મધપૂડો તીખો પણ હોય એવું તો પહેલી વાર જોયું

20 January, 2022 10:06 AM IST  |  Mumbai | Sanjay Goradia

નામ સાંભળતાં માલપૂઆની ખુશ્બૂ મનમાં આવે પણ એ બિલકુલ ખોટું, જો તમે કાઠિયાવાડમાં હો તો

મધપૂડો તીખો પણ હોય એવું તો પહેલી વાર જોયું

તમને યાદ હોય તો દોઢ-બે મહિના પહેલાં આપણે રાજકોટની ફેમસ વરાઇટી ચાપડી-ઊંધિયુંની ફૂડ ડ્રાઇવ માણી હતી. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સંતોષ નામના કાઠિયાવાડી વરાઇટી બનાવતા રેસ્ટોરન્ટનું ચાપડી-ઊંધિયું ખાતી વખતે આપણે મધપૂડો નામની એક વરાઇટીની વાત પણ કરી હતી અને કહ્યું પણ હતું કે મોકો મળશે તો તમને એ મધપૂડાનો આસ્વાદ કરાવીશ.
મળી ગયો મોકો અને ‘દે તાળી, કોના બાપની દિવાળી’ નાટકનો શો આવી ગયો રાજકોટમાં. રાજકોટમાં પગ મૂક્યો ત્યારથી જ મારા મનમાં આ મધપૂડો રમવા માંડ્યો હતો અને મેં જાતજાતની એના વિશે કલ્પના પણ કરી લીધી હતી પણ એ બધી કલ્પના ઘડીભરમાં નેસ્તનાબૂદ થઈ ગઈ. મને આ મધપૂડાની વાત કરી હતી રાજકોટમાં રહેતા અભિષેક તલાટિયાએ. 
અભિષેકને મેં અગાઉથી જ કહી રાખ્યું હતું એટલે સાંજે છ વાગ્યે એ આવી ગયો મને લેવા અને અમે બન્ને પહોંચ્યા સંતોષમાં. ત્યાં જઈને મધપૂડો ઑર્ડર કર્યો. મનમાં એમ કે માલપૂઆ જેવી કોઈ સ્વીટ વરાઇટી હશે. મધ આમ પણ ગળ્યું હોય એટલે કલ્પના પણ કંઈ ખોટી નહોતી લાગતી પણ ના, આ મધપૂડો એવો નથી. આ મધપૂડો તીખોતમતમતો હોય છે. આ કાઠિયાવાડની ટ્રેડિશનલ વરાઇટી છે. ચાપડી-ઊંધિયું વખતે મેં તમને કહ્યું હતું કે એ ઊંધિયુમાં ખૂબ બધાં શાક હોય પણ મધપૂડામાં કોઈ શાક નથી હોતાં. 
મધપૂડામાં માત્ર છૂંદેલાં બટાટા અને ટમેટાં હોય. તમે એને ઘટ્ટ ગ્રેવી કહી શકો. મધપૂડા સાથે તમને કોબી, ટમેટાં, ગાજરનું સૅલડ આપે. સાથે આથેલાં મરચાં હોય, લસણની ચટણી હોય અને ચાપડી હોય. તમારે ચાપડીનો ભૂકો કરી ગ્રેવીમાં મિક્સ કરી એ ખાવાનું. જો ટ્રેડિશનલ ફૂડ ભાવતું હોય તો સાતે કોઠે દીવા થઈ જાય એવી વરાઇટી.
ચાપડી માટે તો તમને અગાઉ કહ્યું છે એમ, ચૂરમાના લાડુ બનાવવા માટે જે કરકરો લોટ હોય એમાંથી એ બને અને આ ચાપડી શેકેલી નહીં, તળેલી હોય પણ એમાં તેલ કે ઘી તમને સહેજ પણ જોવા મળે નહીં. સંતોષની લસણની ચટણીનો હું આશિક છું એમ કહું તો ચાલે. એક પણ જાતના પ્રિઝર્વેટિવ નહીં. સો ટકા શુદ્ધ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનતી આ લસણની ચટણી તમે હાથમાં લઈને મોઢામાં મૂકો એ પહેલાં જ એની ખુશ્બૂ તમને આવવા માંડે. યાદ રાખજો, ફૂડમાં ખુશ્બૂ હોવી ખૂબ જરૂરી છે. આ ખુશ્બૂ ભૂખ ઉઘાડવાનું કામ કરે છે. હવે વાત કરું મધપૂડાની.
ટમેટાને કારણે મધપૂડો ચટાકેદાર લાલ રંગનો બને છે. બાફેલા બટાટાને પીસીને એમાં નાખવામાં આવે ત્યારે શાકની સપાટી પર જે ભાત ઊપસે એ ભાત ડિટ્ટો પેલા ઝાડ પર થતા મધપૂડા જેવી ઊભી થતી હોવાને લીધે આ શાકનું નામ મધપૂડો પડ્યું છે. મધપૂડો અત્યારે શિયાળામાં ખવાય છે પણ પહેલાં એ ચોમાસામાં ખવાતો. વરસતા વરસાદ વચ્ચે વાડીએથી પાછા આવ્યા પછી તીખોતમતમતો મધપૂડો ખાઈને ઠંડી ઉડાડવા માટે આ રેસિપી ઘરમેળે શોધવામાં આવી હોવાનું કહેવાય છે, જે વાતમાં તથ્ય લાગે છે; કારણ કે શિયાળામાં તો બધાં શાક સરળતાથી મળે અને એ જ ખાવાનાં હોય તો પણ આ મધપૂડામાં બારેમાસ મળતાં ટમેટાં અને બટાટા સિવાય બીજા કોઈ શાકનો ઉપયોગ નથી થતો એટલે માની શકાય કે આ આઇટમ પહેલાં ચોમાસામાં ખવાતી હોઈ શકે છે પણ આપણે શું, આપણને તો ભાવતાં ભોજનિયાં અને નિતનવી નખરેદાર આઇટમ મળે એટલે જલસો જ જલસો અને એવો જ જલસો પડ્યો મધપૂડો ખાઈને.
તમારે પણ આવો જ જલસો કરવો હોય, રાજકોટના યુનિવર્સિટી રોડ પર સંતોષ ચાપડી-ઊંધિયું સેન્ટર જવાનું ચૂકતા નહીં. શિયાળા પૂરતો જ મધપૂડો અહીં મળે છે એટલે જો આ દિવસોમાં જવાનું બને તો ચાપડી-ઊંધિયું નેક્સ્ટ ટાઇમ પર રાખીને પણ મધપૂડો ટ્રાય કરવાનું ચૂકતા નહીં.

Sanjay Goradia columnists