સ્ટ્રીટ-ફૂડ? વો ક્યા હોતા હૈ?

15 May, 2020 03:53 PM IST  |  Mumbai | Bhakti Desai

સ્ટ્રીટ-ફૂડ? વો ક્યા હોતા હૈ?

વીકમાં ચાર-પાંચ વાર સ્ટ્રીટ્સના ઠેલાઓ પરથી સૅન્ડવિચ, પીત્ઝા, ફ્રેન્ચ ફ્રાઇઝ, બર્ગર, વડાપાંઉ અને સમોસાં ન ખાય તો ચેન ન પડે એવા યંગસ્ટર્સનો લગભગ બે મહિનાનો જન્ક ફૂડનો ઉપવાસ થઈ ગયો છે. બહારનું ખાધા વિના તો કેમ જિવાય એવું માનતા જુવાનિયાઓને શું હવે ઘર કા ખાનાની આદત પડવા લાગી છે કે પછી કંઈક મિસ કરી રહ્યા છે? ચાલો તેમને જ પૂછી જોઈએ

શું ક્યારેય વિચાર્યું હતું કે એક દિવસ એવો પણ આવશે કે યુવાઓને કૅન્ટીનનું ખાવાનું, સ્ટ્રીટ-ફૂડ, રેસ્ટોરાં, બર્ગર, ફ્રેચ ફ્રાઇઝ, પાસ્તા, સૅન્ડવિચ વગર રહેવાનીઆદત પડી જશે? આરોગ્યના દૃષ્ટિકોણથી આ પરિસ્થિતિ બેશક લાભદાયી છે, પણ તેમને આ જન્ક ફૂડ યાદ જરૂર આવે છે. જ્યાં કૉલેજના વિદ્યાર્થીઓ અને ઑફિસનાં છોકરા-છોકરીઓ રેંકડી પર ખાતાં, એકાદ ટપરી પાસે ઊભા રહી હાથમાં કટિંગ ચા પર મશ્કરી કરતાં અથવા અન્ય ઠંડાં પીણાંની બાટલી લઈને ટોળે વળી પાર્ટી કરતાં જોવા મળતાં એ દિવસો અને એ દૃશ્ય ક્યાંક ખોવાઈ ગયાં હોય એવું જણાય છે.

હવે ઍસિડિટી નથી થતી


કૉલેજની આસપાસના સ્ટ્રીટ-ફૂડને મજાથી આરોગતી ગોરેગામમાં રહેતી કૉલેજિયન વૃષ્ટિ નંદુ કહે છે, ‘મને મારા ઘરની નજીક અને કૉલેજની બહાર સૅન્ડવિચ ખાવાની આદત હતી. હું રેસ્ટોરાંમાં ઓછું જતી. મને બહારની પાણીપૂરી પણ બહુ ભાવે છે. આ બધું જ મને યાદ આવે છે તેથી અમે ઘરમાં કોઈ ને કોઈ આઇટમ બનાવતા હોઈએ છીએ. હમણાં જ કેરીમાંથી ગોટલી કાઢીને એમાં કુલ્ફી ભરી એને ફ્રિજમાં રાખી એક નવી આઇટમ મૅન્ગો વિથ કુલ્ફી બનાવી હતી. ઢોકળાં, મૂઠિયાં આ બધું પણ હું ખાઉં છું. હું મારી મમ્મીને પાસ્તાનો સૉસ બનાવીને આપું અને પછી મમ્મી પાસ્તા બનાવે છે. એક વાર પીત્ઝા પણ બનાવ્યા હતા. હવે મને સમજાય છે કે મને પેટની કોઈ સમસ્યા નથી થતી, ઍસિડિટી નથી. એટલે એક રીતે ઘરનું ખાવાની આદત સારી છે.’

