાન્તિ ઊજવતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી તારીખ બદલાઈ જવાનું કારણ ખગોળવિજ્ઞાન છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે એને સંક્રાન્તિ કહે છે. વર્ષમાં કુલ ૧૨ સંક્રાન્તિઓ થાય છે. ખગોળીય વિજ્ઞાન અનુસાર ૧૪ જાન્યુઆરીએ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે. ૨૦૧૬માં ખગોળશાસ્ત્રીઓના અભ્યાસ પ્રમાણે સૂર્યએ ૧૪ જાન્યુઆરીને બદલે ૧૫ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. આમ સમય બદલાતાં હવે આપણે ૧૫મી તારીખે તહેવાર મનાવીએ છીએ.

ગૃહિણીઓની માન્યતા અને રેસિપી

વહુ-દીકરીના હાથે ઓરવવાથી સારાં
શુકન થાય : જયોતિ સંઘવી, બોરીવલી
પચાસ વર્ષથી મકર સંક્રાન્તિના દિવસે કુટુંબની દરેક વ્યક્તિ, બહેન-દીકરીઓ અને વેવાઇવેલાઓ જ્યોતિબહેનના હાથનો બનાવેલો ગળ્યો ખીચડો ખાવાની આતુરતાથી રાહ જુએ છે. વર્ષમાં એક દિવસ બને છે તો બધાને વહેંચવો જ જોઈએ એમ ઉત્સાહભેર જણાવતાં ૭૮ વર્ષનાં જ્યોતિ સંઘવી કહે છે, ‘અમારે ત્યાં શરૂઆતથી ગળ્યો ખીચડો બનાવવાની પ્રથા છે. મારાં સાસુ પણ બનાવતાં. એ માટે આગલા દિવસથી તૈયારી કરવી પડે. વહુ-દીકરી આપણા ઘરની લક્ષ્મી કહેવાય એથી સંક્રાન્તના દિવસે તેમના હાથે ખીચડો ઓરવવો સારાં શુકન કહેવાય. ખીચડો બનતો હોય ત્યારે તપેલા પર ઢાંકણ ઢાંકીએ અને જે દિશામાંથી પ્રથમ ઊભરો આવે એ દિશામાંથી ધનની પ્રાપ્તિ થશે એવી માન્યતા છે. ખીચડો બની જાય એટલે સૌથી પહેલાં ઠાકોરજીને ધરવામાં આવે છે. ત્યાર બાદ પ્રસાદરૂપે બધા ગ્રહણ કરીએ.’
ઘઉંના ફાડાનો ગળ્યો ખીચડો
સામગ્રી : અડધો કિલો દેશી ઘઉં, ૧ લિટર દૂધ, દેશી ઘી, સાકર, કિસમિસ, બદામ, એલચી, કેસર
રીત : આગલા દિવસે ઘઉંને લોખંડના ખાંડણી-દસ્તામાં ખાંડી લેવા. ઘઉંની ફોતરી વળવા મંડે ત્યાં સુધી પાણી છાંટતા અને હળવા હાથે ખાંડતા રહેવું. ત્યાર બાદ ઘઉંને કૉટનના વસ્ત્ર પર પાથરી છાંયડામાં સૂકવવા દેવા. ત્રણ કલાક પછી ચાળણીથી ચાળીને ફોતરી કાઢી ફરીથી ખાંડવાની પ્રક્રિયા શરૂ કરવી. જુદી-જુદી જાળીવાળી ચાળણી વડે ચાળતા જવું ને ઘઉંના અલગ-અલગ સાઇઝના દાણાને જુદા કરવા. મોટા ફાડા ઓરમા માટે અને નાના ફાડા લાપસી માટે રાખવા. છેલ્લે રવા જેવું બૂરું છૂટું પાડીને એને પણ જુદું રાખવું. ખીચડો બનાવતી વખતે જાડા તળિયાવાળા તપેલામાં સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકવું. ઊભરો આવે એટલે એમાં ધીમે-ધીમે મોટી સાઇઝના દાણા નાખવા. સાથે-સાથે થોડું ગરમ પાણી ઉમેરતા જવું. મોટા દાણા જરા નરમ પડે અને કલર બદલાય એટલે એનાથી નાની સાઇઝના દાણા નાખવા. આમ વારાફરતી ગરમ પાણી રેડતા તમામ સાઇઝના દાણા ઉમેરવા. બધી સાઇઝના ઘઉંના ફાડા ઓરાઈ જાય પછી ગળપણ જોઈતું હોય એ પ્રમાણે સાકર (લગભગ પોણો કિલો), દૂધમાં પલાળેલું કેસર, કિસમિસ, એલચી પાઉડર નાખવાં. સાકરનું પાણી બળે ત્યારે ત્રણેક ચમચી ઘી ઉમેરવું. છેલ્લે બે ચમચી ઘઉંનો કરકરો લોટ નાખવો જેથી પાણી ચુસાઈ જાય ને ખીચડો છૂટો પડે. ખીચડો બનાવવાની પ્રક્રિયા દરમ્યાન વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. ઉપરથી બદામની કાતરી ભભરાવીને પીરસવું.

સાત ધાનના દાનનો મહિમા : બેલા પાઠક, અંધેરી
મકર સંક્રાન્તિના દિવસે રવૈયાં (રીંગણાં)નું ભરેલું શાક, છાશ અને પાપડ સાથે ખીચડો ખાવાની લિજ્જત માણવી હોય તો અંધેરીના બેલા પાઠકના ઘરે પહોંચી જાઓ. તેમના હાથનો મસાલા ખીચડો ૨૫ વર્ષથી મહિલા મંડળમાં પૉપ્યુલર છે. બેલાબહેન કહે છે, ‘બધા ગ્રહોમાં સૂર્ય મોટો કહેવાય. ત્યાર પછી ઊતરતા ક્રમે બીજા ગ્રહો આવે. એવી જ રીતે મકર છેલ્લી રાશિ છે જેમાં સૂર્યનો પ્રવેશ થાય છે. મકર સંક્રાન્તિના દિવસે જ્યોતિષવિદ્યા મુજબ દાન કરવાથી લાભ થાય છે. સૂર્યનો રંગ કૉપર જેવો હોવાથી ઘઉંનું દાન થાય. ચોખા ચંદ્રનું અને કાળાં અડદ શનિનું પ્રતીક છે. અનાજ અને તલનું દાન આપવાની સાથે એમાંથી બનાવેલો ખીચડો ખાવાથી તમામ ગ્રહોની દશા શાંત થાય છે અને આરોગ્ય સારું રહે છે એવી માન્યતા છે.’
મસાલા ખીચડો
સામગ્રી : ૧ વાટકી ચોખા, ઘઉંના ફાડા, બાજરી, જુવાર, ચણાની દાળ, મગ, તુવેરની દાળ (બધું અડધી વાટકી), એક મુટ્ઠી અડદ, લીલવા (વટાણા, વાલ, લીલા ચણા વગેરે), બે બટાટા, બે ઝીણાં સમારેલાં ટમેટાં, બે રીંગણાં, એક ટુકડો કોળું, આદુ-મરચાંની પેસ્ટ, ચપટીક અજમો (પાચન માટે), હળદર, ધાણા-જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, રાઈ-જીરું, મીઠો લીમડો, એક ચમચો ઘી.
રીત : ઘઉં, બાજરી, જુવાર, ચણાની દાળ, તુવેરની દાળ અને અડદને ૧૨ કલાક પલાળી રાખવાં. ખીચડો બનાવતી વખતે કુકરમાં ઘી મૂકી રાઈનો વઘાર કરવો. રાઈથી શનિની દશા શાંત થાય છે. રાઈ તતડે એટલે જીરું, અજમો, મીઠો લીમડો, આદુ-મરચાંની પેસ્ટ નાખીને સાંતળવું (પસંદ હોય તો કાંદા-લસણની પેસ્ટ પણ નાખી શકાય). હવે પલાળેલાં અનાજ નાખી બે સીટી વગાડવી. થોડી વાર પછી કુકર ખોલીને એમાં ચોખા અને શાકભાજી નાખીને મસાલો કરવો. ત્યાર બાદ ફરીથી કુકરનું ઢાંકણું ઢાંકીને ત્રણ સીટી વગાડવી. પીરસતી વખતે ઉપરથી ઘી રેડવું. ડેકોરેશન માટે લાલ મરચું ભભરાવવું.

indian food Gujarati food