જન્ક ફૂડ ન ખાવાથી સ્કિન ચમકી ઊઠી છે


બોરીવલીમાં રહેતી કૉલેજમાં ભણતી કવિશા દોષીને લૉકડાઉનમાં જન્ક ફૂડ ખાવા ન મળ્યું એ બહુ ફળ્યું છે. એના ફાયદા પણ તેને પોતાની હેલ્થ અને ખાસ તો સ્કિન પર દેખાય છે. તે કહે છે, ‘હું અઠવાડિયામાં ચારેક વાર અથવા જ્યારે ભૂખ લાગે ત્યારે કૉલેજ પાસે મળતું સ્ટ્રીટ-ફૂડ ખાતી. સૅન્ડવિચ, પાસ્તા આ બધું વધારે ખાવામાં આવતું. જોકે હવે ઘરે હમણાં બ્રેડની કોઈ વસ્તુ નથી બનાવતી, પણ પાસ્તા જરૂર બનાવું છું. બહારનું આચરકૂચર ન ખાવાને કારણે મને અચાનક મારી ત્વચામાં ખૂબ ફરક જણાયો. ત્વચા પર ચમક આવી ગઈ છે.’

પહેલા ૨૧ દિવસમાં જ આદત બદલાઈ ગઈ


ગોરેગામમાં રહેતી કૉલેજમાં ભણતી આયુષી લાપસિયા કહે છે, ‘પહેલાં બે અઠવાડિયાંમાં મને સ્ટ્રીટ-ફૂડ ખાવાનું મન થતું. સૅન્ડવિચ અને પાસ્તા કૉમ્બોની મજા અલગ જ છે. શરૂઆતમાં મને એમ થયું કે ઠીક છે એક-બે અઠવાડિયાંમાં તો બધું બરાબર થઈ જશે અને હું ચલાવી લઈશ. જેમ લૉકડાઉનના દિવસો વધતા ગયા એમ મને થયું કે હવે મને આવા ટેસ્ટી ફૂડ વગર નહીં ચાલે એટલે મેં ઘરે વિવિધ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી, પણ બહાર મળે અને ઘરે બનાવીએ એના સ્વાદમાં ઘણો ફરક હોય છે. તમે સાંભળ્યું જ હશે કે કોઈ પણ આદત બદલવા ૨૧ દિવસનો સમય લાગે છે. મારી સાથે એવું જ બન્યું. સતત ૨૧ દિવસ ઘરમાં જ બનાવેલી વાનગીઓ ખાવાને કારણે હું ઘરના ખોરાકનો સ્વાદ માણવા લાગી. હવે સાચું કહું તો એવું લાગે છે કે બહારનું ન ખાવાથી કોઈ ફરક પડતો નથી. મને ચૉકલેટ ભાવે છે, પણ એ પણ દુકાનોમાં ઉપલબ્ધ નથી. હવે મારી ત્વચામાં નોંધપાત્ર બદલાવ જણાય છે અને હું ખૂબ ખુશ છું.’

વિડિયો જોઈને જાતે બનાવી લઉં છું


બોરીવલીમાં રહેતી ક્રિશા મહેતા કૉલેજમાં ભણે છે. તે સ્ટ્રીટ-ફૂડને યાદ કરતાં કહે છે, ‘હા, ઘણો સમય થઈ ગયો છે બહારનું ખાવાને. ટેસ્ટી ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે, કારણ કે પહેલાં તો ભૂખ લાગે અને ઇચ્છા થાય ત્યારે આ બધું મળતું હતું. મેં ઇન્ટરનેટથી રેસિપી લઈને મંચુરિયન વડાં, ચાઇનીઝ ભેળ, ફ્રાઇડ રાઇસ આ બધું બનાવ્યું છે જે મને ભાવે છે. પાસ્તા પણ બનાવ્યા છે. જન્ક ફૂડથી મારી ત્વચા પણ ખરાબ થાય છે અને હવે મને ઘણું સારું લાગે છે અને ત્વચા પણ ઘણી સારી થઈ ગઈ છે.’

સ્ટ્રીટ-ફૂડ મુંબઈકર માટે જરૂરી
ઘાટકોપરમાં રહેતા રિધમ ખુથિયા ગ્રૅજ્યુએશન પછી ઍક્ટિંગમાં પ્રવેશ કરી થિયેટરમાં પર્ફોર્મ કરે છે. તે કહે છે, ‘હું ઝૅવિયર્સ કૉલેજમાં ભણ્યો અને ત્યાંની કૅન્ટીન ખૂબ મોટી છે. અહીં આજે પણ વિવિધ આઇટમ્સ મળે છે તેથી ત્યાં ખાવાનું મન થાય એ સ્વાભાવિક જ હતું. ઍક્ટિંગમાં આવ્યા પછી આ બધું થોડું ઓછું થઈ ગયું છે, પણ હજી મને બહારનું ભાવે છે અને કોઈ વાર ભૂખ લાગે તો પણ ખાવું પડે છે. હવે ટેસ્ટી ખાવાની તલબ પૂરી કરવા વડાપાંઉ, પીત્ઝા, ફ્રાઇડ રાઇસ અને મારી મનગમતી વાનગી પાસ્તા ઇન વાઇટ સૉસ પણ હું બનાવું છું. લૉકડાઉન ખોલ્યા પછી થોડા સમય માટે હું બહારનું કંઈ નહીં ખાઉં, પણ પછી તો કદાચ ખાવું જ પડશે. મારા હિસાબે દરેક મુંબઈકરે ખૂબ કલાકો બહાર રહેવાને કારણે ભૂખ લાગે ત્યારે અથવા ઇચ્છા થાય ત્યારે બહારનું ખાવું જ પડે છે. એના સિવાય તેઓ બહારની દુનિયામાં ટકી નથી શકતા.’

કૅન્ટીનની યાદમાં જાતે શેફ બની ગઈ છે


સ્કૂલની કૅન્ટીનની જયાફત માણવાનું જેને બહુ ગમતું એવી બોરીવલીની મહેક છેડા કહે છે, ‘મારી સ્કૂલ કૅન્ટીનમાં સમોસા-પાંઉ, વડાપાંઉ, મંચુરિયન આ બધું ખાવાનું એક રૂટીન બની ગયું હતું. હું આ સ્વાદ એટલો માણતી કે મને હજી પણ એની યાદ આવે છે. સ્કૂલ બંધ થઈ એટલે મમ્મીએ પણ કહ્યું કે આ દિવસોમાં તમે પણ કંઈ નવું કરો. મેં ઇન્ટરનેટ પર વિડિયો જોઈને પાંઉભાજી, પાસ્તા, પાણીપૂરી, ચાઇનીઝ ભેળ, મંચુરિયન, રોટી નૂડલ્સ, ચીઝ ચિલી, ફૂસકી આ બધું બનાવ્યું અને હજી બનાવું છું. મારી બહેન પણ મને મદદ કરે છે. હું
અલગ-અલગ શાકમાંથી મારી પોતાની વાનગી બનાવી શકું છું. મને બહાર કરતાં ઘરનું ખાવાનું સ્વચ્છ અને સારું લાગે છે. ઘરે બનાવવાની શરૂઆત કરી એ પછી સમજાયું કે આ બધું સહેલું પણ છે.’


મમ્મી ટેસ્ટી વાનગીઓ બનાવવા લાગી છે


અંધેરીમાં રહેતો કૉલેજિયન કબીર હીરાણી પોતાની કૉલેજની કૅન્ટીનને મિસ કરે છે. એમ છતાં તેને ઘરનું ભાવે છે એમ જણાવતાં તે કહે છે, ‘હું કૅન્ટીનમાં સૅન્ડવિચ, ઢોસા અને ક્યારેક વડાપાંઉ ખાતો. અઠવાડિયામાં એકાદ વાર રેસ્ટોરાંમાં પણ જવાનું થતું, પણ તોયે મને નાનપણથી ઘરનું ખાણું ભાવે છે; કારણ કે મારા ઘરમાં
સવાર-સાંજનો નાસ્તો, બપોર અને રાતનું જમવાનું હંમેશાં આરોગ્યવર્ધક જ હોય છે. મેં પાસ્તા બનાવ્યા હતા અને મમ્મી હમણાં લૉકડાઉનમાં ટેસ્ટી વાનગીઓ પણ બનાવીને ખવડાવે છે.’

indian food bhakti desai